
Jharkhand Men Stranded in UAE: ઝારખંડના 15 કામદારો યુએઈના અબુ ધાબીમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. આ લોકો ત્યાં કામ કરવા ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેમના માટે પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. જે કંપનીમાં તેઓ કામ કરે છે તે કંપનીએ તેમને ૩ મહિનાથી સેલેરી નથી આપી. આ તમામ લોકોને ટ્રાન્સમિશન લાઈન નાખવા માટે લઈ જવામાં આવ્યા હતા.
આ કામદારોની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેમની પાસે મકાનનું ભાડું અને વીજળીનું બિલ ચૂકવવા તથા ખાવા માટે પણ પૈસા નથી. તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. આ તમામ લોકો ઝારખંડના હજારીબાગ અને ગિરિડીહ જિલ્લાના નિવાસી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે અમને અમારા પરિવાર પાસે પરત લાવવામાં મદદ કરો.
છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળ્યો
આ તમામ કામદારો જાન્યુઆરી 2024માં અબુ ધાબી ગયા હતા. આ લોકોમાંથી એક ચારુમા એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે, 'કામ પર રાખતી વખતે કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, અમારી કંપની 10 વર્ષથી વધુ સમયથી અહીં કામ કરી રહી છે અને વિશ્વસનીય છે. હવે છેલ્લા 3 મહિનાથી અમને પગાર નથી મળ્યો. મકાનમાલિકે અમારું પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને અમને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે.'
બિષ્ણુગઢના 28 વર્ષીય અર્જુન મહતોએ કહ્યું કે, 'આ જ એક કામ છે જે અમે જાણીએ છીએ અને અમને આવડે છે. પરંતુ છેલ્લા ત્રણ મહિના અમારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ક્યારેક-ક્યારેક કોન્ટ્રાક્ટર અમને 600 રૂપિયા આપતો અને આઠ લોકોમાં વહેંચવાનું કહેતો હતો.'
અન્ય એક કામદારે જણાવ્યું કે, 'મારો પરિવાર ખૂબ જ ચિંતિત છે અને મારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છે.' ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા આ કામદારોએ પ્રવાસી અધિકારો માટે કામ કરતા સિકંદર અલીનો સંપર્ક કર્યો. અલીનું કહેવું છે કે હું સતત અધિકારીઓના સંપર્કમાં છું.
ઝારખંડ રાજ્ય સ્થળાંતર નિયંત્રણ ખંડ (SMCR) ના પ્રમુખ શિખા લાકડાએ જણાવ્યું કે, 'વિદેશ મંત્રાલય અને દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંકલન કરીને કામદારોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે.'
વિદેશમાં સારા પૈસા મળે છે
આ તમામ મુશ્કેલીઓમાંથી પસાર થવા છતાં આ પ્રવાસી કામદારો કહે છે કે અમે વિદેશમાં કામ શોધવાનું ચાલુ રાખીશું કારણ કે વિદેશી કંપનીઓ અમને સારા પૈસા આપે છે, તેમાંથી અમે થોડા પૈસા બચાવી શકીએ અને ઘરે મોકલી શકીએ છીએ.