
જર્મનીની એરલાઇન લુફથાંસાની હૈદરાબાદ માટે રવાના થયેલી એક ફ્લાઇટને બોમ્બની ધમકી મળ્યા બાદ ભારતમાં લેન્ડિંગની પરવાનગી મળી નહતી. જે બાદ વિમાને રસ્તા વચ્ચે જ પરત ફ્રેન્કફર્ટ ફરવું પડ્યું હતું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની સુરક્ષાને લઇને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
હૈદરાબાદ આવતી ફ્લાઇટને મળી બોમ્બની ધમકી
લુફથાંસાની ફ્લાઇટ જર્મનીના ફ્રેન્કફર્ટથી હૈદરાબાદ માટે રવાના થઇ હતી જે સોમવારે 16 જૂને લેન્ડ થવાની હતી. ઉડાન દરમિયાન વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તે બાદ ઇન્ડિયન એરસ્પેસમાં પ્રવેશ પહેલા જ વિમાનને પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી અનુસાર, લુફથાંસા એરલાઇને નિવેદન જાહેર કરતા કહ્યું, "અમને હૈદરાબાદમાં ઉતરવાની પરવાનગી મળી નથી માટે વિમાને યૂ ટર્ન લેવું પડ્યું છે અને તે ફ્રેન્કફર્ટ પરત ફર્યું છે."
હૈદરાબાદ એરપોર્ટ અધિકારીઓએ પણ કરી પૃષ્ટી
હૈદરાબાદ એરપોર્ટના એક સીનિયર અધિકારીએ પણ આ ઘટનાની પૃષ્ટી કરી છે અને જણાવ્યુ કે બોમ્બની ધમકી તે સમયે મળી જ્યારે વિમાન ભારતીય હવાઇ ક્ષેત્રની બહાર હતું. સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી અનુસાર, ખતરાની આશંકાને જોતા વિમાનને ભારતીય સીમામાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી નહતી.