
મહેસાણાના દેદીયાસણમાં આવેલી GIDCમાં એક કલર કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ લાગતા મોટાપાયે નુકસાન થયાની ભીતિ છે. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. બીજી તરફ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાના દેદીયાસણ જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી છે. જીઆઇડીસીમાં એક કલર કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં લોકોમા દોડધામ મચી હતી અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ આગની ઘટનાનો કોલ મળતાં મહેસાણા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ એટલી ભયંકર છે કે દૂર દૂર સુધી ધુમાડા ગોટેગોટા જોવા મળ્યા હતા. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદ આસપાસ કેટલાક વિસ્તારમાં આગ ફેલાઇ હતી. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે.