આગામી મહિને 16મી સિંહ વસ્તી ગણતરી થવાની છે. 1979ના લાયન સેન્સસથી ચાલ્યા આવતા સામાન્ય ક્રમ મુજબ હવે આગામી ગણતરીમાં પણ સિંહોની વસ્તી વધવાના દાવા તો થઈ રહ્યા છે પરંતુ છેલ્લી ત્રણ ગણતરીના આંકડા અને મર્યાદીત જંગલ ઉપરાંત જંગલ બહારના વિસ્તારમાં પ્રવર્તતી સ્થિતિઓએ કેટલાક સવાલો ઊભા કરી દીધા છે. જેમ કે સિંહો માટેના જંગલની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લી ત્રણ ગણતરીના આંકડા મુજબ હવે બહારના વિસ્તારમાં જ સિંહોનો વ્યાપ વધી રહ્યો છે એવામાં, બહારના વિસ્તારોમાં અતિક્રમણ ખૂબ વઘ્યું હોવાથી હવે બહારના વિસ્તારમાં સિંહોની વસ્તી કેટલી દર્શાવવી તે એક અવઢવ છે.

