
- GST નું A to Z
- ક્ષતિયુક્ત આદેશો સામે અપીલ કરવાની કાર્યવાહી કરવાની બાબતને કેટલાક લોકો 'રિવ્યુ અપીલ' કહે છે. ખરેખર તો રિવ્યુ કર્યા બાદ જો જરૂર પડે તો કલમ ૧૦૮(૨) હેઠળ રિવિઝન પણ કરી શકાય
- ભૂલ સુધારણા(રેકટીફિકેશન)ની જોગવાઈઓ જીએસટી કાયદાની કલમ ૧૬૧ હેઠળ આપેલ છે. તે મુજબ જે સત્તાધિકારીએ આદેશ કરેલ હોય તે રેકર્ડ પરની ભૂલ ૬ મહિનામાં સુધારી શકે છે
રિવ્યુ એટલે શું? જીએસટી કાયદામાં ખરેખર રિવ્યુ શબ્દ આપેલો નથી કે તેને લગતી કોઈ જોગવાઈ આપેલ નથી. પરંતુ GST કાયદા હેઠળ વિવિધ કલમો જેમ કે મુખ્યત્વે કલમ ૭૩ કે ૭૪ હેઠળ કોઈ પણ આદેશ થાય તો ઉપરી અધિકારી દ્વારા તેની સમીક્ષા કરીને અને ક્ષતિયુક્ત આદેશના કિસ્સામાં ૬ મહિનાની અંદર અપીલ કરવા માટે અધિકારીને અધિકૃત કરી શકે છે. ક્ષતિયુક્ત આદેશો સામે અપીલ કરવાની કાર્યવાહી કરવાની બાબતને કેટલાક લોકો 'રિવ્યુ અપીલ' કહે છે. ખરેખર તો રિવ્યુ કર્યા બાદ જો જરૂર પડે તો કલમ ૧૦૮(૨) હેઠળ રિવિઝન પણ કરી શકાય.
અપીલ પરત લેવાની જોગવાઈ : જાહેરનામા ક્ર : ૨૬/૨૦૨૨ તા: ૨૬.૧૨.૨૦૨૨. વેપારી અને અધિકારી બંનેને મળતી સગવડ. આ માટેનું ફોર્મ: APL-૦૧/૦૩W છે. આ જોગવાઈ GST કર પ્રણાલીના પ્રથમ ૩ વર્ષ માટેની કલમ ૧૨૭-એ હેઠળની રાહતમાં ખુબ ઉપયોગી પુરવાર થયેલ છે.
-રીવીઝન-કલમ ૧૦૮-જયારે કોઈ આદેશ યોગ્ય રીતે થયેલ નથી અથવા ક્ષતિ-યુક્ત રીતે થયેલ છે તેવું જણાય તો આદેશ કરનારથી ઉપરી સત્તાધિકારી તે આદેશનું રીવીઝન ૩ વર્ષની મર્યાદામાં કરી શકે છે. આવું રીવીઝન માત્ર મૂળ આદેશનું જ થઇ શકે. રીવીઝન આદેશનું ફરી રીવીઝન ન થઇ શકે.
- ભૂલ સુધારણા (રેકટીફિકેશન) ની જોગવાઈઓ જીએસટી કાયદાની કલમ ૧૬૧ હેઠળ આપેલ છે. તે મુજબ જે સત્તાધિકારીએ આદેશ કરેલ હોય તે રેકર્ડ પરની ભૂલ ૬ મહિનામાં સુધારી શકે છે. વેપારી પણ આદેશમાં થયેલ ભૂલ ૩ મહિનામાં સત્તાધિકારીના ધ્યાને લાવી શકે છે.
-અધિકૃત વ્યક્તિની હાજરી માટેની જોગવાઈઓ: કલમ ૧૧૬ હેઠળ આપેલ છે. અધિકૃત વ્યક્તિ તરીકે સંબંધી, કર્મચારી કે વકીલ/સીએ/સીએસ વગેરે અધિકારી સમક્ષ હાજર રહી શકે છે.
કલમ ૧૦૭(૧૦) : મુજબ અપીલ અધિકારી, અપીલની સુનાવણી દરમિયાન અપીલકર્તાને વધારાના ગ્રાઉન્ડ રજૂ કરવાની પરવાનગી આપી શકે છે જે હવે ખૂબ કિસ્સામાં બને છે. કારણ કે મૂલ્ય વર્ધિત વેરા કાયદા કે કેન્દ્રીય વેચાણવેરા અધિનિયમ હેઠળના C, H, F કે EI/EII જેવા ધારાકીય ફોર્મ્સનો પ્રશ્ન હવે હોતો નથી તેથી ખૂબ જુજ કિસ્સામાં અપીલની સુનાવણી દરમિયાન વધારાના ગ્રાઉન્ડ કે વધારાના પુરાવા રજુ કરવાની જરૂરિયાત પડે છે.
નિયમ ૧૧૨: એ જ રીતે GSTના નિયમ ૧૧૨ હેઠળ પ્રથમ અપીલ અધિકારી અથવા ટ્રીબ્યુનલ અરજદારને વધારાના મૌખિક કે લેખિત પુરાવા રજૂ કરવા માટે માત્ર ખાસ કિસ્સામાં જ મંજૂરી આપી શકે છે. આ માટે ફાઈલ ઉપર કારણો પણ નોંધવાનો રહે છે. એનો મતલબ એ થયો કે જ્યારે અધિકારી વેપારી પાસેથી કોઈ પુરાવા માંગે તો પોતાના ધંધાકિય વ્યવહારો અને નિકાસ, વેરા શાખ કે રિફંડને લગતા તમામ પુરાવા કારણદર્શક સુચના મળ્યેથી રજૂ કરી દેવા જોઈએ તે વેપારીના હિતમાં છે.
કલમ ૧૧૧(૧): GST ટ્રિબ્યુનલ, Code of Civil Procedure, ૧૯૦૮થી બંધાવવાને બદલે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે તેવી અપેક્ષા છે. ટ્રિબ્યુનલને પોતાની કાર્ય-પ્રણાલી નક્કી કરવાની સત્તા રહેશે. આ માટે પ્રક્રિયા બહાર પાડેલ છે જેની વિગતો આપણે આગળ જોઈશું.
કલમ ૧૧૧(૨): ndian Evidence Act, ૧૮૭૨ની કલમ ૧૨૩ અને ૧૨૪ને અધીન રહીને અને હવે ભારતીય સાક્ષય અધિનિયમ, ૨૦૨૩ ની કલમ ૧૨૯ (evidence as to affairs of State) અને ૧૩૦ (Official Communications) ને અધીન રહીને કામગીરી કરવાની રહે છે.
કલમ ૧૧૧(૪): IPCની કલમ ૧૯૩, ૨૨૮ અને ૧૯૬ તથા કલમ ૧૯૫ ચેપ્ટર XXVI of Code of Criminal Procedure, ૧૯૭૩. BNSની કલમ ૨૨૯ (Punishment for false evidence) ૨૬૭ (intentional insult or interruption to public servant sitting in judicial proceeding) અને ૨૩૧ ચહગ તથા કલમ ૨૩૩& ચેપ્ટર XXVI of BNSS, ૨૦૨૩ (General provisions as to inquiries & trials) અનુસરવાની રહે છે.
કલમ ૧૧૨(૩): એપેલેટ ઓથોરિટી કે રિવિઝનલ ઓથોરિટીના આદેશોનું પણ રીવ્યુ થઈ શકે છે અને તેની અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ ૬ મહિનામાં ફોર્મ APL-૦૭માં કરવાની રહે છે.
કલમ ૧૧૨(૫): મેમોરેન્ડમ ઓફ ક્રોસ ઓબ્જેકશન્સ ૪૫ દિવસમાં ફોર્મ APL-૦૬માં ફાઈલ કરવાના રહે છે.
કલમ ૧૧૨ (૮): વિવાદિત રકમના કલમ ૧૦૭(૬) મુજબ પ્રથમ અપીલ તબક્કે ભરેલ ૧૦% ઉપરાંત વધારાના ૧૦% ડાઉન પેમેન્ટ (બે કાયદાના વધુમાં વધુ રૂ. ૪૦ કરોડ) કરવાનું રહે.
કલમ ૧૧૨ (૯): ડાઉન પેમેન્ટ થયેથી કેસના નિકાલ સુધી વસુલાત સામે સ્ટે મળે છે.
કલમ ૧૧૩(૨): ત્રણથી વધુ મુદ્દત ન આપવી
કલમ ૧૧૩(૪): શક્ય હોય તો એક વર્ષની અંદર અપીલનો નિકાલ કરવો
ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ: જ્યારે કોઈ વ્યક્તિ તેની સામે સીજીએસટી અને એસજીએસટી કાયદાઓ હેઠળ પસાર થયેલ પ્રથમ અપીલ આદેશથી નારાજ હોય અથવા તો તાબાના અધિકારીએ પસાર કરેલા આદેશમાં ઉપરી અધિકારીએ ફેર તપાસ (Revision) ની સત્તાનો ઉપયોગ કરીને પ્રોપર ઓફિસરે કરેલ મૂળ આદેશમાં સુધારો કરેલ હોય અને તે વ્યક્તિને આવા ફેર તપાસ આદેશની સામે વાંધો હોય તો આવા પ્રથમ અપીલ કે ફેર તપાસના આદેશ સામે તે આદેશ મળ્યાના ત્રણ માસમાં જીએસટી ટ્રિબ્યુનલને અપીલ કરી શકે છે. જરૂરી દસ્તાવેજો સાથે આવી અપીલ ઇલેક્ટ્રોનિકલી કે ટ્રિબ્યુનલના રજીસ્ટ્રાર દ્વારા ઠરાવવામાં આવે તેવી પદ્ધતિથી ફોર્મ જીએસટી એપીએલ-૦૫ માં કોમન પોર્ટલ પર કરવાની રહે છે અને તુરંત જ અપીલ કરનારને કામ ચલાઉ પહોંચ આપવામાં આવે છે.
વળી આવી અપીલ દાખલ થયાના સાત દિવસમાં જરૂરી ફી સાથે જે આદેશ કે નિર્ણય સામે અપીલ કરેલ હોય તેની પ્રમાણિત નકલ રજીસ્ટ્રારને આપવાની રહેશે અને આખરી પહોંચ કે જેમાં અપીલ નંબર નોંધવામાં આવેલ હશે તે રજીસ્ટ્રાર દ્વારા અથવા GSTN ઓનલાઈન પોર્ટલ દ્વરા ફોર્મ GST APL-૦૨માં આપવામાં આવશે.
દાખલ તારીખ: જો જે આદેશ સામે અપીલ કરેલ હોય તેની પ્રમાણિત નકલ અપીલ ફોર્મ જીએસટી APL-૦૫માં અપીલ દાખલ કર્યાના સાત દિવસમાં જમા કરાવવામાં આવશે તો જે તારીખે અપીલ દાખલ કર્યા અંગેની કામ ચલાઉ પહોંચ આપવામાં આવેલ હશે તે દિવસે જ અપીલ દાખલ થયાનું ગણવામાં આવશે અને જો આદેશની પ્રમાણિત નકલ અપીલ દાખલ કર્યાના સાત દિવસ પછી જમા કરાવવામાં આવશે તો જે દિવસે આદેશની પ્રમાણિત નકલ જમા કરાવવામાં આવશે તે દિવસે અપીલ દાખલ કરવામાં આવેલ છે તેમ ગણવામાં આવશે. અપીલ દાખલ કરેલ ત્યારે જ ગણાશે જ્યારે અપીલ નંબર આપતી આખરી પહોંચ (GST APL-૦૨) અપીલ કરનારને આપવામાં આવે.
ટ્રિબ્યુનલને મળેલ સત્તા: કોઈ વ્યક્તિએ પ્રથમ અપીલ કે ફેર તપાસ સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરેલ હોય પરંતુ આવા આદેશમાં વેરાની રકમ કે ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ ક્રેડિટની રકમનો તફાવત કે આદેશમાં નક્કી કરવામાં આવેલ ફાઈન ફી કે દંડની રકમ જો રૂપિયા ૫૦,૦૦૦ થી ઓછી હોય તો ટ્રિબ્યુનલને આવી અપીલ સુનાવણીમાં દાખલ ન કરવાનો અધિકાર છે.
જીએસટીના એક કાયદાના કમિશનર પોતે અથવા જીએસટીના અન્ય કાયદાઓના કમિશનરની વિનંતીથી ફેર તપાસના અધિકારીએ પસાર કરેલ આદેશને લગતો રેકોર્ડ મંગાવીને તેવા આદેશની કાયદેસરતા અને યોગ્યતા તપાસી શકે છે અને આદેશ કરીને તેની નીચેના કોઈપણ અધિકારીને તેમના આદેશમાં જણાવેલ મુદ્દાઓ માટે ટ્રિબ્યુનલમાં તેવા અપીલ કે ફેર તપાસ આદેશ સામે અપીલ કરવા જણાવી શકે છે. કમિશનરનો આવો આદેશ મળ્યેથી ટ્રિબ્યુનલમાં ઇલેક્ટ્રોનિકલી કે અન્ય રીતે ફોર્મ જીએસટી APL-૦૭માં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે. આવી અરજી જે આદેશ સામે અપીલ કરવાની હોય તે આદેશની તારીખથી છ માસમાં કરવાની રહેશે. આવી અપીલ કર્યાના સાત દિવસમાં જે આદેશ સામે અપીલ કરેલ હોય તેની અધિકૃત નકલ ટ્રિબ્યુનલને આપવાની રહેશે અને રજીસ્ટ્રાર GST અધિકારી દ્વારા કરવામાં આવેલ અપીલને નંબર આપશે. જ્યારે અધિકારી દ્વારા નવી અરજી કરવામાં આવે ત્યારે ટ્રિબ્યુનલ આવી અરજીને અન્ય અપીલની જેમ જ ગણીને વર્તશે અને અપીલને લગતી કાયદાની અન્ય જોગવાઈઓ આવી અરજીને પણ લાગુ પડશે.
- હર્ષ કિશોર