
ઈજિપ્તનું નામ આવતાની સાથે જ આપણા મનમાં પિરામિડ, મમી અને અસંખ્ય રહસ્યમય વાર્તાઓ આવવા લાગે છે. ગ્રાન્ડ ઈજિપ્તીયન મ્યુઝિયમ આ સમૃદ્ધ ઈતિહાસને વધુ સારી રીતે એક્સપ્લોર કરવાની એક અનોખી તક આપે છે. કૈરો નજીક આવેલું, આ મ્યુઝિયમ ગીઝા ઉચ્ચપ્રદેશથી માત્ર 2 કિમી દૂર છે અને પિરામિડના અદભુત દૃશ્યો પ્રદાન કરે છે. તે એક જ સભ્યતા પર આધારિત વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમનું બાંધકામ 2012માં શરૂ થયું હતું અને તેના નિર્માણમાં આશરે 1 બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.
આ મ્યુઝિયમમાં રામસેસ IIની વિશાળ પ્રતિમા છે, જે 36 ફૂટ ઊંચી અને 83 ટન વજનની છે. આ પ્રતિમા એટલી મોટી છે કે મ્યુઝિયમમાં પ્રવેશતાની સાથે જ લોકોનું ધ્યાન ખેંચે છે. તેમાં પ્રાચીન ઇજિપ્તીયન કલાકૃતિઓનો વિશાળ સંગ્રહ છે, જેમાં મમી કાસ્કેટ, 3,000 વર્ષ જૂના લેખન બોર્ડ, સુંદર શબપેટીઓ અને વિશાળ પથ્થરના સ્લેબનો સમાવેશ થાય છે.
93 ફૂટબોલ સ્ટેડિયમ જેવડું છે આ મ્યુઝિયમ
આ મ્યુઝિયમ લગભગ 50 હેક્ટરમાં ફેલાયેલું છે, જે અમેરિકાના 93 ફૂટબોલ સ્ટેડિયમ જેવડું છે. આ મ્યુઝિયમમાં અનેક પ્રદર્શન હોલ છે. અહીં ખાસ વાત એ છે કે ફરતી ગેલેરીઓની મદદથી, મુલાકાતીઓ એક જ જગ્યાએ ઉભા રહીને સરળતાથી બધું જોઈ શકે છે.
મ્યુઝિયમમાં શું જોઈ શકો છો?
આ મ્યુઝિયમ ઈજિપ્તના ભવ્ય ભૂતકાળની ઝલક આપે છે, જેમાં હજારો વર્ષ જૂની કલાકૃતિઓ, શિલ્પો, શાહી કાપડ અને અસંખ્ય ઐતિહાસિક વારસાઓ સંગ્રહિત છે. ચાલો તેના મુખ્ય આકર્ષણો વિશે જાણીએ.
રાજા તુતનખામેનનો ખજાનો
પ્રાચીન ઈજિપ્તના સૌથી પ્રખ્યાત રાજાઓમાંના એક, તુતનખામેનની કબરમાંથી મળેલી વસ્તુઓ અહીં પ્રદર્શનમાં છે. તે 1992માં મળી આવી હતી, અને તેમાં સોનાનો માસ્ક, ઘરેણા, શાહી સિંહાસન, શસ્ત્રો અને દુર્લભ કલાકૃતિઓનો સમાવેશ થાય છે.
વિશાળ શિલ્પો
મ્યુઝિયમમાં, તમને પ્રાચીન કાળની ઘણી વિશાળ મૂર્તિઓ મળશે, જેમાં રામસેસ IIની 3,200 વર્ષ જૂની 83 ટન વજનની પ્રતિમા મુખ્ય છે. તે મ્યુઝિયમમાં પ્રવેશતા દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે.
મમી અને શબપેટીઓ
પ્રાચીન ઈજિપ્તીયન પરંપરામાં મમીફિકેશનનું એક ખાસ મહત્ત્વ છે અહીં તમને ઘણા રાજાઓ અને રાણીઓના હજારો વર્ષ જૂના સચવાયેલા મમીઓ જોવા મળશે. આ સાથે, લાકડા અને સોનાથી બનેલી શબપેટી પણ પ્રદર્શિત કરવામાં આવી છે.
પ્રાચીન પેપિરસ હસ્તપ્રતો
કાગળનું સૌથી પહેલું સ્વરૂપ, પેપિરસ, ઈજિપ્તમાં વપરાતું હતું. આ મ્યુઝિયમમાં હજારો વર્ષ જૂના હસ્તલિખિત દસ્તાવેજો છે, જે આપણને પ્રાચીન ઈજિપ્તની ધાર્મિક માન્યતાઓ, વહીવટ અને જીવનશૈલી વિશે માહિતી આપે છે.
રોયલ જ્વેલરી અને કોસ્ચ્યુમ
ઈજિપ્તના રાજાઓ અને રાણીઓ ખૂબ જ શાહી પોશાક પહેરતા હતા. અહીં સોના અને ચાંદી અને કિંમતી રત્નો જડિત મુગટ, ગળાના હાર, બંગડીઓ અને પરંપરાગત ઈજિપ્તીયન વસ્ત્રો પણ જોઈ શકાય છે.
ઈતિહાસ અને આધુનિકતાનો સંગમ
ગ્રાન્ડ ઈજિપ્તીયન મ્યુઝિયમમાં ફક્ત પ્રાચીન વસ્તુઓ જ નથી, પરંતુ આ મ્યુઝિયમ આધુનિક ટેકનોલોજી સાથે ઈતિહાસને જીવંત પણ બનાવે છે.
3D હોલોગ્રામ ડિસ્પ્લે
કેટલીક ગેલેરીઓમાં, તમે હોલોગ્રામ પ્રોજેક્શન દ્વારા ઈજિપ્તની ઐતિહાસિક ઘટનાઓ જોઈ શકો છો. આ અનુભવ તમને 4,000 વર્ષ પાછળ લઈ જાય છે.
ઈન્ટરેક્ટિવ ડિસ્પ્લે
મુલાકાતીઓ માટે ડિજિટલ સ્ક્રીન અને ટચસ્ક્રીન ડિસ્પ્લે ઉપલબ્ધ છે, જેમાં તેઓ પ્રાચીન ઈજિપ્તીયન ગ્રંથોના અનુવાદો જોઈ શકે છે અને પ્રાચીન સભ્યતા વિશે જાણી શકે છે.
શૈક્ષણિક કેન્દ્રો અને વર્કશોપ
બાળકો અને પુખ્ત વયના લોકો માટે અહીં ઈતિહાસ સંબંધિત વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, જેમાં મમી બનાવવાની પ્રક્રિયા, પુરાતત્વવિદોની કાર્ય પદ્ધતિઓ અને ઈજિપ્તીયન લિપિ (હાયરોગ્લિફ્સ) વાંચવાની કળા શીખવવામાં આવે છે.