
આયુર્વેદમાં ''મગ'' શરીર માટે શક્તિવર્ધક છે. જેઠ માસમાં પ્રભુશ્રી જગન્નાથજી, પ્રભુશ્રી બલરામજી, દેવી સુભદ્રાજી ત્રણેય ભાણેજડા મોસાળમાં સહેલ કરવા જાય છે. વધુ સરભરા થતાં તબિયત નાદુરસ્ત થાય છે. આંખો આવે છે. આ રોગને ત્વરીત નાબૂદ કરવા મગ ફણગાવેલા અને જાંબુ આપવામાં આવે છે. મગથી ત્વરીત શક્તિ પ્રદાન થતાં અષાઢી બીજના રોજ શણગાર સજી, રથમાં બેસી નગરચર્યાએ નીકળી પડે છે. સૌ નગરજનોને, ભક્તોને મળી ખબર અંતર પૂછી, ભાવથી આશીષ આપે છે. રથયાત્રામાં ''મગ'' વ્રતનો મહિમા અપાર છે. પ્રભુની આ યાત્રામાં હજારો મણ ફણગાવેલા ''મગ'' પ્રસાદીમાં વહેંચાય છે. આ વ્રતમાં જે લોકો એક વખત મગ અર્પણ કરે છે પછી દર વર્ષે તેમાં વધારો કરી મગ પધરાવે છે. જેમ કે આ વર્ષે યથાશક્તિ મગ અર્પણ કર્યા હોય તો આવતા વર્ષે તેમાં વધારો કરી મગ અર્પણ કરી, ઉત્તરોત્તર દર વર્ષે મગમાં વધારો કરવાનો હોય છે.
અત્રેના જે જે ભક્તોએ વર્ષોથી આ વ્રત શરૂ કર્યું છે તેમના ઉપર પ્રભુની અમીકૃપા થઇ, તેમના સુખની ઝોળીઓ પ્રભુએ ભરી દીધી છે. પ્રભુની રથયાત્રામાં આપેલ મગનું દાન એળે જતું નથી પણ ખેતરમાં થયેલ વાવણી બરોબર છે જેનું અનેક ગણું કરી પ્રભુ કોઇને કોઇ રીતે પરત કરે છે.
''જય શ્રી જગન્નાથજી પ્રભુ''