
મહેસાણાના કડીના મેડા આદરજની બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં નકલી સોનું ગીરવે મૂકાવી 4 કરોડ 55 લાખ રૂપિયાની ગોલ્ડ લોન ઠગાઈનો મામલો સામે આવ્યો છે. થોળ ગામના બેંકના ગોલ્ડ વેલ્યુઅર સોની મૌલિન દિનેશભાઈએ 37 ગ્રાહકો સાથે મળી ખોટા સોનાને સાચાનું પ્રમાણપત્ર આપી લોન લેવડાવી. આ 37 ગ્રાહકોને ખબર હોવા છતાં નકલી દાગીના ગીરવે મૂકવાની અરજી કરી. જેમાં વેલ્યુઅરે બેંકને ગેરમાર્ગે દોરી હતી. આ અંગે બાવલું પોલીસ સ્ટેશનમાં વેલ્યુઅર સહિત 38 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી છે.
બેન્કના અધિકારીઓ દ્વારા ગત 11 એપ્રિલના રોજ એનપીએ ખાતેદાર મેડા આદરજના ઠાકોર મગનજી શંભુજીએ ગીરવે મૂકેલા સોનાના દાગીનાની હરાજી કરી લોનની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બેંકની લીગલ પેનલે ગીરવે મુકેલા દાગીના ખોટા હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ લોન લેવા સમયે ગોલ્ડ વેલ્યુઅર તરીકે પ્રમાણપત્ર આપનાર સોની મૌલિન તરફ શંકા ગઈ હતી.
બેંકે મૌલિન ભાઈએ આપેલા પ્રમાણપત્રોવાળી તમામ ગોલ્ડ લોન ચેક કરતાં 54 જેટલી લોનમાંથી 37 જેટલી લોન ખોટા દાગીના મુકાવીને કરાવડાવી હતી. આ તમામ 37 લોન ધારકોએ 4.55 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
બેન્કના વેલ્યુઅર થોળના મૌલીન સોનીએ લોકો પાસેથી પૈસા લઈને પોતાના ગામ મેડા આદરજ ઉપરાંત આજુબાજુના ઝાલોડા, કડી, થોળ, કણઝરી, આંબલિયારા, મુલસણ, વડાવી, રાંચરડા સહિતના ગામોમાંથી ગોલ્ડ લોન મેળવવા ઈચ્છતા લોકો પાસે બનાવટી સોનાના દાગીના ગીરવે મૂકાવી તેનું સાચા તરીકેનું વેલ્યુએશન પ્રમાણપત્ર આપતા બેંકે જુલાઈ 2023થી એપ્રિલ 2024 દરમિયાન 37 લોનધારકોને રૂ.4,54,78,914ની ગોલ્ડ લોન અપાવી હતી.