
પર્યટન હંમેશા નવા સ્થળો એક્સપ્લોર કરવા, વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ કરવા અને મુસાફરીનો આનંદ માણવાનું માધ્યમ રહ્યું છે. પરંતુ, તાજેતરના વર્ષોમાં પર્યટનનું એક અનોખું સ્વરૂપ લોકપ્રિય બની રહ્યું છે, જેને ડાર્ક ટુરિઝમ કહેવામાં આવે છે. આ પ્રકારની મુસાફરીમાં મૃત્યુ, દુર્ઘટના અને દુઃખ સાથે સંકળાયેલા સ્થળોની મુલાકાત લેવાનો સમાવેશ થાય છે. ડાર્ક ટુરિઝમ એટલે ઐતિહાસિક યુદ્ધભૂમિ, ભૂતિયા સ્થળો અને દુ:ખદ ઘટનાઓ સાથે સંકળાયેલા સ્થળોની મુસાફરી.
રસપ્રદ વાત એ છે કે, Gen Z આજકાલ ડાર્ક ટુરિઝમમાં વધુને વધુ રસ દાખવી રહ્યું છે. તો ચાલો જાણીએ કે ડાર્ક ટુરિઝમ શું છે અને ભારતના કયા સ્થળો તેના હેઠળ આવે છે.
ડાર્ક ટુરિઝમ એટલે શું?
ડાર્ક ટુરિઝમ, જેને ગ્રીફ ટુરિઝમ અથવા બ્લેક ટુરિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં મૃત્યુ, દુર્ઘટના અથવા ભયાનક ઘટનાઓ સાથે સંકળાયેલા સ્થળોની મુસાફરીનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, આ ટુરિઝમ સ્ટાઇલ વધુને વધુ લોકપ્રિય બની છે કારણ કે લોકો એવા સ્થળો શોધે છે જે ઈતિહાસ અને માનવ અનુભવોને અલગ અને ઘણીવાર વધુ ગંભીર દૃષ્ટિકોણથી પ્રદાન કરે છે. ભલે તે ઐતિહાસિક યુદ્ધભૂમિ હોય, આપત્તિઓથી પ્રભાવિત વિસ્તારો હોય કે ભૂતિયા સ્થળો હોય, ડાર્ક ટુરિઝમ લોકોને ભૂતકાળની ઘટનાઓ અને તેમના પ્રભાવોને સમજવાની તક આપે છે. તે ફક્ત ઐતિહાસિક ઘટનાઓ વિશે માહિતી જ પ્રદાન નથી કરતું, પરંતુ આપણા વિશ્વના ઊંડા અને અકથિત પાસાઓને પણ પ્રકાશિત કરે છે. ભારતમાં કેટલાક મહત્ત્વપૂર્ણ સ્થળો છે જે જિજ્ઞાસુ પ્રવાસીઓને આકર્ષે છે અને તેમને ભૂતકાળના ઊંડા સત્યોથી વાકેફ કરાવે છે.
ભારતની કેટલીક પ્રખ્યાત ડાર્ક ટુરિઝમ ડેસ્ટિનેશન
જલિયાંવાલા બાગ, અમૃતસર- 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડનું સાક્ષી, આ સ્થળ આપણને નિર્દોષ લોકોના બલિદાન અને બ્રિટિશ શાસનની ક્રૂરતાની યાદ અપાવે છે.
સેલ્યુલર જેલ, પોર્ટ બ્લેર- કાલા પાણી તરીકે ઓળખાતી, આ જેલ ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓના અત્યાચાર અને સંઘર્ષની વાર્તા કહે છે.
વિક્ટોરિયા મેમોરિયલ, કોલકાતા- આ ભવ્ય સ્મારક બ્રિટિશ શાસન દરમિયાન ભારતીયોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેની યાદ અપાવે છે.
કુલધરા, જેસલમેર- એક રહસ્યમય અને નિર્જન ગામ જેને 19મી સદીમાં તેના રહેવાસીઓએ રાતોરાત ત્યજી દીધું હતું. એવું કહેવાય છે કે આ ગામ શાપિત છે.
રૂપકુંડ તળાવ, ઉત્તરાખંડ- સ્કેલેટન લેક તરીકે પ્રખ્યાત આ તળાવમાં હજારો વર્ષ જૂના માનવ હાડપિંજર મળી આવે છે, જેમનું રહસ્યમય મૃત્યુ આજે પણ એક કોયડો છે.
ડુમસ બીચ, સુરત- અરબી સમુદ્ર પર સ્થિત, આ બીચ તેની કાળી રેતી અને ભૂતિયા ઘટનાઓ માટે જાણીતો છે.
શનિવારવાડા, પુણે- પેશ્વાનો ઐતિહાસિક કિલ્લો, જ્યાં હજુ પણ તેના કોરિડોરમાં સંભળાતા નારાયણરાવ પેશ્વાના આત્માના રુદન વિશે વાર્તાઓ કહેવામાં આવે છે.
ડાર્ક ટુરિઝમનો ક્રેઝ કેમ વધી રહ્યો?
પહેલાના સમયમાં, મુસાફરીનો અર્થ નવા સ્થળોની મુલાકાત લેવી અને તેનો આનંદ માણવો એવો થતો હતો. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં, મિલેનિયલ્સ અને Gen Z એ પ્રવાસનને એક નવો વળાંક આપ્યો છે. એવી જગ્યાઓ શોધી કાઢી છે જે તમને રોમાંચિત કરી શકે છે.
વાસ્તવિક અનુભવોની શોધ
આજકાલ, Gen Zના યુવાનો વધુ ઊંડાણપૂર્વક અને વાસ્તવિક અનુભવો ઈચ્છે છે. તેમને એવા સ્થળોની મુલાકાત લેવાનું ગમે છે જે ફક્ત પર્યટન સ્થળો જ નહીં પરંતુ ઈતિહાસની વાસ્તવિકતા પણ દર્શાવે છે.
સોશિયલ મીડિયાનો પ્રભાવ
સોશિયલ મીડિયાએ ટુરિઝમને એક નવું પરિમાણ આપ્યું છે. ઘણા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર ઐતિહાસિક દુર્ઘટના અથવા ભૂતિયા સ્થળોને એક્સપ્લોર કરે છે અને તેમને વાયરલ કરે છે.
ઈતિહાસ અને દુર્ઘટના વિશે જિજ્ઞાસા
Gen Z ફક્ત શાળાઓમાં ભણાવવામાં આવતા ઈતિહાસ સુધી મર્યાદિત રહેવા નથી માંગતા. તેઓ એ ઈતિહાસ પણ જાણવા માંગે છે જે પુસ્તકોમાં નથી લખાયેલો.
સાહસ અને રોમાંચની શોધમાં
ડાર્ક ટુરિઝમ ફક્ત ઈતિહાસનો અનુભવ કરવા માટે જ નહીં પરંતુ રોમાંચ અને સાહસ મેળવવા માટે પણ કરવામાં આવે છે.
શું ડાર્ક ટુરિઝમ નૈતિક છે?
પ્રવાસીઓ આ સ્થળોની મુલાકાત કેવી રીતે લે છે તેના પર આધાર રાખે છે. જો તેઓ આદર અને શીખવાની ઈચ્છા સાથે પ્રવેશ કરે, તો તે એક શૈક્ષણિક અનુભવ બની શકે છે. પરંતુ, જો તેઓ ફક્ત આકર્ષણના સાધન તરીકે જ અંદર જાય તો તેને અપમાનજનક માનવામાં આવશે.
વિશ્વના પ્રખ્યાત ડાર્ક ટુરિઝમ સ્થળો કયા છે?
ઓશવિટ્ઝ (પોલેન્ડ), ચેર્નોબિલ (યુક્રેન), હિરોશિમા પીસ મેમોરિયલ (જાપાન), અલ્કાટ્રાઝ આઇલેન્ડ (યુએસએ), પોમ્પેઈ (ઇટાલી) અને ટુઓલ સ્લેંગ નરસંહાર સંગ્રહાલય (કંબોડિયા).