
Mahisagar News: ગુજરાતમાં ફરી ભાજપ વિરુદ્ધ ભાજપનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા પ્રમુખ ઉપર આડકતરી રીતે ભાજપના જ પૂર્વ હોદ્દેદારએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિસાગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી સુરેશગીરી ગોસ્વામીએ સોશિયલ મીડિયા ઉપર તેમના એકાઉન્ટથી વિડીયો મૂકી અને નગરપાલિકામાં ચાલી રહેલ કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.
સુરેશગીરી હાલ ભાજપમાં સભ્ય છે. આક્ષેપ લગાવતા તેમણે જણાવ્યું હતું કે, વેપારી માનસિકતા વાળા લોકો જ્યારે પ્રમુખ પદ ઉપર બેસી જાય છે ત્યારે તેનું વિપરીત પરિણામ જોવા મળતું હોય છે. સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી લાગવગ લગાવી અને પ્રમુખ પદે બેસી ગયા પછી પોતાનો મની પાવર કઈ રીતે વધારવો તે દિશામાં વિચારતા હોય છે.
રીંગ બનાવી અને પોતાના મળતીયાઓને કામ અપાય છે
વધુમાં સુરેશગીરીએ જણાવ્યું કે, રીંગ બનાવી અને પોતાના મળતીયાઓને કામ આપવું એ જ સેમ પ્રોસેસ આ વખતે પણ થઈ હતી. કોંગ્રેસ જે પ્રણાલીથી કામ વર્ષોથી કરતી આવી હતી તે પ્રમાણે હાલ પણ કામ થઈ રહ્યું છે કોઈ ફરક પડ્યો નથી. અમે પ્રમુખ તરીકે તમને સ્વીકારી લીધા પરંતુ ખોટું કરવાની વાત આવશે તો અમે તમને સ્વીકારીશું નહીં. વિચારધારા વિપરીત લોકો બેસી ગયા છે એટલે આવું થાય છે. ટેન્ડરિંગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થાય છે અને મળતીયાઓને કામ મળે છે.
સુરેશગીરીએ આક્ષેપ લગાવતા જણાવ્યું કે, લાખો કરોડોનું કૌભાંડ થાય છે તેમાં કોન્ટ્રાક્ટર પણ કમાય, નેતા પણ કમાય અને જનતા ભીખ માગે. આમાં ભાજપની વિચારધારા વાળો કોઈ નથી કમાતો એક કોર્પોરેટરના દીકરાની ઓફિસમાં બેસી અને ડીલ થાય અને ત્યાં ટેન્ડર ખોલાય છે. નગરપાલિકામાં ખુલવાનું ટેન્ડર કઈ જગ્યાએ ખુલે છે તે સમજવા જેવું છે.