ગુજરાતમાં બહુચર્ચિત BZ પોન્ઝી સ્કિમની જેમ અમદાવાદમાં પણ વધુ એક કૌભાંડ સામે આવી રહ્યું છે. અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં લોકોએ હોબાળો મચાવ્યો છે. યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડની રાજ્યભરમાં અનેક ઓફિસો હતી. જે ધીમે ધીમે બંધ કરી દેવામાં આવી છે. આ સ્કિમમાં ગુજરાતભરમાંથી અનેક લોકોએ મૂડી રોકાણ કર્યું હતું.
છ વર્ષે ડબલ નાણા આપવાની વાત કરી રોકાણ કરાવ્યું
યુનિક મર્કેન્ટાઈલ ઇન્ડિયા લિ. દ્વારા લોકોને છ વર્ષે ડબલ નાણા આપવાની વાત કરી રોકાણ કરાવ્યું હતું. છ વર્ષ ઉપર સમય થવા છતાં રોકાણકારોને નાણા ન આપવામાં આવતા લોકો કંપની શોધતા અમદાવાદ સુધી પહોંચ્યા હતા. અને આશ્રમરોડ ખાતે આવેલી ઓફિસે હોબાળો મચાવ્યો હતો.
વિવિધ શહેરોમાંથી લોકો આવ્યા
લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર કંપની દ્વારા આશ્વાસન અને ધક્કા ખવડાવવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજ્યના વિવિધ શહેરોમાંથી લોકો કંપનીની ઓફિસે આવ્યા હતા. કરોડો રૂપિયા કંપની ચાઉં કરી ગઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય શહેરોના રોકાણકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ સિવાયની અન્ય શહેરોની તમામ ઓફિસો બંધ થઈ ગઈ હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.
200થી વધુ લોકોનો હોબાળો
લોકોને કહેવું છે કે, 6 વર્ષ પછી ઉપર 6 મહિના થવા છતાં હજુ સુધી કંપની પૈસા આપતી નથી. સૌરાષ્ટ્રમાંથી 200 કરતાં વધુ લોકો અમદાવાદ ઓફિસે આવ્યા હતા. વાંકાનેર, જામનગર, ભરૂચ સહિતના વિસ્તારોમાંથી લોકોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. ભરૂચના કંપનીના એજન્ટે પોતે પોતાના 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને તેમણે પોતે પણ અન્ય લોકોના મળીને 6 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરાવ્યું છે.