
- એક વખત ભાગ્યએ તેને ફરી પાછા યેઉરના જંગલમાં આવવાનું આમંત્રણ આપ્યું. બન્નેના હાથના અંકોડા આપોઆપ ભીડાઈ ગયા. રંગ લાવવા લાગી હતી. નિયતી ભાગ્યની નજીક સરી રહી હતી. નિયતી પણ તેની છાતીમાં માથું મુકીને હળવી બની જતી. સંબંધ આગળ વધતો ગયો તેમ ભાગ્ય નિયતીને ચુંબનોથી નવડાવી દેતો. નિયતીનું રોમ રોમ ખીલી ઊઠતું.
આજે નિયતીનું મન અત્યંત બેચેન બની ગયું હતું. સામાન્ય રીતે ઓફિસના કામમાં ગળાડૂબ રહેતી નિયતી અન્ય કર્મચારીઓ ચાલ્યા જાય પછી પણ કામ કર્યા કરતી. ઘરે જઈને કરે પણ શું? કોણ હતું તેની રાહ જોનારું? વિશાળ ફલેટમાં એકલવાયાપણું તેને ખાવા દોડતું. તે ક્યારેક ડિનર લેવા ટીવીની સામે બેસતી, તો ક્યારેક અગશીમાં બેસીને ખુલ્લા આકાશ નીચે ભોજન કરતી. ક્ષુધા શાંત કર્યા પછી પણ લાંબા સમય સુધી તે નભમાં ચમકતા તારાઓને નિહાળતી રહેતી. ખાસ કરીને અમાસની ઘોર અંધારી રાત્રે ટીમટીમાતા તારલાઓને જોઈને તે વિચારતી, 'આમાં ક્યાં હશે મારા જન્મદાતા'. પછી તે અચાનક વિચારવા લાગતી, શું મૃત્યુ પછી માણસ ખરેખર તારો બની જાય?
નિયતીની મમ્મી નિહારીકાએ નિયતીને નાનપણથી જ નભદર્શન કરવાની ટેવ પાડી હતી. તે જ્યારે જ્યારે તેના પપ્પા વિશે પૂછતી ત્યારે નિહારીકા તેને આકાશમાં ચમકતા તારા તરફ અંગુલી નિર્દેશ કરીને કહેતી, 'જો આ રહ્યા તારા પપ્પા, કેવા સરસ મઝાના ચમકે છે.' 'પણ તે બીજા બધાના પપ્પાની જેમ આપણી સાથે કેમ નથી રહેતા? આટલે દૂર આભમાં જઈને કેમ રહે છે? અહીં રહીને હું પપ્પા સાથે રમું કેવી રીતે?' નિયતી નિર્દોષ ભાવે નિહારીકાને પૂછતી.
'બેટા, તારા પપ્પા તો બધાથી અલગ હતા. એવા સરસ કે ભગવાનને તેમની સાથે રમવાનું મન થયું. ઈશ્વરે તેમને રમવા તેડાવ્યાં અને તારા પપ્પા ચાલી નીકળ્યા.' નિહારીકાના ગળે ડૂબો ભરતો તોય તે વહાલસોયી દીકરીને સમજાવવાનો પ્રયત્ન કરતી. 'પણ પપ્પાએ ભગવાનને ના પાડી દેવી જોઈએને. શું તેમનાથી એટલું ન કહેવાય કે મને મારી નિયતી જોડે રમવું છે. તમે બીજા કોઈને બોલાવી લો.' અણસમજુ નિયતી માતા સામે દલીલ કરતી. ગળગળી બની જતી નિહારીકાની આંખો છલકાઈ ઊઠતી, પણ વહાલી દીકરીને બાથમાં લઈને તે કહેતી 'બેટા દેવનું તેડું આવે ત્યારે કોઈથી ના ન પડાય. નસીબદાર લોકોને જ ભગવાન પોતાની સાથે રમવા બોલાવે. અહીંયા હું છું ને તારી સાથે રમવા. ચાલ આપણે બન્ને તને ગમતી રમત રમીએ.' નિહારીકા નિયતીને પટાવીને બધું કામ પડતું મૂકી તેની સાથે રમવા લાગતી.
માતાની હુંફાળી છત્રછાયામાં નિયતી મોટી થતી ગઈ. મા-દીકરી સારી રીતે જીવી શકે એટલા પૈસા હતા. નિયતી કોલેજના છેલ્લા વર્ષમાં હતી. અમાસની એ કાળી રાત નિયતીના જીવનમાં અંધારુ બનીને થીજી ગઈ હતી. રાત્રિનું ભોજન લઈને નિહારીકા અને નિયતી થોડીવાર અગાશીમાં ખુરશી મુકીને બેઠાં. અમાસના ઘોર અંધકારમાં આભમાં ચમકતા તારા જોવાનો તેમનો વર્ષો પુરાણો નિયમ હતો. બન્નેએ થોડીવાર વાતો કરી. પછી બેડરૂમમાં જઈને નિદ્રાદેવીને શરણે થયા. સવારના નિયતીની આંખ ખુલી ત્યારે મમ્મીને હજી સુધી સુતેલી જોઈને તેને નવાઈ લાગી. રોજ નિહારીકા નિયતીથી પહેલા ઊઠીને ચા બનાવતી. ચાની ટ્રે સાથે બેડરૂમમાં આવીને તે નિયતીને ઊઠાડતી અને પલંગ પર બેઠાં બેઠાં જ બન્ને બેડ-ટી પીતાં. મમ્મીને સુતેલી જોઈને નિયતીએ વિચાર્યું. ''આજે હું ચાની ટ્રે સાથે મમ્મીને જગાડીશ. તેને આશ્ચર્યમાં મુકી દઈશ.'
નિયતી બિલ્લીપગે બેડરૂમમાંથી બહાર નીકળી. થોડીવારમાં ચાની ટ્રે સાથે અધર પર સ્મિત ફરકાવતી બેડરૂમમાં પ્રવેશ. 'મમ્મી, જો આજે હું ચા બનાવી લાવી છું. જો તો મને તારા જેવી ચા બનાવતા આવડે છે કે નહીં', પણ નિહારીકાએ કોઈ પ્રત્યુત્તર ન વાળ્યો ત્યારે નિયતીના મનમાં ધ્રાસ્કો પડયો. ચાની ટ્રે ટિપોય પર મુકી તેણે મમ્મીને સ્પર્શ કર્યો. નિહારીકાનો દેહ ઠંડો પડી ગયો હતો. નિયતીના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેની આંખો ફાટી ગઈ. 'મમ્મી', તેના ગળામાંથી તીણી ચીસ સરી પડી. તેણે ઝડપથી ડૉક્ટર અંકલને ફોન કર્યો. ડૉક્ટરે આવીને નિહારીકાને તપાસી. પછી નિયતીના માથે પિતાસમો હાથ મુકતાં બોલ્યા 'સોરી બેટા, શી ઈઝ નો મોર.' અને થોડીવાર માટે નિયતીની આંખો થીજી ગઈ હતી. પછી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. સંબંધીઓએ આવીને નિહારીકાના અંતિમ સંસ્કાર કર્યાં. થોડાં દિવસ નિયતી સાથે રહીને બધા પોતપોતાના સંસારમાં ગુંથાઈ ગયા. નિયતી સાવ એકલી પડી ગઈ. તે સમજી ગઈ હતી કે હવે તેને એકલા જ જીવવાનું છે. તેની ઉંમર જાણે કે અચાનક જ વધી ગઈ.
વાસ્તવિકતા સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. તેણે છેલ્લા વર્ષની પરીક્ષાની તૈયારી કરવા માંડી. ડિસ્ટિંગશન મેળવીને સ્નાતક થયેલી નિયતીને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. એકલતા વિસારવા તે પોતાના કામમાં ડૂબી જતી. તેનું કામ જ તેની દુનિયા બની ગઈ હતી. નોકરી કરવા સાથે નિયતીએ એમબીએ પણ કરી લીધું. તેની કામની લગન અને ચોકસાઈ જોઈને તેને બઢતી મળતી ગઈ. પાંચ વર્ષમાં નિયતી જનરલ મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગઈ. આટલા વર્ષોમાં ઓફિસના ઘણાં યુવકોએ તેની સાથે મીઠા સંબંધો બાંધવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નિયતીના ખાલીખમ હૃદયને કોઈ સ્પર્શી નહોતું શક્યું. તે સારી રીતે જાણી લેતી કે દરેક યુવાનને તેની ખૂબસુરતી અને તેના પૈસામાં રસ છે. તેની ઓફિસમાં બધા જાણતા હતા કે તે એકલી છે, તેની પાસે પોતાનો ફલેટ અને પિતાના મુકેલા નાણાં છે. વળી તે પોતે પણ સારું કમાય છે. આવી યુવતીને પરણવાની ઇચ્છા કયા યુવકને ન થાય? પણ નિયતીને તો પ્રેમની પ્યાસ હતી. તેને એવા યુવાનની તલાશ હતી જે તેના હૃદયના તાર ઝંકૃત કરે, તેને લાગણી-પ્રેમના ધોધમાં ભીંજવી નાખે, તેને હૈયાફાટ પ્રેમ કરે, કોઈ પણ જાતના સ્વાર્થ વિના.
આખરે એવો યુવક તેના જીવનમાં પ્રવેશી જ ગયો. ચોમાસાની ઋતુ હતી. ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. રવિવારનો દિવસ હતો. નિયતી અગાશીમાં જઈને ઊભી રહી. ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું હતું. વરસતા વાદળા નિયતીના યુવાન-ગૌર દેહને ભીંજવી રહ્યા હતા. ધારે ધારે પડતું વારિ નિયતિની વણસ્પર્શી સંવેદનાઓને જાગૃત કરી રહ્યું હતું. તેનું રોમ રોમ જાણે કોઈને ઝંખી રહ્યું હતું. તેનાથી આપોઆપ પોતાના જ હાથ ભીડાઈ ગયા, જાણે કોઈને આશ્લેષમાં લેતી હોય એવી મુદ્રામાં. નભમાંથી વરસતા નીર આગ બની તેની અતૃપ્ત ઝંખનાઓને સળગાવી રહ્યાં હતાં. આજે તેને 'કોઈક'ની ખોટ જેટલી સાલતી હતી એટલી અગાઉ ક્યારેય નહોતી સાલી. નિયતિ સમજી નહોતી શકતી કે તેને શું થઈ રહ્યું છે. તેમાં રહેલી મેચ્યોર સ્ત્રી ક્યાંક ખોવાઈ ગઈ હતી. તેને ક્યાંક જવાની ઇચ્છા થઈ. તેણે રૂમમાં આવીને વસ્ત્રો બદલ્યા. એક કપ કોફી પીને ગાડીની ચાવી હાથમાં લીધી અને નીચે ઉતરી ગઈ.
નિયતીએ ગાડી સ્ટાર્ટ કરી ત્યારે તે નહોતી જાણતી કે તે ક્યાં જવાની છે, પણ આજે તેને પ્રકૃતિની ગોદમાં જઈને મન મુકીને ટહેલવાની ઇચ્છા થતી હતી. જાણે માતાના ખોળમાં માથું મુક્તી હોય તેમ. તેણે ગાડી યેઉરના જંગલ તરફ વાળી. નીચે ગાડી ઊભી રાખીને તે પગપાળા ચાલવા લાગી. રહી ગયેલા વરસાદની ભીની ભીની ખૂશ્બુ વનની માટીમાંથી આવી રહી હતી. ચારે તરફ હરિયાળી જ હરિયાળી. પક્ષીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. ખળખળ વહેતા ઝરણાં વચ્ચે ક્યાંક એક મોર કળા કરી રહ્યો હતો. નિયતીના પગ ત્યાં જ થંભી ગયાં. પહેલા ક્યારેય તેણે આવો કળા કરતો મોરલો નહોતો જોયું. તેનું મન આનંદથી ઝૂમી ઉઠયું. તેના હોઠ પર સ્મિત ફરી વળ્યું, તેની આંખોમાં આનંદની ચમક ઉપસી આવી. આશ્ચર્યથી અવાક્ બનેલી નિયતી જાણે કે ત્યાં જ જડાઈ ગઈ. થોડે દૂર ઊભેલો એક ફોટોગ્રાફર ઝપાટાભેર કળા કરતા મોરને કેમેરામાં કંડારી રહ્યો હતો. ત્યાં જ એક રંગબેરંગી પતંગિયું ઉડતું ઉડતું નિયતી પાસેથી પસાર થઈને બાજુના છોડ પર જઈને બેસી ગયું. હવે નિયતીનું ધ્યાન પતંગિયા તરફ ગયું. તેના પગ આપોઆપ પતંગિયા તરફ વળ્યા. તેણે પોતાની નાજુક આંગળીઓમાં પતંગિયાને પકડી લીધું, એકદમ હળવાશથી. તેની આ અદાને ત્યાં હાજર રહેલા ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી લીધી. પતંગિયું પકડતી વખતે નિયતીના ચહેરા પર આવેલા આનંદ અને આશ્ચર્યના નિર્દોષ ભાવ કેમેરામાં આબાદ ઝિલાઈ ગયા હતા. ફોટોગ્રાફર વિવિધ એંગલથી તેના પોઝ લઈ રહ્યો હતો. વારંવાર થતો કિલકનો અવાજ સાંભળી નિયતીએ ફોટોગ્રાફર સામે જોયું. તે તેના જ ફોટા પાડી રહ્યો હતો. 'યે આપ કયા કર રહે હૈ? મેરી તસવીરે ક્યું ખીંચ રહે હૈં?' તેના મોઢમાંથી ચીસ નીકળી ગઈ.
'ઘબરાઈયે મત મેડમ, મૈં આપકો કોઈ નુકસાન નહીં પહુંચાઉંગા. લેકીન આપ જૈસી ખૂબસુરત લડકી કી નાજુક ઉંગલિયોં મેં તિતલી કી ખૂબસુરતી ઔર બઢ જાતી થી, આપ ખુદ હી દેખ લિજીયે. શાયદ આપકો આપકી બ્યુટી કા અંદાઝા નહીં, પર આપ બલા કી ખૂબસુરત હૈં. સિમ્પલી બ્યુટીફુલ!' ફોટોગ્રાફરના મોઢામાંથી તદ્દન નિર્દોષ ભાવે સહજપણે સરી પડેલી પોતાની તારી નિયતીનો ભય-ક્રોધ થોડાં શાંત પડયા. ફોટોગ્રાફરે પણ કોઈ પણ જાતના સંકોચ વિના ડિજિટલ કેમેરામાં કંડારેલા ફોટા નિયતીને બતાવવા માંડયા. નિયતી તેના ફોટા પાડવાના એંગલથી ખાસ્સી પ્રભાવિત થઈ હતી.
'ક્યા આપ યે ફોટોગ્રાફ મુઝે ઈ-મેલ કર સકતે હૈં'. નિયતીએ તેને પૂછ્યું હતું. 'ક્યોં નહીં, બિલકુલ કર સકતા હું' ફોટોગ્રાફરે અત્યંત સરળતાથી ઉત્તર વાળ્યો હતો. નિયતીએ તેને પોતાનું ઈ-મેલ એડ્રેસ આપ્યું. હવે તેને યાદ આવ્યું કે તેણે તેનું નામ તો પૂછ્યું જ નહોતું. 'આપકા નામ ક્યા હૈ?' નિયતીએ તેની સામે જોઈને પૂછ્યું. 'ભાગ્ય'. ફોટોગ્રાફરે એક જ શબ્દમાં જવાબ વાળ્યો હતો. નિયતીના મનમાં અનાયાસે વિચાર આવી ગયો. 'અમારા બન્નેના નામનો અર્થ એક જ થાય છે, નસીબ-કિસ્મત'. નિયતીએ પણ ભાગ્યનું ઈ-મેલ એડ્રેસ લીધું.
તે હજી ભાગ્યને 'ગુડ બાય' કહેવા જ જતી હતી, ત્યાં ભાગ્ય બોલી ઊઠયો. 'મેડમ ઐસી ખૂશ્નુમા મૌસમ મેં અદરકવાલી ચાય પીનેકા એક અલગ હી મઝા હોતા હૈ. પાસ મૈં હી છોટાસા ઢાબા હૈ વહાં ચાપ અચ્છી મિલતી હૈ. અગર આપકો ઐતરાઝ ન હો તો મેરે સાથે ચાય પીને આઈએ.' ભાગ્યએ નિયતીને આમંત્રણ આપ્યું. નિયતી ના ન પાડી શકી. ભલભલા સોફિસ્ટિકેટેડ યુવાનોને દાદ ન આપનાર નિયતી એક સામાન્ય ફોટોગ્રાફનું નિમંત્રણ નકારી ન શકી. 'ઠીક હૈ, ચલિયે.' તે ભાગ્યાના કદમ સાથે કદમ મિલાવીને ચાલવા લાગી. બન્નેએ સાથે બેસીને ચા પીધી. ફરી એક વાદળું વરસી ગયું. પોતાની કાર અને મોટરબાઈક તરફ આગળ વધી રહેલા નિયતી-ભાગ્યને ભીંજવી ગયું.
તે રાત્રે નિયતી ઊંઘી ન શકી. એક સીધોસાદો ફોટોગ્રાફ તેની સંવેદનાઓને સ્પર્શી ગયો હતો. તેનો નિદોર્ષ ચહેરો અને સરળ સ્મિત નિયતીના હૃદયના તાર ઝંકૃત કરી ગયા હતા. 'શું મારી નિયતી ભાગ્ય સાથે જોડાયેલી છે?' તે વિચારવા લાગી. પછી જાણે પોતાના જ વિચારોને બ્રેક મારતી હોય તેમ મનોમન બોલી. 'આ મને શું થઈ ગયું છે. ક્યાં એ સામાન્ય ફોટોગ્રાફર અને ક્યાં હું આટલી મોટી કંપનીની જનરલ મેનેજર. વળી હું આટલા ઉતાવળિયા વિચાર શા માટે કરું છું. હજી તો હું તેને પહેલી વખત જ મળી છું. તેના નામ અને કામ સિવાય તેના વિશે હું બીજું શું જાણું છું?' તેણે પોતાના વિચારોને અટકાવવાનો પ્રયત્ન કર્યો. વહેલી સવારે તેને થોડી નીંદર આવી. સવારના ઊઠી તો તેની નજર સમક્ષ ફરી પાછો ભાગ્યનો ચહેરો તરવરી રહ્યો.
નિયતિએ કમ્પ્યુટર ઓન કરી ઈ-મેલ ખોલ્યું. કેમેરામાં જોયેલી તસવીરો કમ્પ્યુટરની સ્ક્રીન પર ઉપસી આવી. તે યેઉરના પ્રાકૃતિક સૌંદર્ય, કળા કરતા મોરની ખૂબસુરતી અને પતંગિયા જેવા પોતાના સૌંદર્ય પર પોતે જ મોહી પડી. તેણે ભાગ્યને 'થેંક્સ' કહેતો ઈ-મેલ પાઠવ્યો. ધીરે ધીરે ઈ-મેલનો સિલસિલો વધવા લાગ્યો. એક વખત ભાગ્યએ તેને ફરી પાછા પેઉરના જંગલમાં આવવાનું આમંત્રણ આપ્યું. બન્નેના હાથના અંકોડા આપોઆપ ભીડાઈ ગયા. થીજી ગયેલી અમાસ પૂર્ણિમા તરફ ગતિ કરી રહી. મુલાકાતો વધવા લાગી. લાગણીભીની યુવાની રંગ લાવવા લાગી હતી. નિયતી ભાગ્યની નજીક સરી રહી હતી. બન્ને મળતા ત્યારે ભાગ્ય તેને તેના મજબૂત બાહુપાશમાં જકડી લેતો. નિયતી પણ તેની છાતીમાં માથું મુકીને હળવી બની જતી. સંબંધ આગળ વધતો ગયો તેમ ભાગ્ય નિયતીને ચુંબનોથી નવડાવી દેતો. નિયતીનું રોમ રોમ ખીલી ઊઠતું. વર્ષોથી ખુલવા મથી રહેલી એક બિડાયેલી કળી ઉઘડી ગઈ હતી. બન્ને તળાવોની નગરી થાણેના જુદાં જુદાં સ્થળે જતાં. ક્યારેક ઉપવન તળાવ પાસે તો ક્યારેક કચરાળી કે માસુંદા તળાવ પાસે. ક્યારેક ઘોડ બંદર રોડના સુમસામ રેતી બંદરે બેઉ પહોંચી જતા. અહીંના અસામાજિક તત્વોએ પણ બન્નેની નિર્દોષ મૈત્રી જોઈને તેમને કનડયા નહોતા. ભાગ્ય બધા સ્થળે નિયતીના વિવિધ એંગલથી ફોટો પાડતો. પ્રાકૃતિક સૌંદર્યને કેમેરામાં કંડારતો. લાંબા સમયની મૈત્રી પછી નિયતીએ ભાગ્ય સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભાગ્ય સામે જાણે સાપ ફેણ ધરીને ઊભો હોય તેમ તે છળી ઊઠયો. તેણે ત્યારે તો નિયતીને ગોળગોળ જવાબ આપીને ટાળી દીધી. પણ પછી તેણે નિયતીના ફોનના જવાબ આપવાનું ટાળવા માંડયું. નિયતી સખત ટેન્શનમાં આવી ગઈ હતી. પણ તે સમજી ગઈ હતી કે બાળક જેવા નિર્દોષ ચહેરાવાળો ભાગ્ય તેના ભાગ્યમાં નહોતો. લગ્નનો પ્રસ્તાવ મુકતાં જ તે તેનાથી દૂર ભાગી રહ્યો હતો. પણ તે તેની સ્મૃતિમાં સજ્જડ જડાઈ ગયો હતો. એક દિવસ અચાનક જ ભાગ્યનો ઈ-મેલ આવ્યો. 'મૈં ઓસ્ટ્રેલિયા જા રહા હું. મેરે બીવી-બચ્ચોં કે પાસ, હંમેશા કે લિયે.'
ઈ-મેલ વાંચીને નિયતીના પગ તળેથી ધરતી સરકી ગઈ. 'એક પરિણીત પુરુષ તેને આટલા લાંબા સમય સુધી છળતો રહ્યો, માસૂમિયતનું મહોરું પહેરીને, અને તેના પ્રેમમાં અંધ બનેલી મને તેના અસલી ચહેરાનો અણસાર સુધ્ધાં ન આવ્યો.' તે મનોમન પોતાની જાતને દોષ દેતી રહી, પણ તેની યાદોને તે ભૂલાવી નહોતી શકતી. બલ્કે તેની સાથે વીતાવેલો સમય તે વિસરવા નહોતી માગતી. ભાગ્યએ ભલે નિયતીને દગો દીધો હતો, પણ નિયતીએ તેને હૃદયપૂર્વક ચાહ્યો હતો. તેની સ્મૃતિને કડવાશથી ભરીને નિયતી પોતાના પ્રેમનું ગૌરવ હણવા નહોતી ઇચ્છતી. ભાગ્ય સાથે વિતાવેલી પળો પર તેણે સોનાનો ઢોળ ચડાવી દીધો.
નિયતી દર રવિવારે ગાડી લઈને નીકળી પડતી. યેઉરના જંગલમાં, મસુંદા, મખમલી કે ઉપવન તળાવ પાસે કે પછી સુમસામ રેતી બંદર પર બેસીને તે આ સોનેરી યાદોને વાગોળતી. ભાગ્ય સાથે પસાર કરેલા સમયની સ્મૃતિ તેને જીવવાનું બળ પૂરું પાડતી. તેણે ફરી એક વખત વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો હતો. તેણે મનને મનાવી લીધું હતું. '''નિયતી' એ 'ભાગ્ય'નો અર્થ એક જ હોય તો બન્ને છૂટાં શી રીતે પડી શકે?'' નિયતીના ભાગ્યમાં ભાગ્યની નિયતી બનવાનું નહોતું લખાયું.
રવિવારની એક સાંજે નિયતી ઉપવન તળાવની પાળે સોનેરી સ્મૃતિઓને વાગોળતી બેઠી હતી. તેના હોઠ પર સ્મિત ફરી વળ્યું હતું. તેના ચહેરા પર થોડા સમય માટે પણ પ્રેમ પામ્યાનો સંતોષ તરવરતો હતો. લાંબા સમય સુધી તે એક જ મુદ્રામાં બેસી રહી. અંધારાના ઓળા ઉતરવા લાગ્યા હતા. તે ઘરે જવા ઊભી થઈ. સામે એક પેન્ટર તેનું ચિત્ર દોરી રહ્યો હતો. ચિત્ર પૂરું થવામાં હતું. પેન્ટરે તેને વિનંતી કરી 'મેડમ, બસ થોડી દેર ઔર. પ્લીઝ. દેખિયે આપકી કિતની ખૂબસુરત પેન્ટિંગ બની હૈ.' તેની વાત સાંભળી નિયતી હચમચી ઊઠી હતી. તેના મોઢામાંથી સહજપણે શબ્દો સરી પડયા. 'બસ અબ ઔર નહીં'. તે મક્કમ પગલે ગાડી તરફ આગળ વધી ગઈ. પેન્ટર મુંઝાઈ રહ્યો હતો. 'બસ અબ ઔર નહીં. મતલબ?' નિયતીના ભાગ્યથી અજાણ પેન્ટર ભલે મુંઝાઈ રહ્યો હતો, પણ આજે ફરી પાછું નિયતીનું મન ઉદ્વીગ્ન બની ગયું હતું.