
- કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'તૃષ્ણા, તું પથ્થર દિલ છે તારા કરતાં પથ્થરો સારા. તેઓ કોઈના કામમાં તો આવે. આજથી તારા અને મારા જીવનના પ્રવાહો બદલાય છે. તારી સ્વચ્છંદતા તને મુબારક...'
તૃષ્ણાને હજી યાદ છે, પાંચ વર્ષ પહેલાંના પ્રસંગો, જ્યારે તે પપ્પા વૈભવકુમાર સાથે ઓફિસે આવતી. ઓફિસનો સ્ટાફ ખુરશીમાં બેઠે-બેઠે જ 'નમસ્તે શેઠજી' કરી બીજી જ ક્ષણે પોતાના કામમાં પરોવાઈ જતો. તરુણ વયની તૃષ્ણાના મનમાં થતું 'પપ્પા, ઓફિસ કેમ ચલાવવી જાણતા જ નથી ! બોસનું આગમન થતાં કર્મચારી ફફડી ના ઊઠે, તો બોસ થવાનો અર્થ શો ? એક દિવસ આ ઓફિસની રોનક હું બદલી નાખીશ. મારાં પગલાંના અવાજથી ચાર દીવાલો વચ્ચેની હવા પણ થંભી જશે અને પપ્પાએ પંપાળી-પંપાળીને પોરો ચઢાવી રાખેલા એમના 'પોઠિયા' પણ સીધાદોર થઈ જશે... નમસ્તે શેઠજી કેવી જુનવાણી-હોપલેસ સ્ટાઇલ છે !'
અને તૃષ્ણાના આ અહંવાદી સ્વપ્નને ફળવામાં કુદરતે પણ મદદ કરી. વૈભવકુમાર ભયંકર માંદગીમાં પટકાયા. એટલે ઓફિસનાં અધિકાર સૂત્રો અનાયાસે જ તૃષ્ણાના હાથમાં સરી પડયાં... આર્થિક સત્તા હાથમાં આવી એટલે તૃષ્ણાએ બેફામ ખર્ચા કરવા માંડયાં. મોંઘાં આરસપહાણ, આકર્ષક ટાઈલ્સ, ખાસ ફરમાઇશથી મંગાવેલી કારપેટ, આયોજનપૂર્વકની પ્રકાશ વ્યવસ્થા, અફલાતૂન બંગલામાં અફલાતૂન ફર્નિચર... શાહી ઠાઠથી તૃષ્ણા રહેવા લાગી,.ઓફિસનો સ્ટાફ પણ તેનાથી ફફડતો હતો.
તૃષ્ણા ચાર વર્ષની હતી, ત્યારથી વિધુર પિતા વૈભવકુમારે તેને આંખની કીકીની જેમ સાચવી હતી. માતૃપ્રેમની ખોટ ના સાલે એ દ્રષ્ટિએ પોતાના સિધ્ધાંતપ્રિય સ્વભાવ સાથે ઉદારતાભરી બાંધછોડ કરીને તૃષ્ણાને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપી હતી.
પણ તૃષ્ણાના ઉડાઉ ખર્ચાને રોકવા વૈભવકુમારના મનમાં એક વિચાર સ્ફુર્યો હતો... તેનાં લગ્ન કરી દેવાનો. તૃષ્ણાને મનગમતો જીવનસાથી શોધી લેવાનો તેમણે પોતે આગ્રહ કર્યો હતો.
તૃષ્ણા મોકાની રાહ જ જોતી હતી. સૌજન્યને એણે કહી રાખ્યું હતું કે ઓફિસ મારા હાથમાં આવે, એટલે ગૌરવ સાથે તારો મારા ઘરમાં પ્રવેશ કરાવીશ. મારા કહ્યા મુજબ વર્તીશ તો તું સુખી થઈશ.
સૌજન્ય શાંત અને સૌમ્ય હતો. તૃષ્ણાના પપ્પા વૈભવકુમારની તબિયતને ધ્યાનમાં રાખીને એ ઘરજમાઈ થવા તૈયાર થયો હતો. સૌજન્યએ તૃષ્ણાને કહ્યું હતું : 'જો તૃષ્ણા, તું તારા પપ્પાની એકની એક દીકરી છે, એટલે સેવા કરવી એ તારી ફરજ છે. પપ્પાજી સારા થઈ જાય ત્યાં સુધી અહીં તારી સાથે રહીશ. પપ્પાજીની જવાબદારી મારી અને તું છુટ્ટી.'
અને તૃષ્ણા તાડૂકી ઊઠી હતી : 'જવાબદારી, જવાબદારી... જવાબદારી... સૌજન્ય, પપ્પા બે વર્ષની પથારીવશ છે. એમાં કોલેજકાળને મસ્તીપૂર્વક માણવાનાં મારા સ્વપ્નો રોળાઈ ગયાં એ જવાબદારીઓમાં ગળાડૂબ રહેવાને કારણે જ તારો અને મારો સંબંધ 'પરિચય' કરતાં વિશેષરૂપ ધારણ ન કરી શક્યો. હવે નિરાંતે જીવવાની તક મળી છે, પણ પપ્પાની જવાબદારી સદા માટે લમણે લખાઈ છે. મારા આઝાદ જીવનમાં કુદરતે આટલી કસર રાખી છે. સૌજન્ય, તારે જે કરવું હોય તે કરજે, પણ મને મારી રીતે જીવવાની ટેવ છે.'
સૌજન્યએ ગંભીર થઈને કહ્યું : ''તૃષ્ણા, તું કેવી વાત કરે છે ? વૈભવકુમાર તો તારા પિતા છે. તારા પાલનકર્તા છે. તેઓ આફત ગણાય જ નહીં. સામાજિક જવાબદારીઓને તું નફરતની નજરે શા માટે જુએ છે ?'
પણ સૌજન્યની વાત સાંભળવા તૃષ્ણા તૈયાર નહોતી. એક દિવસ સૌજન્ય ઓચિંતો તૃષ્ણાના બંગલે ગયો. તૃષ્ણા તો સૌજન્યને પોતાના બંગલાના શાહી ઠાઠની નોંધ લેવડાવવા ઉત્સુક હતી... પરંતુ સૌજન્યની આંખો તો તૃષ્ણાના પપ્પાજીને શોધતી હતી. ત્યાં જ એની નજર એક નાનકડા રૂમ પર પડી. ત્યાં વૈભવકુમાર સૂતા હતા. સૌજન્ય તેમને મળવા દોડી ગયો. 'પપ્પાજી, હું સૌજન્ય, તમારો ભાવિ જમાઈ. હું તમને મળવા આવ્યો છું.' વૈભવકુમારે સૌજન્યનો હાથ પકડીને બેઠા થવાની કોશિશ કરી. સૌજન્યને જોઈને એમની આંખોમાં એકદમ ચમક આવી ગઈ હતી.
એટલામાં તૃષ્ણા ત્યાં આવી પહોંચી. એણે સૌજન્યને કહ્યું : 'સૌજન્ય, મારા પપ્પાને બહુ માથે ના ચઢાવીશ. નહીં તો આપણા લગ્ન પછી તેઓ તારે માથે ચઢી વાગશે. શરૂઆતથી જેવી ટેવ પાડીશ, તેવું જ વાતાવરણ ઉભું થશે. ઘડપણ આવે તોય માણસ હક ભોગવવાનો ચસ્કો કેમ જતો કરતો નથી. જવાનીના દિવસોમાં કર્તવ્યોના બોજથી પુત્રી-જમાઈને ગૂંગળાવી મારવાં એ યોગ્ય કહેવાય ખરું ? કર્તવ્યના નામે શું એ શોષણ ન કહેવાય ? પણ મારા ઈન્ડિયન ફાધરને એ બધું નહીં સમજાય. ચાલ સૌજન્ય, ઊભો થા, આપણે ડિનર માટે બહાર જવાનું છે.'
સૌજન્યને તૃષ્ણાનું સ્વચ્છંદીપણું જરા પણ પસંદ ન આવ્યું. પરંતુ એની આંખો આગળ તરવરી રહી હતી પેલી બે ભોળી આંખો. વહાલભૂખી લાગણી માટે તડપતા તૃષ્ણાના પપ્પાજીની જિંદગી સુધરતી હોય, તો સૌજન્ય તૃષ્ણા જેવી અહંવાદી યુવતીને પત્ની બનાવવાનું જોખમ વહોરવા તૈયાર હતો.
અને સૌજન્ય તથા તૃષ્ણાના લગ્ન સાદગીથી સંપન્ન થયાં હતાં. લગ્ન પછી તૃષ્ણાએ ફરવા જવાનું નક્કી કર્યું હતું. ત્યારે સૌજન્યએ કહ્યું હતું : 'કૃષ્ણા, બીમાર પપ્પાજીને આમ એકલા મૂકીને ન જવાય. એમને થોડું સારું થાય પછી ફરવા જવાનું રાખીએ તો?' સૌજન્યનો જવાબ સાંભળી તૃષ્ણા ધુંઆંપુંઆં થઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં જોરથી કહ્યું : 'સારું સારું, સૌજન્ય, હવે તારા લાગણીનાં નાટકો બંધ કર. આ તારા પપ્પા નથી પણ મારા પપ્પા છે. તું એમની સેવા નહીં કરે તો પણ તેમની મિલકત આપણને જ મળવાની છે. એટલે શોબાજી બંધ કર. અને હવે મારે પણ ફરવા નથી જવું. તારો નકારો નડે તો પાછી બીજી આફત આવે.' કહીને પગ પછાડતી તૃષ્ણા ઓફિસે જવા નીકળી ગઈ.
સૌજન્યએ તૃષ્ણાના જીવનને પ્રેમ અને લાગણીથી સિંચવાની સતત કોશિશ કરી, પણ તૃષ્ણાને લાગણીની જરૂર જ નહોતી. લગ્ન પછી તૃષ્ણાની દરેક વાતમાં ટકોર કરવાની આદતથી સૌજન્ય ગંભીર બની ગયો હતો. સૌજન્યએ તૃષ્ણા સાથે સંઘર્ષમાં ઉતરવાને બદલે 'ગુસ્સો પી જાઓ અને ક્ષમા આપો'ની ઉદાર નીતિ અપનાવી હતી.
તૃષ્ણાને મન પૈસો, પૈસાજન્ય સુખો અને અહં સર્વસ્વ હતાં. સૌજન્ય પર પણ એ એકાધિકાર ઈચ્છતી હતી. સૌજન્ય પોતાની લાગણી પપ્પાજી તરફ વહાવીને તેમના જીવનને સુખમય બનાવે એ તૃષ્ણાથી સહન થતું નહોતું. એટલે તૃષ્ણાએ પપ્પાજીને સૌજન્યથી અલગ કરવા પપ્પાજીને વૃધ્ધાશ્રમમાં મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે ખુદ સૌજન્યએ એનો વિરોધ કરતાં કહ્યું હતું : 'તૃષ્ણા, પપ્પાજીને અલગ કરવાની વાત ન કરીશ. તેમના જીવનની આથમતી સંધ્યાએ આપણું પણ તેમના પ્રત્યેનું કાંઈક કર્તવ્ય છે. દરેક વ્યક્તિ પોતાના જ સુખનો વિચાર કરી, પારિવારિક જવાબદારીઓથી પલાયન કરશે, તો આખરે સમાજ ટકશે કેવી રીતે ? તૃષ્ણા સાંભળ, મારે મારા દામ્પત્યજીવનને સીમિત અને સંકીર્ણ નથી બનાવવું. પપ્પાજીએ અત્યાર સુધી એમની ફરજ બજાવી. હવે એમની સેવા કરવાની આપણી ફરજ છે. મમ્મીજીના ગુજરી ગયા પછી એકલા હાથે પપ્પાજીએ તને મોટી કરી. એમના ઉપકારો તને લેશમાત્ર યાદ નથી ?'
સૌજન્ય વાક્ય પૂરું કરે એ પહેલાં સટાક કરતો એક લાફો સૌજન્યના ગાલ પર તૃષ્ણાની ક્રૂરતાની છાપ છોડી ચૂક્યો હતો. અને તૃષ્ણા ઉશ્કેરાઈને બોલવા લાગી હતી : 'ઈડિયટ, કોલેજમાં ભણ્યો પણ ગમાર અને ગામડિયો જ રહ્યો. સંસ્કાર અને આદર્શોનું ભૂત તો નારીમાં હોય, પુરુષમાં ના હોય. તારામાં જમાઈ કરતાં પુત્રવધૂ બનવાના ગુણો વધારે છે... મને પહેલેથી આવી ખબર હોત તો હું તારી સાથે લગ્ન જ ન કરત. કોલેજમાં કેટલા બધા 'મોડર્ન' છોકરાઓ આવતા હતા. મને એમ હતું કે લગ્ન પછી હું અને તું જલસા કરીશું, પણ તું ડફોળ નીકળ્યો... તને મારી ઈચ્છાની પડી જ નથી. પપ્પાજીની ભાવનાનું રક્ષણ કરવા જતાં મારી જવાનીનાં રોમેન્ટિક વર્ષો તેં સહારાના રણ જેવાં બનાવી દીધા છે. મારા પપ્પાજીને હું વૃધ્ધાશ્રમમાં મોકલી દઈશ, આ મારો ફેંસલો છે. આ મારું ઘર છે, તારું નહીં. તારે પણ મારી સાથે રહેવા માટે બદલાવું પડશે. તારા વેવલાવેડા મારી જિંદગીને બરબાદ કરી રહ્યાં છે.'
અને સૌજન્યની ઈચ્છા વિરુદ્ધ તૃષ્ણા તેના પપ્પાજીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવી. એટલું જ નહીં, સૌજન્યને પપ્પાજીને મળવા જવાની પણ મનાઈ ફરમાવી હતી.
અને વૈભવકુમારના જીવનમાં એક નવીન વળાંક શરૂ થયો. કાલ સુધી માનપાન પામતા વૈભવકુમાર આજે કોડીના બની ગયા હતા. આંખોની રોશની ઓછી થવાને કારણે ચીજવસ્તુઓ અડફેટે આવતી હતી. ઝાડા-પેશાબ પરનું નિયંત્રણ ગુમાવી બેસવાને કારણે પથારી બગડી જતી હતી. વૃધ્ધાશ્રમનો નોકર આવે નહીં ત્યાં સુધી થયેલી ઊલટી પર માખો બણબણ્યા કરતી... કંઠ સૂકાતો હોય પણ નોકર પાસે પાણી માંગવાની એમની હિંમત નહોતી ચાલતી.
વૃધ્ધાશ્રમના રેક્ટરના તૃષ્ણા પરના ટેલિફોનના શબ્દો વારંવાર સૌજન્યને કાને પડતા હતા : 'તૃષ્ણાબેન, તમારા પપ્પાજીને અહીંથી પાછા લઈ જાઓ. અહીં નોકરો પણ તેમની સેવા કરીને કંટાળી ગયા છે.' પણ તૃષ્ણા રેક્ટરની વાત પર ધ્યાન આપતી નહોતી અને વૃધ્ધાશ્રમમાં વધુ ડોનેશન આપવાની લાલચ આપતી હતી.
અને એક દિવસ વૃધ્ધાશ્રમના રેક્ટરનો ફોન આવ્યો : 'વૈભવકુમાર સિરીયસ છે, જલ્દીથી આવો.' તૃષ્ણા અને સૌજન્ય બન્ને વૃધ્ધાશ્રમ દોડી ગયાં. બેહોશીમાં વૈભવકુમારના મોંઢેથી એક જ શબ્દ નીકળતો હતો - સૌજન્ય... બેટા સૌજન્ય... જાણે સૌજન્યના અંતિમ મિલનની પ્રતીક્ષા ના કરતા હોય ! સૌજન્યની આંખમાંથી ચોધાર વહેતાં આંસુનું ટીંપું વૈભવકુમારના ગાલ પર પડતાં જ વૈભવકુમારે છેલ્લીવાર કહ્યું હતું : 'બેટા, સૌજન્ય, તું આવી ગયો ? તારા અંતિમ દર્શનથી મને સ્વર્ગ મળશે.' અને તેમનાં નેત્રો સદા માટે બિડાઈ ગયાં હતાં.
પપ્પાજીના અવસાન બાદ મરણોત્તર ક્રિયા સંપન્ન થઈ ગયા પછી એક દિવસ સૌજન્યએ તૃષ્ણાને કહ્યું : 'તૃષ્ણા, હું તારી સંપત્તિ માણવા નહીં પણ એક વત્સલ લાચાર પિતાની સેવા કરવા અહીં આવ્યો હતો. હું તારા દરેક સત્કાર્યમાં સાથ આપવા બંધાયેલો છું પણ દુષ્કૃત્યોમાં તો નહીં જ. જેના માટે હું આવ્યો હતો એ જ હવે નથી રહ્યા, પછી તારી સંપત્તિના ખડકલા વચ્ચે રહીને હું શું કરીશ ? તને મોડર્ન પતિ મળે તે માટે તારો માર્ગ મોકળો કરી આપું છું. અહંકારી અને છીછરી પત્નીના પતિ બનવા કરતાં છૂટાછેડા લેવા વધુ સારા. હું તને આઝાદ કરું છું.'
...અને સૌજન્યએ કોરા સ્ટેમ્પ પેપર સહી કરી આપી હતી. પથ્થર દિલ ઈન્સાન કરતાં પથ્થરો સારા. કોઈના કામમાં તો આવે. અને સૌજન્ય તથા તૃષ્ણાના માર્ગો સદા માટે ફંટાઈ ગયા હતા.