Mehsana News: મહેસાણામાં ધોળે દહાડે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં લૂંટારુઓ દ્વારા જ્વેલર્સ શોરુમમાં છરી અને નકલી બંદૂક લઈને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહેસાણાના આંબલીયાસણમાં ધોળે દિવસે બે લૂંટારૂ શખ્સોએ ઘૂસી ઘડીકવારમાં તો આતંક મચાવી દીધો હતો. જો કે ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
લૂંટ કરવાના ઇરાદે મોઢે રૂમાલ બાંધી બાઇક લઈને જ્વેલર્સ સુધી પહોંચ્યા અને જવેલર્સ માલિકને ઘાયલ પણ કર્યા, બાદમાં બૂમાબૂમ થતા બંને લૂંટારૂ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. ગત 28 જૂને દિવસ દરમ્યાન આંબલીયાસણ માં અશોક પટેલ જ્વેલરીમાં એકલા બેઠા હતા. તે દરમ્યાન મોઢે રૂમાલ બાંધેલા બે શખ્શો બાઇક લઈને જ્વેલર્સ આગળ પહોંચ્યા હતા અને બંને જ્વેલર્સમાં ધસી આવ્યા. જેમાંથી એકના હાથમાં છરો અને બીજાના હાથમાં બંદૂક જેવું હથિયાર હતું.
કર્મચારી યુવકે બૂમાબૂમ કરતા બંને શખ્શો ભાગી છૂટ્યા
પળભરમાં બંનેએ લૂંટનો પ્રયાસ શરૂ કર્યો અને અશોક પટેલને છરા વડે ઈજાઓ પણ પહોંચાડી, પરંતુ અંદરથી આવેલ કર્મચારી યુવકે બૂમાબૂમ કરતા બંને શખ્શો ભાગી છૂટ્યા હતા. દરમ્યાન સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે લાંઘણજ પોલીસ અને એલસીબી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરતા આ બંને શખ્શો સોલંકી ગિરીશ કિશનભાઇ અને સેનામા હેપ્પી પ્રવિણભાઇની પોલીસે ધરપકડ કરી લીધી છે.
લાંઘણજ પોલીસે આ બંને આરોપીઓની તપાસ કરતા જાણવા મળ્યું કે, કાંકરેજનો 23 વર્ષીય સોલંકી ગિરીશ કિશનભાઇ અને સેનામા હેપ્પી પ્રવિણભાઇ હોવાનું માલુમ પડ્યું છે. તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, આ બંને લૂંટારૂઓ છરો તો અસલી લઈને આવ્યા હતા પરંતુ બંદૂક નકલી લઈને આવ્યા હતા. જાણવા મળેલ માહિતી મુજબ બંને લૂંટારૂઓએ ઓનલાઇન 250 રૂપિયામાં પ્લાસ્ટિકની બંદૂક મંગાવી હતી. અને પ્લાસ્ટિકની બંદૂક લઈને લૂંટ કરવા પહોંચ્યા હતા. ઘટનાના ગણતરીના દિવસોમાં પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે.