
પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી
હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈના પત્ની ચતુરાબેન પાંચેક વર્ષ પહેલાં બિમારીથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પુત્રીના લગ્ન થઈ ગયા છે. હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા. ગઈકાલે રાત્રે સાડા દસેક વાગ્યે તેમના મકાનમાંથી ધુમાડા નિકળતા જોઈ પાડોશીઓએ નજીકમાં રહેતાં તેમના સગા-સંબંધીઓને જાણ કરી હતી. જેથી તમામ દોડી આવ્યા હતા. આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડયા હતા.
માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીનો ભાગ દાઝી ગયો
માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીનો ભાગ દાઝી ગયો હતો. જેના પરથી પોલીસે એવું તારણ કાઢયું છે કે મનસુખભાઈને હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા તેમની લાશ સળગાવી દીધી હશે. મનસુખભાઈને ૧૦૮ના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં ગાંધીગ્રામ-ર પોલીસ સ્થળ પર પહોંચી હતી. આજે સિવીલમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મોડી સાંજે પોલીસે મૃતકના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.પ૬, રહે. કૈલાશ પાર્ક-૩, રણુંજા મંદિર પાછળ)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
જાણ થતાં ડીસીપી જગદિશ બાંગરવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મકાનમાંથી પ્રાથમિક તપાસમાં કોઈ મત્તાની ચોરી કે લુંટ નહીં થયાનું બહાર આવ્યું છે. જે તિજોરી હતી તે સલામત હતી. આ સ્થિતિમાં હત્યા ખરેખર ચોરી કે લુંટના ઈરાદે થઈ છે કે કેમ તે બાબતે પોલીસ હજુ કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ચોરી કે લુંટના ઈરાદા સહિતની તમામ થિયરીઓ ઉપર તપાસ ચલાવવામાં આવી રહી છે. ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા નથી. થોડે દુર કેમેરા છે. જેની મદદ ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી તપાસ કરવામાં આવી રહી છે. હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈ નાણા ધીરધારનું પણ કામ કરતા હતા. આ એંગલ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે.