માઉન્ટ આબુમાં મોટી દૂર્ઘટના બનતા ટળી ગઇ હતી. ખાનગી ટ્રાવેલ્સ બસની બ્રેક ફેલ થતા ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે મોટો અકસ્માત સર્જાતા ટળી ગયો હતો.આ ઘટનામાં પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.
માઉન્ટ આબુમાં બસની બ્રેક ફેલ
માઉન્ટ આબુમાં ગુજરાત ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. માઉન્ટઆબુ ટોલનાકા પાસે બસની બ્રેક ફેલ થતા બસ રિવર્સમાં ધકેલાઇ હતી. જોકે, બસ ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે બસને મોટા પથ્થર સાથે ટકરાવી દેતા બસ ખાઇમાં પડતા બચી ગઇ હતી અને મુસાફરોનો જીવ બચી ગયો હતો.
બસની બ્રેક ફેલ થતા બસ અથડાતા એક મોટું વૃક્ષ ધરાશાઇ થઇ ગયું હતું. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ નજીકથી પ્રસાર થતા પ્રવાસીઓ બસમાં રહેલા મુસાફરોની મદદ માટે દોડી આવ્યા હતા. ટોલનાકાના કર્મચારીઓેએ મુસાફરોને બસમાંથી સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં ચારથી પાંચ જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી.