
મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના કેટલાય ખેડૂતો સાથે મોટી છેતરપીંડી થઈ હોવની ફરિયાદ વસાઈ પોલીસ મથકે નોંધાઈ છે. કુકરવાડા ગામની માર્કેટયાર્ડમાં આવેલ એક પેઢી ચલાવતા પિતા પુત્ર એ 90 થી વધારે ખેડૂતોને વિશ્વાસમાં લઈને લોન લેવડવવા ઉપરાંત ખેડૂતની ઉપજના રૂપિયા લઈ પિતા પુત્ર વિદેશ ભાગી ગયા છે. સમગ્ર મામલે હાલમાં વસાઈ પોલીસ મથકમાં 9 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ શરૂ કરી છે.
ખેડૂતો સાથે ઘર જેવો સબંધ થઈ ગયો
વિજાપુર તાલુકાના ટોટીદણ ગામમાં રહેતા પટેલ પ્રહલાદભાઈ અને તેમનો દીકરો નરેન્દ્ર બંનેએ ભેગા મળી કુકરવાડા ગામમાં આવેલ માર્કેટયાર્ડમાં પેઢી ખોલી હતી. એ પેઢીમાં તેઓ ખેડૂતો પાસે માલની આપ લે કરતા હતા. આ પેઢી છેલ્લા પચાસ વર્ષથી ચાલતી હોવાથી અહીંયા પાક વેચાણ કે લેવા આવતા ખેડૂતો સાથે ઘર જેવો સબંધ થઈ ગયો હતો.
અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે
પિતા પુત્રની જોડીએ અલગ અલગ ગામના 92 જેટલા ખેડૂતોને કહ્યું કે અમારે ધંધામાં પૈસાની ખૂબ જરૂર છે" એમ કહી 90થી વધારે ખેડૂતોના નામે લોન મેળવી એ રૂપિયા પોતાની પાસે રાખી પોતાના ખાતામાં જમા કરાવી લીધા હતા. તેમજ જે ખેડૂત પોતાનો પાક વેચાણ કરવા આવે તેઓના પણ રૂપિયા આ પિતા પુત્ર પેઢીમાં જમા રાખતા હતા. આ તમામ રૂપિયા લઈને પિતા પુત્ર એકાએક પેઢી બંધ કરીને ઓસ્ટ્રેલિયા ભાગી ગયા હતા. આ વાતની વિજાપુર પંથકના 90થી વધારે ખેડૂતોને જાણ થતાં તેઓ પૈસા લેવા માટે આરોપીના ઘરે અને પેઢીએ તપાસ કરતાં તાળા લટકતા જોવા મળ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં 90થી વધુ ખેડૂતો સાથે 9 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસાઈ પોલીસમાં નોંધાઈ છે.
કુકરવાડા સહકારી નાગરિક બેન્કનો વાઇસ ચેરમેન
મહત્વનું છે કે આ પિતા પુત્ર ખેડૂતો સાથે વર્ષોથી પરિવાર જેવા સબંધ કેળવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બેંકો અને ક્રેડિટ સોસાયટીઓમાંથી ખેડૂતો પાસેથી લોનો મેળવી પોતે હપ્તા ભરસે તેવો વિશ્વાસ કેળવી આ કરોડોની ઠગાઈ આચરી છે. આરોપી પટેલ પ્રહલાદભાઈ પોતે કુકરવાડા સહકારી નાગરિક બેન્કનો વાઇસ ચેરમેન હતો. અને 25 ગામ કડવા પાટીદાર સમાજના આગેવાન હતા. જેના કારણે 90 થી વધારે ખેડૂતોએ વિશ્વાસ કરી 9 કરોડથી વધુની રકમ આ ઠગ પિતાપુત્રને આપી હતી. સમગ્ર મામલે હાલમાં આ ભાગેડુ પિતા પુત્ર સામે ફરિયાદ નોંધી છે. હજુ અન્ય ખેડૂતો સાથે આ પ્રકારની ઠગાઈ થઈ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.