
સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરી પાસેથી દલાલ હસ્તક માલ લીધા પછી નુકસાન થતાં વેપારીઓએ પંચની હાજરીમાં ચૂકવણું કરી દીધું હતું. જો કે, છતાં કંપનીએ ચેક બાઉન્સ કરાવી કેસ કરતાં વિવાદ થયો છે. વેપારીઓ પત્નીઓ સાથે કંપની સામે ધરણાં પર બેઠા હતા, જેમાં ધારાસભ્ય વિનોદ મોરડિયા અને પ્રવિણ ઘોઘારી જોડાયા હતા.
વેપારીઓને 6 વર્ષ પહેલાં નુકસાન થયું હતું
ધારાસભ્ય વિનોદ મોરડિયાએ કહ્યું કે, વેપારીઓએ કંપની સાથે દલાલ હસ્તક વેપાર કર્યો હતો. પરંતુ 6 વર્ષ પહેલાં નુકસાન થયું હતું, જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચની સામે વેપારીઓ પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે જે કેસ થયા છે તે પરત લેવા જોઈએ. કેસ કરનારા ઘણા ઉદાર છે તેમણે આ કેસમાં પણ થોડી ઉદારતા દાખવીને માનવતાભર્યા નિર્ણયો લેવા જોઈએ.
પતિ-પત્ની બંને સામે કેસ
હીરા ઉદ્યોગમાં આવા કિસ્સા બને છે, જેમાં 30%, 50%, 75% ચુકવણું કર્યા બાદ પૂર્ણવિરામ મૂકી દેવાય છે, પરંતુ અહીં કંપનીને પંચની હાજરીમાં ચુકવણું કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નના કેસ 12 વેપારીઓ સામે કરાયા છે. જે પણ વ્યાપાર થયો તે દલાલ હસ્તક હતો. હવે ચેક રિટર્નના કેસ થયા છે તેમાં પતિ-પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યા છે.