
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ ભારત સહિત વિશ્વભરના લોકોમાં આક્રોશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પહેલગામ હુમલાને યાદ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યું હતું. પોતાના કાર્યક્રમની શરૂઆતમાં જ PM મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે પહેલગામમાં થયેલા હુમલાથી મનમાં ઊંડી પીડા છે.
પહેલગામ હુમલાને લઇને દેશના લોકોમાં આક્રોશ-PM મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા દેશના લોકોમાં જે આક્રોશ છે, તે પુરી દુનિયામાં છે. આ જઘન્ય રીતે કરવામાં આવેલા આતંકી હુમલાની બધાએ ટીકા કરી છે. આખુ વિશ્વ આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં 140 કરોડ ભારતીયોની સાથે ઉભુ છે. PM મોદીએ કહ્યું કે હુમલાના પીડિતોને ન્યાય મળશે.
મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે, 'હું પહેલગામ હુમલાના પીડિત પરિવારોને વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય જરૂર મળશે.' PM મોદીએ વધુમાં કહ્યુ કે, આખુ વિશ્વ આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં 140 કરોડ ભારતીયો સાથે ઉભુ છે. હું પીડિત પરિવારોને ફરી વિશ્વાસ અપાવું છું કે તેમને ન્યાય જરૂર મળશે. ન્યાય મળીને જ રહેશે. આ હુમલાના દોષિતો અને ષડયંત્ર રચનારાઓને કડક જવાબ આપવામાં આવશે.'