Home / Lifestyle / Travel : Know cost and application process of Kailash Mansarovar Yatra

Travel Tips / તમારે પણ કરવી છે કૈલાશ માનસરોવર યાત્રા? તો પહેલા જાણી લો કેટલો થશે ખર્ચ

Travel Tips / તમારે પણ કરવી છે કૈલાશ માનસરોવર યાત્રા? તો પહેલા જાણી લો કેટલો થશે ખર્ચ

પાંચ વર્ષ પછી કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન અરજી કરી શકે છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે. પહેલી યાત્રા લિપુલેખના માર્ગે 30 જૂને નવી દિલ્હીથી શરૂ થશે. દર વર્ષે આશરે 900 ભારતીય શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવરની યાત્રા કરે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે ભગવાન શિવ કૈલાશ માનસરોવરમાં નિવાસ કરે છે. તેનો ઉલ્લેખ ઘણા હિન્દુ ગ્રંથોમા જોવા મળે છે. અહીં સરોવરની પરિક્રમા ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

કોણ કરી શકે છે અરજી?

  • તીર્થયાત્રી ભારતીય નાગરિક હોવો જરૂરી છે. 
  • 1 સપ્ટેમ્બરના રોજ ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડ ધરાવતો પાસપોર્ટ હોવો જોઈએ.
  • પહેલી જાન્યુઆરીના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • બોડી માસ ઈન્ડેક્સ (BMI) 25 અથવા તેનાથી ઓછો હોવો જોઈએ. 
  • આ યાત્રામાં વિદેશી નાગરિક અરજી કરી શકતો નથી. આ સાથે ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા એટલે કે OCI કાર્ડ ધરાવતા લોકો પણ આ ટ્રિપ માટે અરજી નથી કરી શકતા.

અરજી કરતી વખતે ધ્ચાનમાં રાખવાની બાબત

  • કૈલાશ માનસરોવરની યાત્રાનો કોમ્પ્યુટર દ્વારા લકી ડ્રો કરવામાં આવે છે. એટલે એ ખૂબ જ જરૂરી છે કે, અરજી બરોબર રીતે ભરેલી હોવી જોઈએ, નહીં તો અરજી સ્વીકાર કરવામા નહીં આવે.
  • 1 સપ્ટેમ્બરના રોજ 6 મહિનાની વેલિડિટી ધરાવતો પાસપોર્ટ હોવો જરૂરી છે. આ ઉપરાંત પાસપોર્ટના પહેલા અને છેલ્લા પાનાંની કોપી હોવી જરૂરી છે.
  • આ સાથે જે વ્યક્તિની અરજી કરવાની હોય તેનો JPG ફોર્મટમાં ફોટો હોવા જોઈએ. 
  • સૌથી મહત્ત્વની વાત કે એક એકાઉન્ટ પરથી એક જ અરજી કરી શકાશે.
  • ઓનલાઈન અરજીમાં પાસપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે સંપૂર્ણ વિગતો ભરવાની રહેશે. જેમાં નામ, એડ્રેસ જેવી અન્ય વિગતો સંપૂર્ણરીતે ભરવી. 

યાત્રા માટે કેવી રીતે થાય છે પસંદગી?

  • આ યાત્રા માટે ઓનલાઈન અરજી ભર્યા પછી વિદેશ મંત્રાલય દ્વારા કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવે છે. 
  • વિદેશ મંત્રાલય ડ્રો પછી તીર્થયાત્રાના દરેક અરજદારને તેમના રજીસ્ટ્રડ ઈમેલ અને મોબાઈલ નંબર પર માહિતી આપવામાં આવે છે. 
  • આ સિવાય કોઈપણ વ્યક્તિ હેલ્પલાઈન નંબર 011-23088133 પરથી માહિતી મેળવી શકે છે. 
  • આ પછી અરજદારે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી નિયત તારીખ પહેલા કુમાઉ મંડળ વિકાસ નિગમ અથવા સિક્કિમ પ્રવાસન વિકાસ નિગમના નિયુક્ત બેંક ખાતામાં 'યાત્રા માટેની ફી અને ખર્ચ' માં યાત્રાનો નિર્ધારિત ખર્ચ જમા કરાવવાનો રહેશે.
  • મુસાફરી ખર્ચ જમા કરાવ્યા બાદ અરજદારે દિલ્હી પહોંચતા પહેલા બેચ ઓનલાઈન કન્ફર્મ કરવી પડશે. આ પછી બેચ એલોટ માનવામાં આવે છે.
  • બેચ તેની યાત્રા શરૂ કરે તે પહેલા તબીબી તપાસ થાય છે. 
  • આ માટે યાત્રાળુએ નિર્ધારિત તારીખે દિલ્હી સ્થિત હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટિટ્યૂટમાં રિપોર્ટ કરાવવાનો રહેશે.
  • જો આ કરવામાં ન આવે તો નામ બેચમાંથી હટાવી લેવામાં આવે છે. 
  • વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બધા યાત્રાળુઓ માટે એકસાથે યાત્રા કરવી અને પાછા ફરવું ફરજિયાત છે. બધા પ્રવાસીઓની યાત્રા શરૂ થવા માટેનું સ્થળ દિલ્હી છે.
  • મુસાફરી શરૂ કરતા પહેલા તમારે મંત્રાલયના નિયુક્ત અધિકારીઓને માન્ય પાસપોર્ટ, છ પાસપોર્ટ સાઈઝના રંગીન ફોટો અને 100 રૂપિયાનો નોટરાઇઝ્ડ ઈન્ડેમ્નિટી બોન્ડ સબમિટ કરવો જરૂરી છે.
  • આ સાથે આપાતકાળની સ્થિતિમાં હેલિકોપ્ટર ખાલી કરાવવા માટે સોગંદનામું અને ચીનના ક્ષેત્રમાં મૃત્યુ પછી પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર માટે સંમતિ પત્ર આપવાનો રહેશે.
  • જો આમાંથી કોઈપણ દસ્તાવેજોમાં કોઈ ખામી જોવા મળશે તો, યાત્રા માટેની પરવાનગી નહીં આપવામાં આવે. 

યાત્રામાં કેટલો થશે ખર્ચ?

વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન બે અલગ અલગ માર્ગો - લિપુલેખ પાસ (ઉત્તરાખંડ) અને નાથુ લા પાસ (સિક્કિમ) દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા કરાવવામાં આવે છે. આ બંને માર્ગો માટે પ્રતિ વ્યક્તિ દીઠ આવતો ખર્ચ પણ અલગ-અલગ છે.

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કોઈપણ ખાનગી સંસ્થા લિપુલેખ પાસ અને નાથુલાથી કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન નથી કરતી.

આ વખતે કૈલાશ માનસરોવરની યાત્રા પાંચ વર્ષ પછી થઈ રહી છે. પહેલા કોવિડ-19 મહામારી અને પછી પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સરહદી ગતિરોધને કારણે આ યાત્રા 2020-2024 સુધી ખોરવાઈ ગઈ.

યાત્રાની વેબસાઈટ મુજબ લિપુલેખ પાસથી યાત્રાનો અંદાજિત ખર્ચ 1 લાખ 74 હજાર રૂપિયા છે. આ રૂટ પર લગભગ 200 કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે. આ રૂટ પરથી પાંચ બેચ મોકલવામાં આવશે અને આ યાત્રા પૂર્ણ થવામાં લગભગ 22 દિવસ લાગશે.

જો કોઈ વ્યક્તિ નાથુલા પાસ થઈને યાત્રા કરે છે, તો તેનો અંદાજિત ખર્ચ વધીને 2 લાખ 83 હજાર રૂપિયા થશે. આ રૂટ પર લગભગ 36 કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે. તેમજ આ રૂટ પરથી 10 બેચ મુસાફરી કરશે અને આ યાત્રા 21 દિવસમાં પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવર ભારતમાં નથી. ચીનના તિબેટમાં આવેલું છે.

Related News

Icon