
ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે મોકડ્રિલ યોજાશે.અગાઉ આ મોકડ્રિલ 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સરહદી રાજ્યોમાં યોજાશે મોકડ્રિલ
સિવિલ ડિફેન્સની મોકડ્રિલ યોજાવાની છે તે રાજ્યોમાં ગુજરાત ઉપરાંત જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. અગાઉ આ પ્રકારની મોકડ્રિલ 7મેના યોજાઇ હતી.
શનિવાર સાંજે 5થી 8 દરમિયાન યોજાનારી મોકડ્રિલને 'ઓપરેશન શિલ્ડ' નામ આપવામાં આવ્યું છે જેમાં હવાઇ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવી, હુમલો થાય તો નાગરિકોને પોતાનું રક્ષણ કરવા તાલીમ આપવી, લોકોને સલામત રીતે બહાર કાઢવા, સલામત સ્થળે લઇ જવા, કંટ્રોલ રૂમની કામગીરી સમીક્ષા કરવી, હવાઇ હુમલાની ચેતવણી પ્રણાલીની સતર્કતા તપાસવી જેવા વિવિધ મુદ્દાઓને આવરી લેવાયા છે.
ડ્રોન-મિસાઇલ હુમલો થાય ત્યારે શું કરવું, મિલિટ્રી મથક ઉપર હુમલો થાય તો તેવી સ્થિતિ, ઘાયલો માટે 30 યુનિટ બ્લડ એકત્ર રાખવા જેવી બાબતને પણ આવરી લેવાઇ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મોકડ્રિલનું આયોજન
પાકિસ્તાન સહિત દુશ્મન દેશ અચાનક હુમલો કરે ત્યારે નાગરિકોને સુરક્ષિત રાખવાની તૈયારીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ નિયમત સમય માટે હાથ ધરાશે. જે માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત પોલીસ વગેરેએ સંપૂર્ણ તૈયારી કરી છે. નિયત સમયે સાયરન વાગે એટલે નક્કી થયેલા શહેરો,વિસ્તારોમાં લોકોએ ઘર-ઓફિસની તમામ લાઇટ બંધ કરવી, વાહનોની લાઇટ બંધ કરીને તે સાઇડમાં પાર્ક કરી દઇ ટોટલ બ્લેકઆઉટ કરવાનો રહેશે. ઇમરજન્સી મેડીકલ સેવા જારી રહેશે.
સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, અમરેલી, વેરાવળ, દ્વારકા, જામખંભાળિયા સહિત દરેક સ્થળે અમુક વિસ્તારો પુરતી સુરક્ષા કવાયત યોજવામાં આવશે.