સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ IIMમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા બે યુવકોને રૂપિયા સાડા પાંચ લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બને યુવકોને બાદશાહ અને અજમલ નામના ડ્રગ્સ સપ્લાયરે IIMના નવા કેમ્પસ પાસે પહોંચીને ફોન કર્યા બાદ એક વ્યક્તિને ડ્રગ્સ પહોંચતુ કરવાની સુચના આપી હતી. ત્યારે આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના ગાંધીનગર સ્થિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

