
- આરોગ્ય સંજીવની
આજે જે રોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે રોગનું નામ ''શ્વાસ'' રોગ છે. ''શ્વાસ'' રોગ મોટાભાગે મનુષ્યનાં અંતકાળમાં થતો જોવા મળતો જ હોય છે. આ સિવાય ઋતુનાં સંધિકાળમાં શ્વાસના દર્દીઓ આ બીમારીથી ખૂબ ત્રાસી ઉઠે. સામાન્ય ભાષામાં આ વ્યાધિને ''દમ'' તરીકે પણ ઓળખવામાં આવે છે.
રોગીને શ્વાસ થાય ત્યારે કફ છાતી ઉપર આવવાથી ગભરામણ અને મુંઝારો થાય છે. બોલી-ચાલી શકાતું નથી. આંખો ચઢી જાય છે. રોગમાં ઊંઘ આવતી નથી અને કદાચ ઊંઘ આવે તો પણ ઊંઘી શકાતું નથી. બેસી રહેવાથી રોગીને આરામ લાગે છે. આમ,આ રોગમાં દર્દીને ઘણી પરેશાની થાય છે.
આયુર્વેદમાં શ્વાસનાં પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) મહાશ્વાસ (૨) ઉર્ધ્વશ્વાસ (૩) તમક શ્વાસ (૪) છિન્ન શ્વાસ (૫) ક્ષુદ્ર શ્વાસ. આ પ્રકારો પૈકી મહાશ્વાસ અને ઉર્ધ્વશ્વાસ અતિકષ્ટદાયક અને દુ:સાધ્ય બતાવેલ છે. અને તે સહેલાઈથી મટાડી શકાય છે. અતિશય શ્રમ કરવાથી આ શ્વાસ થાય છે અને ૧૧ થી ૨૦ મિનિટમાં તે મટી પણ જાય છે. પરિશ્રમનો ત્યાગ કરવાથી આ શ્વાસમાં અન્ય પ્રકારોની માફક શરીરમાં અથવા ઈન્દ્રિયોમાં કોઈ વિશેષ પ્રકારની પીડા થતી નથી. તેમજ અન્નપાનની કોઈ ગતિ રોકાતી નથી. છિન્નશ્વાસમાં રોગી અટકી અટકીને શ્વાસ લેતો હોય છે. ઘણીવાર તો રોગી થોડા સમય સુધી શ્વાસ લઈ જ ન શકે તેવું લક્ષણ પણ આ પ્રકારમાં શ્વાસમાં જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં પ્રાણઘાતક કહેલ છે.
તમક શ્વાસ એ હાલના સમયમાં વધારે જોવા મળે છે. આ શ્વાસને પણ આયુર્વેદમાં કષ્ટસાધ્ય કહેલ છે. આધુનિક ચિકિત્સા શાસ્ત્રમાં પણ આ શ્વાસને ખૂબ કષ્ટપ્રદ કહેલ છે. આ શ્વાસમાં રોગી ઊંઘી શકતો નથી. સુવાથી શ્વાસરોગમાં વૃદ્ધિ થાય છે. દર્દીને કપાળમાં પરસેવો તથા આંખો સુઝી જાય છે. આ શ્વાસમાં બેસવાની સ્થિતિમાં રોગીને આરામનો અનુભવ થાય છે. વરસાદ,ભેજ,પવન અને ધુમાડાથી આ શ્વાસના દર્દીની તકલીફ વધી જાય છે. આ તમક શ્વાસ કષ્ટસાધ્ય હોવા છતાં નિયમિત ચિકિત્સા અને પથ્યાપથ્યનું પાલન કરવાથી તે મટી શકે છે.
શ્વાસ રોગ એ સામાન્યત: વાતરૂપ છે.સાધારણ અવસ્થામાં આ વાયુ શ્વાસકષ્ટતા ઉત્પન્ન કરતો નથી. પરંતુ જ્યારે આ વાયુ કફ દ્વારા અવરૂદ્ધ થાય છે ત્યારે જ શ્વાસરોગને ઉત્પન્ન કરે છે.જ્યારે ફેફસાંનાં વાયુકોષોમાં કફની અધિક્તાના કારણે વાયુ પ્રવેશ માટે સ્થાન અલ્પ થઈ જાય છે,ત્યારે આ રોગ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.
શ્વાસ રોગ માટે અહીં કેટલાંક સરળ ઉપાયો સૂચવું છું. જેનો ઉપયોગ વૈદ્યની સલાહ સાથે કરવો.
(૧) સૂંઠનો ગાંગડો પાણીમાં નાખી ઉકાળી થરમોસમાં ભરી રાખવું. સહેજ નવશેકું આ પાણી તરસ લાગે તેટલીવાર પીવું. આ સિવાય બીજું પાણી પીવું નહીં.
(૨) ૧ ચમચી તુલસીનો રસ અને ૧ ચમચી આદુનો રસ મધ મેળવી રોજ લેવાથી ધીરે ધીરે દમની બિમારીથી છુટકારો મળે છે.
(૩) ૨-૩ અંજીર સવારે અને રાત્રે દૂધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે અને દમ ઘટે છે.
આ ઉપરાંત શ્વાસકુઠાર રસ,લવગાદિ વટી,શ્વાસ-કાસ ચિંતામણી રસ,વસાવાલેહ,યષ્ટિમધુ,ઘનવટી વગેરે અનેકનો ઉપયોગ આયુર્વેદમાં શ્વાસ-દમ માટે બતાવેલો છે. જેની માત્રા અને પ્રયોગ વૈદ્યની સલાહ મુજબ ધીરજથી જો કરવામાં આવે તો શ્વાસ-દમમાં ખુબ જ ફાયદો થાય છે.
આ ઉપરાંત 'આયુર્વેદ'માં 'નિદાન પરિવર્જયેત' એટલે કે,રોગ થવા માટે જવાબદાર કારણોનો ત્યાગ કરવો. આ એક શ્રેષ્ઠ ચિકિત્સા આયુર્વેદમાં બતાવેલ છે.
આ ઉપરાંત પેટ સાફ રહે તેનું ધ્યાન રાખવું. દિવસ દરમિયાન સુખોષ્ણ જળ પીવું. કાળી દ્રાક્ષ,મધ,બકરીનું દૂધ,મગ,લસણ,રીંગણ,ચોખા,પરવળ, કુણા મૂળા,જેઠી મધ વગેરે હિતકર છે. જ્યારે ધૂળ-ધૂમાડો,તમાકુ,સિગારેટ,બીડી,દારૂ,ફરસાણ,મીઠાઈ,અડદ,મેંદો,કેળા,સરસવ,વાલ વગેરે અહિતકર છે.
સાવધાનીપૂર્વક ધીરજથી નિયમિત ઔષધ-સારવાર કરવામાં આવે તો શ્વાસની બિમારી ખરેખર મટી શકે છે.
- જહાનવીબેન ભટ્ટ