
દાહોદમાં મનરેગા કૌભાંડમાં કૃષિમંત્રી બચુ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી બહાર આવી છે. આ કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં 100 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર 42 હજારની વસ્તી ધરાવતાં જાંબુઘોડા તાલુકામાં છેલ્લાં ચારેક વર્ષમાં મનરેગાના નામે 300 કરોડના કામો થયા હોવાનું બહાર આવ્યુ છે જેમાં સ્થાનિકોને રોજગાર તો મળ્યો નથી બલ્કે માત્રને માત્ર મટીરિયલ જ સપ્લાય કરીને સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરાયુ છે.
કોંગ્રેસની મનરેગા કૌભાંડમાં CBI તપાસની માંગ
આ કૌભાંડમાં પણ સ્થાનિક ભાજપના નેતાઓની સંડોવણી હોવાનું ખુલ્યુ છે. કોંગ્રેસે સમગ્ર પ્રકરણની CBI તપાસ કરવા માંગ કરી છે.મનરેગા યોજના સ્થાનિકોને રોજગાર આપવાની નહીં પણ ભાજપના નેતાઓની કમાણીની યોજના બની રહી છે.
દાહોદ-ભરૂચ બાદ પંચમહાલમાં મનરેગા કૌભાંડ
દાહોદ,ભરૂચ બાદ હવે પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ કટાક્ષ કર્યો કે, જો સૌથી ઝડપી રીતે કુવા,ચેકડેમ, આરસીસી-માટી-મેટલ રોડ કે પછી વિકાસલક્ષી કામો કરવા હોય તો જાંબુઘોડા તાલુકામાં એક આંટો મારવો જોઇએ. ફક્ત 42 હજારની વસ્તી ધરાવતા જાંબુઘોડા તાલુકામાં ચાર જ વર્ષમાં મનરેગા યોજનામાં 300 કરોડનો ખર્ચ કરાયો છે. આ તો માત્ર મનરેગાની વાત થઇ, નાણાપંચ,તાલુકા-જીલ્લા આયોજન, MP-MLA ગ્રાન્ટ, ટ્રાયબલ ગ્રાન્ટ અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટ આ બધાનો સરવાળો કરીએ તો અંદાજે 500 કરોડથી વધુના કામો થયાં છે. મનરેગા કાયદાની જોગવાઇ છે કે, 60 ટકા મજૂરીકામ અન 40 ટકા મટીરીયલ્સ પાછળ ખર્ચ થવો જોઇએ પણ અહીં સ્થાનિકોને રોજગાર આપવાની યોજના ભાજપના નેતાઓની ફાયદાની યોજના સાબિત થઇ છે.
જાંબુઘોડા તાલુકામાં ચાર વર્ષનો ખર્ચ મટીરીયલ પાછળ 200 કરોડ ખર્ચાયા છે ત્યારે 60-40ના રેશિયોને બદલે 22 ટકા રકમ જ મજૂરોને ચૂકવાઇ છે જ્યારે 78 ટકા રકમ મટીરીયલ સપ્લાય કરતી એજન્સીઓને અપાઇ છે. એવો પણ આક્ષેપ કરાયો કે, જીલ્લા ભાજપના પ્રમુખ,પત્નિ,ભત્રીજા, ડ્રાઇવરના નામે જ એજન્સીઓ કાર્યરત છે. આ એજન્સીઓએ ચાર વર્ષમાં 200 કરોડ રૂપિયાનું મટીરીયલ સપ્લાય કર્યું છે. જાંબુઘોડા ગ્રામ પંચાયત, ખાંડીવાવ ગ્રામ પંચાયત, માસબાર ગ્રામ પંચાયત, ખાખરીયા ગ્રામ પંચાયત, કારા ગ્રામ પંચાયત, બીજેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થયા હોવાનું કાગળ પર દર્શાવીને લાખો રૂપિયા ભાજપના સ્થાનિક નેતાઓએ સેરવી લીધા છે તેવો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.
લો બોલો, એક જ વ્યક્તિએ 24 કલાકમાં 256 રૂપિયા મજૂરી લઇ રોડ બનાવી દીધો, 3.80 લાખ ચૂકવી દેવાયાં
જાંબુઘોડા મનરેગા કૌભાંડમાં એવી વાત ઉજાગર થઇ છે કે, મસાબર ગામમાં માટી મેટલ રસ્તાનો એક રોડ બનાવાયો જેમાં 3.80 લાખનું ચૂકવણું કરાયુ હતું.જ્યારે આ રોડ બનાવવા માટે એક મજૂરને માત્ર 256 મજૂરી ચૂકવાઇ હતી. કાગળ પર એવુ દર્શાવાયુ છે કે, 24 કલાકમાં રોડ તૈયાર થયો હતો પણ સવાલ એ છે કે, એક વ્યક્તિ એક જ દિવસમાં આખો રોડ કેવી રીતે તૈયાર કરી શકે? 380 ટન મેટલ પાથરીને એક જ વ્યક્તિ કેવી રીતે આખોય રોડ બનાવી શકે? ખુદ રોડ કોન્ટ્રાક્ટરો પણ આ વાતને માનવા તૈયાર નથી. આ જ પ્રમાણે, અન્ય એક રોડ બનાવવા માટે પણ 3.79 લાખ ચૂકવાયાં છે.
512 રૂપિયામાં બે મજુરોએ બે દિવસમાં કૂવો બનાવી દીધો
જાંબુઘોડામાં કેટલશેડના પણ કામો થયા છે જેમાં 1.04 લાખ ચૂકવાયાં હતા જ્યારે આ કામ પેટે એક મજૂરને 256 મજૂરી ચૂકવાઇ હતી. મનરેગામાં 100 દિવસ રોજગારી આપવાનો નિયમ છે જ્યારે આ કામોમાં એક જ દિવસ માનવિદન રોજગારી અપાઇ હતી. એવી ચોંકાવનારી વાત જાણવા મળી છે કે, કૂવો બનાવવા માટે 2.09 લાખ ચૂકવાયાં હતાં જ્યારે મજૂરોને 512 દાનગી અપાઇ હતી. ચોંકી જવાય તેવી વાત એ છે કે, માત્ર બે દિવસમાં મજૂરોએ કૂવો બનાવી દીધો હતો તેવું કાગળ પર દર્શાવાયુ છે તેમ છતાંય અધિકારીઓએ સવાલ ઉઠાવ્યાં નથી. અન્ય એક કિસ્સામાં પણ એક મજૂરે એક જ દિવસમાં કૂવો બનાવી 256 મજૂરી મેળવી હતી. કોન્ટ્રાક્ટરને કૂવો બનાવવા માટે 1.60 લાખ ચૂકવી દેવાયા હતાં. આમ, ગળે ઉતરે નહીં તેવી હકીકત કાગળ પર દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું છે.
કૌભાંડની CBI તપાસની માંગ, સીટની રચના કરો- કોંગ્રેસ
મહત્ત્વની વાત એ છે કે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જીલ્લા કોંગ્રેસ સમિતિએ રેલી કરીને આવેદનપત્ર આપ્યું પણ હજુ સુધી આ મામલે તપાસ થઇ નથી. કોંગ્રેસે માંગ કરી છે કે, જો મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ થશે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થઇ શકે છે. છેલ્લા 10 વર્ષની મનરેગા યોજનાના તમામ કામોની તપાસ કરવામાં આવે, સમગ્ર કૌભાંડની CBI તપાસ થવી જોઇએ. નવાઇની વાત તો એ છે કે, સ્થાનિક નેતાઓથી માંડીને અધિકારીઓ સંડોવાયેલાં છે ત્યારે સરકારે સીટની રચના સુદ્ધાં કરી નથી.