જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ દેશભરમાં લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે તે દરેક મોરચા પર જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આ રણનીતિ હેઠળ ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.
ભારતીય નૌસેનાએ મિસાઇલનું કર્યુ પરીક્ષણ
એક પછી એક અનેક એન્ટી-શિપ મિસાઇલોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને નૌકાદળના સૌથી આધુનિક યુદ્ધ જહાજોએ સંદેશ આપ્યો છે કે ભારત હવે ફક્ત ચેતવણી આપવાના મૂડમાં નહીં પણ સીધી કાર્યવાહીના મૂડમાં છે.
ભારતીય યુદ્ધ જહાજોમાંથી છોડવામાં આવેલી મિસાઇલોએ અત્યંત ચોકસાઈથી તેમના લક્ષ્યોને નષ્ટ કર્યા હતા. આ કવાયત માત્ર એક ટેકનિકલ પ્રદર્શન નહોતું પરંતુ પાકિસ્તાન અને વિશ્વને એક મજબૂત સંદેશ હતો. ભારતની સંરક્ષણ શક્તિ અટલ છે અને તે કોઈપણ દુ:સાહસના પરિણામોનો સામનો કરવા માટે તૈયાર છે. ભારતની આ આક્રમક લશ્કરી તૈયારી જોઈને પાકિસ્તાનમાં ગભરાટ ફેલાયો છે. ત્યાંના વ્યૂહાત્મક વર્તુળોમાં ભય અને ગભરાટનું વાતાવરણ છે.
આ નવું ભારત છે. આતંકવાદીઓને પોષનારાઓએ હવે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. જમીન હોય, પાણી હોય કે આકાશ-ભારત હવે દરેક મોરચે પ્રહાર કરવા સક્ષમ છે. નૌસેના દ્વારા આ શક્તિપ્રદર્શન આ મજબૂત ઇચ્છાશક્તિનો પુરાવો છે.