
મહારાષ્ટ્રના ચર્ચિત નેતા અને NCPના સીનિયર નેતા બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મોટો વળાંક આવ્યો છે. મુંબઇ પોલીસ અનુસાર, આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ જીશાન અખ્તરની કેનેડાની પોલીસે ધરપકડ કરી છે.આ ધરપકડ આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક અને ભારતમાં ફેલાયેલા ગેન્ગસ્ટર ગઠબંધન વિરૂદ્ધ એક મહત્ત્વની સફળતા માનવામાં આવે છે.
જીશાન અખ્તરનું અસલી નામ મોહમ્મદ યાસીન અખ્તર છે અને તે પંજાબના જાલંધરનો રહેવાસી છે. તે પહેલા પણ પંજાબ પોલીસ દ્વારા 2022માં અલગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબર 2024માં મુંબઇના બાંદ્રા વિસ્તારમાં હત્યા બાદ જીશાનનું નામ મુખ્ય ષડયંત્રકર્તા તરીકે સામે આવ્યું હતું.
લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સાથે કનેક્શન
પોલીસ તપાસ અનુસાર, જીશાન કુખ્યાત ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇનો સહયોગી છે. કહેવામાં આવે છે કે તે જેલમાં બંધ રહેતા જીશાનની મુલાકાત તે ગેન્ગના શૂટર ગુરમેલ સિંહ સાથે થઇ હતી. જેલમાં જ બન્નેએ હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું. જીશાનને હત્યાના અસાઇનમેન્ટની જવાબદારી આપવામાં આવી હતી.
હત્યાની યોજના અને ભૂમિકા
મુંબઇ પોલીસ અનુસાર, મે 2024માં જીશાન અને તેના સાથી શુભમ લોકરને હત્યાની યોજના બનાવવાની જવાબદારી આપવામાં આવી હતી. જીશાને ત્રણ શૂટર-ધર્મરાજ કશ્યપ, ગુરમેલ બલજીત સિંહ અને શિવકુમાર ગૌતમને મુંબઇમાં રોકાવા અને હથિયાર આપવાનું કામ કર્યું હતું. હત્યાના એક મહિના પહેલા જ તે મુંબઇ છોડીને જતો રહ્યો હતો જેથી કોઇને શક ના થાય.
પહેલા પણ ક્રાઇમની ઘટનામાં સામેલ હતો જીશાન
જીશાન અખ્તર પર જાલંધરમાં કેટલાક ગુનાહિત કેસ નોંધાયેલા છે. બાબા સિદ્દિકીની હત્યામાં સામેલ આ વાતને વધુ મજબૂત કરે છે કે તે ભારત અને વિદેશોમાં સક્રિય સંગઠિત ગુનાહિત ગ્રુપનો ભાગ છે.
હવે ભારત લાવવાની તૈયારીમાં તપાસ એજન્સી
કેનેડામાં જીશાન અખ્તરની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ તેના સમર્પણ માટે કાયદાકીય પ્રક્રિયામાં જોડાઇ છે. આ કેસ માત્ર હત્યાનો નથી પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો પણ માનવામાં આવે છે માટે ભારતીય એજન્સીઓ આ ઘટનાને ગંભીરતાથી આગળ વધારી રહી છે.
બાબા સિદ્દિકીની છબી એક શાંત અને જનપ્રિય નેતાની રહી છે. જીશાનની ધરપકડ બાદ હવે આ કેસમાં નવા ખુલાસા થવાની આશા છે.