
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી IPL 2025 મેચને કારણે GMRCએ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 2 મે એટલે કે આજે અને 14મી મેના રોજ યોજાનારી મેચને લઈને મેટ્રો ટ્રેન સેવાઓનો વર્તમાન સમય સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. જે રાત્રે 12:30 વાગ્યા સુધીના લંબાવ્યો છે.
મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન 12.30 વાગ્યે ઉપડશે
અમદાવાદમાં હાલ મેટ્રો ટ્રેનનો સમય સવારે 6.20થી લઈને રાત્રિના 10 વાગ્યા સુધીનો છે. પરંતુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આઇપીએલ મેચના કારણે મુસાફરોની સંખ્યા વધી શકે છે. ત્યારે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે હેતુસર રાત્રિના 12.30 સુધી મેટ્રો ટ્રેન ચાલુ રહેશે. જો કે આ પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં બેસી શકાશે. મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના કોઈ પણ સ્ટેશન પર ઉતરી શકાશે. મોટેરા મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેન 12.30 વાગ્યે ઉપડશે.
સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રુપિયા રહેશે. જો કે આ ભાડું રાત્રિના 10 વાગ્યા પછી લાગુ થશે. ત્યાં સુધી નિયમિત ભાડા સાથે મુસાફરો યાત્રા કરી શકશે. રાતના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.