
લીવર આપણા શરીરનું પાવરહાઉસ છે. ખોરાકને પચાવવાનું અને એમાંથી વિટામિન્સ, મિનરલ્સને શોષીને શરીરને આપવાનું કામ લીવરનું છે. જ્યારે કોઈ ઝેરી પદાર્થ શરીરમાં પહોંચે છે, ત્યારે એ લીવર દ્વારા ડિટોંક્સ થાય છે. આમ છતાં લીવરની કાળજી રાખવામાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. આ જ કારણ છે કે લીવર ટ્રાન્સપ્લાન્ટના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ચિંતાની બાબત એ પણ છે કે, લીવર ટ્રાન્સપ્લાન્ટના 50 ટકા કેસમાં ખરાબ જીવનશૈલી જવાબદાર હોય છે. દર વર્ષે 19મી એપ્રિલની ઉજવણી ‘વર્લ્ડ લીવર ડે તરીકે કરવામાં આવે છે. લીવર ટ્રાન્સપ્લાન્ટના અનેક દર્દીઓમાં મેટાબોલિક ડિફંક્શન એસોસિયેટેડ સ્ટીટોહેપેટાઇટિસ(મેશ) જોવા મળે છે.
મેદસ્વિતા ધરાવતી વ્યક્તિમાં મેશ જવાબદાર હોય
ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટના 60 ટકા કેસમાં મેશને કારણે લીવર ખરાબ થયેલું હોય છે. મેદસ્વિતા ધરાવતી વ્યક્તિમાં મેશ જવાબદાર હોય છે. ખાસ કરીને કોવિડ બાદ મેદસ્વિતાને કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હોય તેવા કેસમાં વધારો નોંધાયો છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે મેશ ઉપરાંત વધુ પડતો દારૂ પીવો, હિપેટાઇટિસ ઈન્ફેક્શન જવાબદાર હોય છે. છેલ્લા કેટલાક વર્ષની સરખામણીએ ગુજરાતમાં લીવરની બીમારીના કેસમાં 30 ટકાનો વધારો થયો છે.
લીવરની બીમારીમાં મુખ્યત્ત્વે ફેટી લીવરના દર્દીઓ હવે ચિંતાજનક રીતે વધ્યા છે. ગુજરાતમાં હાલ 10માંથી 4 વ્યક્તિ ફેટી લીવરની સમસ્યા ધરાવે છે. લીવર પર પર ચરબી જમા થવા લાગે તેને ફેટી લીવર કહેવામાં આવે છે. તબીબોના મતે જે વ્યક્તિનું બોડી માસ ઈન્ડેક્સ 30થી વધુ હોય તેને ફેટી લીવરનું જોખમ રહે છે. વારંવાર પેટમાં દુઃખાવો, એસીડીટી, ગેસની સમસ્યા હોય તેણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સોનોગ્રાફી ટેસ્ટ કરાવીને ફેટી લીવરનું નિદાન થઇ શકે છે. કસરતનો અભાવ, જંકફૂડના અતિરેક, આઉટડોર સ્પોર્ટ્સને સાવ હાંસિયામાં ધકેલી દેવી જેવા પરિબળોથી ફેટી લીવરના દર્દીઓ વધ્યા છે. છેલ્લા કેટલાક વર્ષમાં બાળકોમાં પણ ફેટી લીવરનું પ્રમાણ વધ્યું છે.
સિવિલમાં 700થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ
સિવિલ મેડિસિટીમાં આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)માં અત્યારસુધી 700થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. જેમાં 2021માં 96, 2022માં 186, 2023માં 196, 2024માં 150થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે.
વધુ પડતી પેઈનકિલર પણ લીવર માટે જોખમી
•દર્દની દવાઓ આપણા શરીર માટે સૌથી મોટી પીડા છે. હકીકતમાં તેઓ લીવરથી કિડની સુધી શરીરનાં તમામ મહવનાં અંગોને નુકસાન પહોંચાડે છે. દર્દથી તાત્કાલિક રાહત મેળવવા માટે પેઈનકિલર ન લો, એ તમારા માટે મોટું જોખમ ઊભું કરી શકે છે.
•નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ અનુસાર, લીવરમાં પોતાની જાતને ફરીથી ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. 90% સુધી નુકસાન થયા પછી પણ એ એના મૂળ સ્વરૂપમાં પાછું આવી શકે છે. એના વિશે આશ્ચર્યજનક બાબત એ છે કે જો એ ઇચ્છિત પરિસ્થિતિઓ મેળવે છે તો એ પોતાને રિકવર કરવામાં માત્ર 3થી 4 અઠવાડિયાં લે છે.