સુરતના ટેક્સટાઇલ હબ ગણાતા વિસ્તારમાં આજે સવારે ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરત આગની ચપેટમાં આવી ગયું છે. પરવત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં સવારે આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઋતુરાજ માર્કેટના પાંચમા માળે આવેલી દુકાન નંબર 3065થી 3075માં પીન્કેશ ટેક્સટાઈલમાં આગ લાગી હતી. સવારે પોણા સાત વાગ્યે આગ લાગ્યાની માહિતી મળતાં ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.
દૂરથી ધુમાડા દેખાયા
પ્રાથમિક માહિતી મુજબ, આગ બિલ્ડિંગના ઉપરના પાંચમાં માળેથી ફાટી નીકળી હતી. ત્યાં સ્થિત દુકાનમાં કાપડની થપ્પીઓએ તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા. ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આગનું કારણ અકબંધ
આગ લાગવાનું સાચું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે વીજ શોર્ટ સર્કિટને કારણ ગણાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોએ સલામત અંતર રાખવા સૂચના આપવામાં આવી છે.સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કર્મચારીઓ ઘટના સ્થળે હાજર રહી કામગીરીને જહેમતપૂર્વક સંચાલિત કરી હતી.