
ફેશનનું ચક્ર ઋતુઓ સાથે બદલાતું રહે છે. વર્ષોથી ફેશન અને ઋતુઓ એકબીજાના પર્યાય બની ગયા છે એમ કહેવામાં વાંધો નથી. મુંબઇમાં ઉનાળાનું આગમન થઇ ચૂક્યું છે. આમ તો મુંબઇગરો બારે માસ ગરમીનો ત્રાસ સહન કરવા ટેવાઇ ગયો છે પરંતુ હાલમાં તેણે જરા વધુ પડતી ગરમીનો ત્રાસ વેઠવો પડે છે.
સ્કૂલમાં શીખવવામાં આવે છે તેમ ગ્રીષ્મની કાળઝાળ ગરમીમાં સફેદ કે પછી આછા રંગના સૂતરાઉ કપડા પહેરવા જોઇએ. અને વર્ષોથી આ પ્રથા ચાલી આવી છે. પરંતુ આજનો જમાનો ફેશન ડિઝાઇનરોનો છે. અને તેઓ દરેક મોસમમાં અવનવા પરિધાનો સાથે ફેશનપરસ્ત નારીઓને રિઝવવા હાજર થઇ જાય છે.
ફેશન ડિઝાઇનરોએ આ વર્ષે ઉનાળાને જરા વધુ રંગીન બનાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે તેમના ક્લાયન્ટો માટે આછા તેમજ સફેદ રંગના કપડાંને સ્થાને ભડકીલા લાલ,કેસરી,પીળા,ભૂરા રંગના વસ્ત્રો તૈયાર કર્યા છે.
આજે મહાનગરોના મોટા મોટા પ્રખ્યાત ડિઝાઇન સ્ટોરોમાં પ્રવેશતા જ દુકાનના એરકન્ડીશનરની ઠંડી ઠંડી હવા ઉપરાંત ફૂલોની ડિઝાઇનવાળા રંગબેરંગી વસ્ત્રો તમારું સ્વાગત કરશે.
દિલ્હીના ખ્યાતનામ ડ્રેસ ડિઝાઇનર રવિ બજાજનો જ દાખલો આપીએ તો તેમણે આ વર્ષે મોલ્ટન યલ્લો,લવંડર,પીચ અને ડીપ પ્લમ જેવા રંગોના કપડા પર પસંદગી ઉતારી છે. તેમના સમર-૨૦૦૨ કલેક્શનમાં ફૂલો સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમના મનપસંદ 'રોઝ થીમ' પર આધારિત તેમના પરિધાનોમાં રોઝ પ્રિન્ટ તેમજ રેશમથી ગુલાબના ફૂલોનું ભરતકામ કરવામાં આવ્યું છે. હા, તેમના કલેક્શનમાં પાશ્ચાત્ય ડ્રેસ,ટોપ્સ,ટયુનિક્સ તેમજ સાડી અને ચોળીઓનો સમાવેશ થાય છે.
મહેકા મીરપુરી નામની એક ઉભરતી પરંતુ પ્રતિભાવંત ડિઝાઇનરે આ વર્ષે બ્લ્યુ,સાઇટ્રસ યલ્લો,કેસરી તેમજ ઝાંખા પીળા રંગના વસ્ત્રો તૈયાર કર્યા છે. તેણે બ્લાઉઝ,ભરતકામ કરેલા હીપસ્ટર્સ તેમજ હોલ્ટર્સ સાથે પહેરાય એવી સાડીઓ તૈયાર કરી છે. આ માટે તેણે જ્યોર્જેટ,શિફોન અને ક્રેપના કપડા પસંદ કર્યા છે. ફૂલોની ડિઝાઇન ધરાવતા તેમજ અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) ડિઝાઇનના આ પરિધાનો યુવા પેઢીમાં ખાસ્સું આકર્ષણ ઉત્પન્ન કરી રહ્યા છે. હા, કેટલાક પરિધાનો પર તેણે સિક્વીન,સ્ટોન અને થ્રેડવર્કનો પણ અખતરો કર્યો છે.
મહેકા કહે છે, ''પીચ,ટેન્જરીન,મેન્ગો,લાઇમ અને લેમન જેવા ફળોના રંગ સાથે મેળ ખાતા ફૂલો મારી પ્રેરણા મૂર્તિ છે.''
એક એકથી ચઢિયાતા ટૂંકા કુરતા,હીપસ્ટર,સ્કર્ટ,બેક લેસ કુરતા,શરારા અને સાડીઓ તેના સ્ટુડિયોની શોભા વધારે છે.
ફેશન વિશ્વનું એક ચક્કર મારતા જણાશે કે આ મોસમમાં ફૂલોની ડિઝાઇન પર ડિઝાઇનરો ઓવારી ગયા છે. રેશમી દોરાથી ભરેલા ફૂલોની બોલબાલા છે. હેમ લાઇન,નેક લાઇન,બાંય,બોર્ડર બધી જ જગ્યાએ ફૂલોની ડિઝાઇનો જોવા મળે છે. સોસાયટીઓના પાર્ટીઓમાં જતા જ વસંત ખીલી હોવાનો આભાસ થયા વિના રહેશે નહીં.
અન્ય એક ડ્રેસ ડિઝાઇનરે ઉનાળાની ઋતુ માટે કેપ સ્લીવવાળા મીની કુરતાની ડિઝાઇન કરી છે. હા,તેણે લાંબી બાંયના કુરતા પણ બનાવ્યા છે. આ ઉપરાંત ઉનાળાની ગરમીથી બચવા તેણે શિફોનના સ્કાર્ફ તૈયાર કર્યા છે. તેના વસ્ત્રો પર પણ ભરેલા ફૂલો છે. ઘાટઘૂટ વગરના કટ સાથેનું લેયરીંગ ફેશન પરસ્તોના દિલમાં વસી જાય એવું હોવાનો ગણગણાટ સંભળાય છે. તેણે પર્લ પિન્ક,મૌ,એકવા,ઓરેન્જ યલ્લો રંગના જ્યોર્જેટ કે શિફોન પર આકર્ષક ડિઝાઇનના વસ્ત્રો તૈયાર કર્યા છે.
મુંબઇ અને દિલ્હીમાં ડિઝાઇનર સ્ટોર ધરાવતી એક પ્રસિધ્ધ મહિલા ડિઝાઇનરે ફ્યુઝન સ્ટાઇલના વસ્ત્રો બનાવ્યા છે. પશ્ચિમના ગ્લેમર અને પૂર્વના સ્પિરિટના સમન્વયથી તૈયાર થયેલા અવનવી ડિઝાઇનના પરિધાનો સ્ટોરમાંથી ગરમાગરમ બટાટા વડાની જેમ ઉપડી જાય છે એમ સાંભળ્યું છે. બુટલેગ પેન્ટ કેપ્રી પેન્ટ સાથેના વિવિધ પ્રકારના કુરતાઓ જેમાં સ્ટ્રેપલેસ ટયુબ,કોલર ધરાવતા,એક પટ્ટાના તેમજ ટયુનિક સ્ટાઇલના કુરતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્રિકોણી સ્કાર્ફ,સિક્વિન્ડ સ્ટોલ અને ફીટ લહેંગા પણ આ ડિઝાઇનરના સ્ટોરમાં જોવા મળે છે. આ ઋતુમાં આ ડિઝાઇનરે ડેનિમને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
હા, એકાદ-બે ડિઝાઇનરોએ હાથે પેઇન્ટ કરેલા ગુલાબથી પણ તેમના વસ્ત્રો સજાવ્યા છે.
ગુલાબ અને અન્ય ફૂલોના થીમ પર નાજુક કપડા પર બનાવેલા વસ્ત્રો આ ઉનાળાને વધુ સુંદર,રંગીન અને સુવિધાજનક બનાવશે એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.
- નયના