
Vedanta: યુએસ શોર્ટ સેલિંગ કંપની વાઇસરોય રિસર્ચના એક રિપોર્ટમાં વેદાંત ગૃપ પર નાણાકીય અનિયમિતતાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ વેદાંત અને હિન્દુસ્તાન ઝિંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
અઢી વર્ષ પહેલાં, હિન્ડનબર્ગ રિસર્ચે અબજોપતિ ગૌતમ અદાણીના સામ્રાજ્યને તોડી પાડવા માટે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગૌતમ અદાણી પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ પછી, અદાણી ગૃપના શેરમાં ભારે ઘટાડો થયો હતો. હવે, અઢી વર્ષ પછી, ફરી કંઈક આવું જ થઈ રહ્યું છે. વધુ એક અમેરિકન શોર્ટ-સેલર, વાઇસરોય રિસર્ચ, હવે બીજી એક મોટી ભારતીય કંપની પર હુમલો કરી રહી છે. આ વખતે, તેણે અનિલ અગ્રવાલના વેદાંત ગૃપ પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
શું છે આખો મામલો ?
આ બધુ દલાલ સ્ટ્રીટની અજાણી ફર્મ વાઇસરોય રિસર્ચ દ્વારા 87 પાનાનો રિપોર્ટ જારી કર્યા બાદ થયું હતું. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વેદાંત લિમિટેડની પેરેન્ટ કંપની વેદાંત રિસોર્સિસ એક "પરોપજીવી"ની જેમ વર્તી રહી છે અને "પોન્ઝી સ્કીમ" ચલાવી રહી છે જેના કારણે સમગ્ર વેદાંત ગૃપ નાદારીના આરે આવી ગયું છે.
વાઇસરોય રિસર્ચે દાવો કર્યો હતો કે આખું વેદાંત ગૃપ આર્થિક રીતે ખરાબ સ્થિતિમાં છે, યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, અને જેમણે તેને પૈસા ઉછીના આપ્યા છે તેમના માટે આ એક ગંભીર પરંતુ અવગણવામાં આવેલું જોખમ છે.તેના જવાબમાં, વેદાંતે દાવાઓને "સનસનાટી ફેલાવવા અને તેની પ્રતિક્રિયાથી લાભ ઉઠાવવા માટે જૂઠા પ્રચારરૂપ" ગણાવ્યા છે.
વાઇસરોય રિસર્ચ કહે છે કે વેદાંત રિસોર્સિસ (વીઆરએલ) ભારે દેવાદાર છે અને તે પોતાનો કોઈ મોટો વ્યવસાય ચલાવતું નથી, જે "પરોપજીવી" તરીકે કાર્ય કરે છે. તેમના મતે, વીઆરએલ ફક્ત વેદાંત લિમિટેડ પાસેથી પૈસા લઈને ટકી રહ્યું છે, જેને તેઓ "ડાયિંગ હોસ્ટ" કહે છે - એટલે કે તે નાણાકીય મુશ્કેલીમાં પણ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વેદાંત રિસોર્સિસ (વીઆરએલ) એક "પરોપજીવી શ્(પેરાસાઇટ)" જેવી છે કારણ કે તેનો પોતાનો કોઈ મોટો વ્યવસાય નથી અને તે ફક્ત વેદાંત લિમિટેડ (વીઇડીએલ) પાસેથી પૈસા લઈને ટકી રહે છે, જે પહેલેથી જ કટોકટીમાં છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે નાણાંનો આ સતત ઉપાડ વીઇડીએલ ના વાસ્તવિક મૂલ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે. વીઇડીએલ એ વીઆરએલ ની લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગમાં લેવાતી મુખ્ય સંપત્તિ હોવાથી, આ વીઆરએલના લેણદારોને પણ જોખમમાં મૂકે છે.
શોર્ટ સેલરે તેની ટિપ્પણીમાં જણાવ્યું છે કે, વેદાંત ગૃપની સ્થાપના જે રીતે કરવામાં આવી છે તે પોન્ઝી સ્કીમ જેવું લાગે છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વેદાંત લિમિટેડ (વીઇડીએલ)માં રોકાણ કરનારા લોકો, જેમાં વેદાંત રિસોર્સિસ (વીઆરએલ) ને નાણાં ઉછીના આપનારા લોકોનો પણ સમાવેશ થાય છે, તેઓ "મૂર્ખ" હતા.
વાઇસરોયના મતે, વેદાંત રિસોર્સિસ વેદાંત લિમિટેડ પર ખૂબ ઊંચા ડિવિડન્ડ ચૂકવવાનું દબાણ કરે છે. ડિવિડન્ડ ચૂકવવા માટે મુક્ત રોકડ પ્રવાહ (ફ્રી કેશ ફ્લો)નો ઉપયોગ કરવાને બદલે,વેદાંતા લિમિટેડ વધુ દેવું લઈ રહ્યું છે, એમ કરીને તે તેની નાણાકીય સ્થિતિ નબળી બનાવી રહ્યું છે. વાઇસરોયનું કહેવું છે કે, આનાથી એક ખતરનાક વિષચક્ર બની રહ્યું છે જેમાં વેદાંતા લિમિટેડસતત નબળી પડી રહી છે. જેનાથી તેની નાણાકીય સ્થિતિ પર સખત દબાણ વધી ગયું છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોતાનું દેવું ચૂકવવા માટે વેદાન્તા રિસોર્સીઝ નિયમિત રૂપથી વેદાન્તા લિમિટેડ પાસેથી ઉધાર લઇ રહી છે અને પોતાની બચત વાપરવા મજબૂર થઇ રહી છે અને તેના કારણે કંપની આર્થિક રીતે નબળી પડી રહી છે.