Home / Religion : Dhramlok: The first step of Lord Mahavira's 'Samosaran Discourse'

Dhramlok: ભગવાન મહાવીરના 'સમોસરણ પ્રવચન'નું પ્રથમ પગથિયું

Dhramlok: ભગવાન મહાવીરના 'સમોસરણ પ્રવચન'નું પ્રથમ પગથિયું

- આંખ છીપ,અંતર મોતી

વૈશાખ સુદ-૧૧, શાસન સ્થાપના દિવસ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

તપની સાડાબાર વરસની સાધનાનો પૂર્ણવિરામ અને દરરોજના બે-બે પ્રવચનોની અવિરામ સાધનાનો આજે શુભારંભ.સાડાબાર વરસની તપોયાત્રાનો ઉપરમ અને પરમજ્ઞાનના ફળની સફળયાત્રાની સફર શરૂ થઈ આજના પરમ પવિત્ર દિવસે.

છ-છ મહિનાના નિર્જલા ઉપવાસ જેવી ઘનધોર સાધનાની સમાપ્તિ..

અનાદિકાલીન ઘનઘાતી કર્મોનો આ સાધનાના સાધને સફાયો...

ભવ્યજીવોને ભીના ભીના કરવા માટેનો મહાવીરનો ધનાધન (મેધ) વાણીધારાનો ધનાધન પ્રારંભ..

સાડા બાર વરસની મૌનયાત્રાની સાધના પછીની ૩૦ વરસ સુધીની શબ્દયાત્રાની સાધનાનો સફળ શુભારંભ.

અનંતકાલીન અશબ્દ બનવા માટેની આ ૩૦ વર્ષીય શબ્દયાત્રાનો પાવન પ્રારંભ પળ એટલે વૈશાખ સુદ-૧૧નો વૈશાખી દિવસ.

સંપૂર્ણપણે પૂર્ણ બનવાની કળાનો કોર્સ આજથી પ્રારંભ પામ્યા.

ભૌતિકવાદના રવાડે ચડી સંસારના વાડે કચડી ગયેલા જીવને અધ્યાત્મ જગતના મહેલમાં સહેલગાહ કરાવતી ધર્મદેશનાનો શુભારંભ..

ભૌતિક અને આધ્યાત્મિક વૈશાખી લૂના વાયરામાં ભઢ્ઢીની જેમ શેકાઈ ગયેલા જીવોને ભૌતિક અને આધ્યાત્મિક એરકૂલરની ઠંડક આપતું સ્થળ એટલે 'સમોસરણ પ્રવચન.'

ભૌતિક અને આધ્યાત્મિક દુર્ગંધથી ત્રાસ પામેલા જીવો માટે ભૌતિક અને આધ્યાત્મિક બંનેય ક્ષેત્રે પુષ્પોની પમરાટ પ્રસરાવતું પ્રાંગણ એટલે 'સમોસરણ પ્રવચન.'

અનેક પ્રકારના શબ્દોથી શબ જેવા બની ગયેલા જીવોને શબનમ જેવા મધુર શબ્દોની લહાણી કરતું વાણી-સરવાણીનું સ્થળ એટલે 'સમોસરણ પ્રવચન.'

ખરાબી પેદા કરે અને શરાબી બનાવે એવા હલકા વિચારોને રવાડે ચડી ગયેલા મનને સુ-મન અને સુમન (ફૂલ) જેવા સુવાસિત- તારોતાજા- તાજામાજા કરવાનું સ્થળ એટલે 'સમોસરણ પ્રવચન.'

ભગવાનના ૩૪ અતિશય (વિશિષ્ટ વિશેષતા) અને ભગવાનની વાણીના ૩૫ ગુણોથી અલંકૃત અને ચમત્કૃત સ્થળ વિશેષ એટલે 'સમોસરણ પ્રવચન.'

હજારો-હજારો માનવો, લાખો-લાખો તિર્યચો અને કરોડો-કરોડો દેવ-દેવીઓથી ભરાતું અને ઉભરાતું સ્થળ એટલે 'સમોસરણ પ્રવચન.'

લગભગ ૧૦-૧૨ કિલોમીટર જેટલા લાંબા-પહોળા અશોકવૃક્ષના ડોમ (એક પણ પિલ્લર વિનાનો ડોમ) નીચે, મધુર-મધુર સંગીતના તાલે, મંદ-મંદ વાયુથી વાતાવરણથી ઠંડક મધ્યે, સુગંધી ફૂલોથી વાતાવરણને તર-બ-તર કરતી મીઠી મહેક વચ્ચે પરમાત્મા મહાવીરની આજના દિવસથી શરૂ થઈ, સમોસરણ પ્રવચન ધારા.. જે ત્રીસ વરસ સુધી ચાલી.

ચાલો માણીએ એ સમોસરણ પ્રવચનધારાના કેટલાક અમૃતબિંદુઓને.

૧) હે ભવ્ય ! તે આજ સુધી બીજાને જીતવામાં શક્તિ વેડફી નાંખી, સમય બરબાદ કરી નાંખ્યો. હવે જાત પર જીત મેળવ.

૨) બીજાને જીતવાથી શું વળવાનું ? સ્વયંને જીતે, સ્વયંને મળવાનું.

૩) આ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે- અહિંસા. તો આ વિશ્વનો સૌથી મોટો અધર્મ છે- હિંસા. હિંસાના પાયા પર સંસાર રચાયો અને અહિંસાના પવિત્ર પાયા પર મોક્ષ વિરચાયો.

૪) જીવો અને જીવવા દો. તમે પણ શાંતિથી જીવો અને સર્વજીવોને શાંતિથી જીવવા દો. વિશ્વના સમસ્ત જીવોને જીવવું ગમે છે. મરવું કોઈને ય ગમતું નથી.

૫) બીજાને જીતવા જતાં માર અને હાર પણ ખાવી પડે, બીજાને મારવા પડે. જે હિંસા છે.

૬) આજ સુધી જીવે બીજાને જીતવાનો જ પ્રયાસ કર્યો છે. શબ્દપ્રહારથી કે શસ્ત્ર પ્રહારથી બીજાને હાર ખવડાવવાનો જ નિષ્ફળ પ્રયત્ન કર્યો છે. કારણકે આમાં સંપૂર્ણ હાર-જીત મળતી નથી.

૭) જાત પર જીત મેળવાનારો સંપૂર્ણપણે પૂર્ણ જીત પામે છે.

૮) દુનિયા પર કંટ્રોલ કરનારો તો બંધન આપે છે અને સ્વયંભૂ બંધન પામે છે. આત્મા પર કાબૂ પાનારો બંધન-મુક્ત બને છે.

૯) જે સ્વયં બંધન-મુક્ત બને છે, એ અન્યને બંધનથી મુક્તિનો રાહ ચીંધે છે. બંધન-મુક્ત થનારો જ તો મુક્તિ દેખાડી શકે.

૧૦) બધાં જ જીવો આપણા જેવા જ છે. એ સૌને આપણા જેવા માનવા. એ સૌ જીવો પ્રતિ આપણા જેવો ભાવ રાખવો. અને એ સૌને આપણા જેવા બનાવવા. આ જ પરમ પ્રેમ છે. આ જ પરમદયા છે. આ જ પરમ અહિંસા છે. આ જ ભાવ દયા છે.

૧૧) દરેક આત્મા અનંતજ્ઞાનમય છે. એની હીલના એ પણ એક પ્રકારની હિંસા છે. એની અનંતજ્ઞાનમયતાનો સ્વીકાર. એ છે પરમધર્મ. એ છે પારમાર્થિક ધર્મ.

૧૨) આત્માનો સ્વીકાર એટલે ધર્મનો સ્વીકાર. આત્માનો સ્વીકાર એટલે પરમાત્માનો સ્વીકાર.

૧૩) આત્મા એ જ પરમાત્મા છે. આત્મા ધર્મમય બને એટલે એ પરમ-આત્મા=શ્રેષ્ઠ આત્મા બની જાય.

૧૪) દરેક આત્મા પરમાત્મા છે માટે સૌનું સન્માન કરવું. તિરસ્કાર કોઈનો ય નહીં. નિંદા કોઈની યે નહિ.

૧૫) અન્યને જોઈને આનંદ પામે, તે પરમાનંદને અવશ્ય પામે.

૧૬) અન્યને જે શત્રુ માને છે, અન્ય પણ તેને શત્રુ માનવા પ્રેરાય છે.

૧૭) તું જ તારો શત્રુ છે અને તું જ તારો મિત્ર છે, અન્ય કોઈ નહીં.

૧૮) આ જગતની કોઈ પણ વ્યક્તિ કોઈપણ વસ્તુ કે કોઈપણ વસ્તુ સ્થિતિ તને પરેશાન કરી શકે તેમ નથી, જો તું સ્વયં પરેશાન ન થવા ચાહતો હોય તો. અને જો તું પરેશાન થવા ચાહતો હોઈશ તો કોઈપણ વ્યક્તિ, કોઈપણ વસ્તુ કે કોઈપણ વસ્તુ સ્થિતિ=પરિસ્થિતિ માધ્યમ બની શકે છે.

૧૯) આનંદ બાહરનો વિષય નથી, એ અંદરનો પ્રવાહ છે. એને બહાર ના ખોજ, ભીતરમાં જા.

૨૦) અંદર બેઠેલા દોષો- અવગુણોને કાઢી નાંખ. આત્મા સદાબહાર બની જશે.

- આચાર્ય રાજહંસ

Related News

Icon