
બજારમાં હાલ લાલ લાલ ટામેટા જોવા મળી રહ્યા છે. શિયાળામાં ટામેટા અન્ય સિઝનની સરખામણીમાં સસ્તા હોય છે. તેથી ગૃહિણીઓ આ વખતે ટામેટાની અવનવી વાનગીઓ બનાવતી હોય છે. આપણે હંમેશા ટામેટાનું શાક ગાંઠિયા કે સેવ સાથે બનાવીએ છીએ. પરંતુ આજે અમે તમારા માટે ખાસ ભરેલા ટામેટાની રેસિપી લઈને આવ્યા છીએ. જે તમે ક્યારેય બનાવ્યું નહિ હોય. તો આજે જ આ રેસિપી ટ્રાય કરો.
ભરેલા ટામેટાનું શાક સામગ્રી
- 7 થી 8 ટામેટાં
- 100 ગ્રામ પૌઆ
- લસણ
- સીંગદાણા
- લીલું લસણ
- 2 ચમચા તેલ
- કોથમીર
- 1/2 ચમચી ગરમ મસાલો
- મરચું સ્વાદ મુજબ
- હળદર સ્વાદ મુજબ
- ધાણાજીરૂં સ્વાદ મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ભરેલા ટામેટાનું શાક બનાવવાની રીત
- શાક બનાવવાના 10 મિનિટ પહેલા ટામેટાને પાણીથી ધોઈને સાફ કરવા. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખી પલાળી રાખવા.
- ત્યારબાદ ટામેટાની અંદર ભરવાનો મસાલો તૈયાર કરવો.
- પૌઆ, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, દાણાનો ભૂકો, લીલું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠુ નાખી મસાલો તૈયાર કરી લો.
- હવે ટામેટાના ઉપરના ભાગથી 4 કટ પાડવા.
- ટામેટાની અંદરનો ભાગ થોડો છરી વડે કાઢી લઈને તેમાં મસાલો ભરવો. અંદરનો ભાગ સાઈડમાં સાચવીને રાખવો.
- આ રીતે બધા ટામેટામાં મસાલો ભરીને તૈયાર કરવા.
- હવે એક પેનમાં તેલ મુકો અને રાઈ, જીરું ,હીંગ નાખો. લીલા મરચા, લસણ નાખો.
- હવે ટામેટાના અંદરના કાઢી રાખેલા ભાગને ઉમેરી દો. જે સારો રસો તૈયાર કરે છે.
- પછી તેમાં ભરેલા ટામેટા નાખો અને વધેલો મસાલો પણ નાંખી દો. થોડું પાણી નાખી શાક ચડવા દો.
- આ રીતે થોડી વાર મા ભરેલા ટામેટાનું શાક તૈયાર જાય પછી તેની ઉપર કોથમીર અને લીલું લસણ નાખી સર્વ કરો.