Home / Business : The government bringing a new law to stop fraud in the name of loans

દેશમાં લોનના નામે થતી છેતરપિંડી અટકશે, સરકાર લાવી રહી છે નવો કડક કાયદો

દેશમાં લોનના નામે થતી છેતરપિંડી અટકશે, સરકાર લાવી રહી છે નવો કડક કાયદો

લોન આપવાના નામ પર ભોળી પ્રજાને ફસાવવીને તેમની પાસેથી મોટી રકમ વસૂલતી એપ્સ અને એજન્સીઓનો ગોરખધંધો હવે બંધ થઈ જશે. લોન આપવાના નામે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે સરકાર એક કડક કાયદો લાવી રહી છે. આ પ્રસ્તાવિત કાયદાનું નામ બેંકિંગ ઓફ અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ છે, જેને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી મળી શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંજૂરી લેવી ફરજિયાત

આ કાયદો અમલમાં આવ્યા પછી ભલે કોઈ વ્યક્તિગત રીતે અથવા ડિજિટલ માધ્યમથી કમર્શિયલ ઉધાર આપવાનો વ્યવસાય કરે છે, તો તેણે RBI અથવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1955 અથવા કોઈપણ રાજ્યના નાણાં ધિરાણ કાયદા હેઠળ મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

જાણો કેટલા વર્ષની સજા અને દંડ

મંજૂરી ન લેનારાઓને ભારે દંડ સાથે જેલમાં પણ જવું પડી શકે છે. બે થી સાત વર્ષની જેલની સજા અને બે લાખથી એક કરોડ રૂપિયાના દંડની દરખાસ્ત છે. કોઈ સંબંધી પાસેથી લીધેલી લોનને આ પ્રસ્તાવિત કાયદાના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવી છે.

પ્રસ્તાવિત કાયદાની ખાસ વાત એ હશે કે, સરકારી એજન્સી દ્વારા મંજૂર કરાયેલ લોન આપતી એજન્સી અથવા એપ્લિકેશનનો ડેટાબેઝ હશે, જેના પર જઈને તમે જે વ્યક્તિ પાસેથી લોન લઈ રહ્યા છો તે લોન આપવાનો વ્યવસાય કરવા માટે અધિકૃત છે કે નહીં તે જોઈ શકાશે.

જાણો સરકાર કેમ લાવી રહી આ કાયદો

મુખ્યત્વે ચીન અને અન્ય દેશોમાંથી સંચાલિત ડિજિટલ લેન્ડિંગ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવામાં માટે સરકાર આ કાયદો લાવી રહી છે. ચીનથી સંચાલિત એપ્લિકેશનોએ લોકોને લોન આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

ગત વર્ષે નાણા મંત્રાલયે ડ્રાફ્ટ જારી કર્યો હતો

RBI અને નાણા મંત્રાલયની ભલામણ પર આવી ઘણી એપ્સ પર પ્રતિબંધ તો મૂકવામાં આવ્યો હતો, પરંતુ આનો કોઈ કાયમી ઉકેલ નહોતો આવ્યો. આ બાબતને ધ્યાનમાં રાખીને ગત વર્ષે નાણા મંત્રાલય દ્વારા આ પ્રસ્તાવિત કાયદા અંગે એક ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો હતો, જેના પર હિતધારકો પાસેથી મંતવ્યો માગવામાં આવ્યા હતા. હવે પ્રસ્તાવિત કાયદાની તૈયારી અંતિમ તબક્કામાં છે.

એક અલગ ટીમની નિમણૂક કરવામાં આવશે

પ્રસ્તાવિત કાયદા પ્રમાણે નિયમનકારની મંજૂરી વિના લોન આપનારાઓ સામે કાર્યવાહી કરવા માટે એક અલગ ટીમની નિમણૂક કરવામાં આવશે, જેને આવા કેસોની તપાસ કરવાનો અધિકાર હશે. જો જરૂર પડે તો આવા કેસ માટે એક ખાસ કોર્ટની પણ રચના કરવામાં આવી શકે છે. પ્રસ્તાવિત કાયદામાં લોન આપવાના નામે ભ્રામક પ્રચાર કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

'ઓછા વ્યાજ દરે લોન મેળવવા માટે અમારો સંપર્ક કરો' અથવા 'પાંચ મિનિટમાં લોન મેળવો' જેવી જાહેરાતો ઘણીવાર જોવા મળે છે. આ પ્રકારની જાહેરાત પર પણ પ્રતિબંધ લાગશે. છ વર્ષ પહેલાં સરકારે અનરેગ્યુલેટેડ ડિપોઝિટનો વ્યવસાય જે પોન્ઝી યોજના તરીકે ઓળખાય છે, તેના પર લગામ લગાવવા માટે કાયદો લાવી હતી. હવે અનરેગ્યુલેટેડ લોન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. 

Related News

Icon