
રાત્રે મુસાફરી કરવી ઘણા લોકો માટે આરામદાયક હોય છે. આ સમય દરમિયાન, મોટાભાગના રસ્તાઓ ખાલી હોય છે, ટ્રાફિક ઓછો હોય છે અને મુસાફરી દિવસ કરતાં વધુ ઝડપથી પૂર્ણ કરી શકાય છે. લાંબા અંતરની મુસાફરી કરતા લોકો ઘણીવાર રાત્રે મુસાફરીને પ્રાથમિકતા આપે છે કારણ કે તે સમય બચાવે છે અને ઉનાળામાં દિવસની તીવ્ર ગરમીથી બચી શકાય છે.રાત્રે મુસાફરી કરવાના ફાયદા છે, તો તેની સાથે કેટલાક જોખમો પણ છે, જેને ન અવગણી શકાય.
રાત્રે મુસાફરી કરવામાં સૌથી મોટો પડકાર સલામતીનો છે. અંધારામાં રસ્તા પર ઓછો પ્રકાશ હોવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. જો તમે પણ રાત્રે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી તમારી મુસાફરી સુરક્ષિત અને આરામદાયક બની શકે. આજે આ લેખમાં અમે તમને 5 એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે રાતની મુસાફરીમાં ફોલો કરવી જોઈએ.
સફર પહેલાં પૂરતી ઊંઘ લો
રાત્રે મુસાફરી કરતી વખતે થાક અને ઊંઘ સૌથી મોટા પડકારો છે. જો તમે જાતે વાહન ચલાવતા હોવ, તો મુસાફરી પહેલાં ઓછામાં ઓછા 6-8 કલાક સારી ઊંઘ લો. જો તમે પૂરતી ઊંઘ લો છો, તો તમે સજાગ રહેશો અને અકસ્માતોનું જોખમ ઓછું થશે. જો મુસાફરી લાંબી હોય, તો વચ્ચે બ્રેક લેવાનું ભૂલશો નહીં. જો તમે ખૂબ થાકેલા હોવ, તો બીજા કોઈને વાહન ચલાવવા દો.
સંપૂર્ણ રૂટની માહિતી અને નેવિગેશન મેળવો
રાતની મુસાફરી દરમિયાન સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારી પાસે રૂટ વિશે સાચી માહિતી હોવી જોઈએ. તેથી, જ્યારે પણ તમે રાત્રે મુસાફરી કરો છો, ત્યારે GPS નેવિગેશન ચાલુ રાખો અને બેકઅપ માટે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરો. જો શક્ય હોય તો, અગાઉથી રૂટ વિશે રિસર્ચ કરો જેથી તમને કોઈ અજાણ્યા સ્થળે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો તમે નિર્જન રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છો, તો તમારું લોકેશન અને જર્ની પ્લાન કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરો.
કાર અથવા બાઈકની સ્થિતિ તપાસો
રાત્રે મુસાફરી કરતી વખતે વાહન સારી સ્થિતિમાં હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મુસાફરી કરતા પહેલા તમારા વાહનની સારી રીતે તપાસ કરો. હેડલાઈટ અને ઈન્ડિકેટર યોગ્ય રીતે કામ કરી રહ્યા છે કે નહીં. બ્રેક્સ અને ટાયર પ્રેશર યોગ્ય સ્થિતિમાં છે કે નહીં. ફયુલ ટેંક ભરેલું છે કે નહીં. વધારાનું ટાયર, જેક, ટોર્ચ અને ટૂલકીટ પણ સાથે રાખો. જો તમે બાઈક દ્વારા મુસાફરી કરી રહ્યા છો, તો રાત્રે હેલ્મેટ અને રિફ્લેક્ટિવ જેકેટ પહેરો.
સલામત જગ્યા પર જ બ્રેક લો
રાત્રે મુસાફરી કરતી વખતે તમારે ઘણી વખત બ્રેક લેવાની જરૂર પડી શકે છે, પરંતુ હંમેશા ઉભા રહેવા માટે સલામત સ્થળો પસંદ કરો. નિર્જન વિસ્તારોમાં વાહન રોકવાનું ટાળો. ફક્ત પેટ્રોલ પંપ, ટોલ પ્લાઝા અથવા હાઈવે પરના કોઈપણ સારા સ્ટોપ પર જ રોકાવાનું રાખો. જો તમે જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરી રહ્યા છો, તો સ્ટેશન અથવા બસ સ્ટેન્ડ પર વધુ સતર્ક રહો.
મોબાઈલ અને અન્ય જરૂરી વસ્તુઓ સાથે રાખો
રાતની મુસાફરી દરમિયાન મોબાઈલ તમારો સૌથી મોટો સપોર્ટ છે. તેથી, તમારા મોબાઈલની બેટરીને ચાર્જ રાખો અને તમારી સાથે પાવર બેંક રાખો. પરિવારના સભ્યો, પોલીસ, એમ્બ્યુલન્સ અને રોડ સહાય જેવા ઈમરજન્સી નંબરો સેવ કરીને રાખો. ઘણી જગ્યાએ ડિજિટલ પેમેન્ટનો કોઈ વિકલ્પ ન હોવાથી રોકડ અને કાર્ડ બંને તમારી સાથે રાખો. જો તમે એકલા મુસાફરી કરી રહ્યા છો, તો તમારી લાઈવ લોકેશન એવી વ્યક્તિ સાથે શેર કરો જેના પર તમે વિશ્વાસ કરો છો.