
ગુજરાતના ધારીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડી વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર તત્ત્વો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોદીયા વીડીમાં વિસ્તારમાં મોડી રાત્રે કાર લઈને સિંહ દર્શન માટે ઘૂસી રહેલા પાંચ શખસોને વન વિભાગે ઝડપી પાડ્યાં છે. વન વિભાગે 90,000 રૂપિયાનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે.
પાંચ શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા
મળતી માહિતી અનુસાર, ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડીમાં વિસ્તારમાંથી પાંચ શખ્સોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે. ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોદિયા વીડીમાં વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર ભાવનગરના 2 અને ખાંભાના 3 શખસો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ પાંચ શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરી 90,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.