
મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. ટ્રમ્પ પ્રશાસનના અલગ થયા બાદ હવે બંને વચ્ચેનો મતભેદ આખી દુનિયાની સામે આવી ગયો છે. હવે તો એવું લાગી રહ્યું છે જાણે મસ્ક નવી પાર્ટી બનાવવા માટે વિચાર કરી રહ્યા છે. મસ્કે આ વિશે લોકોન પ્રશ્ન કરતા અમેરિકાનું રાજકારણ ગરમાયું છે. તેમણે લોકોને પોલ દ્વારા પૂછ્યું કે, શું અમેરિકામાં નવી પાર્ટીની જરૂર છે? આ સિવાય મસ્કે ટ્રમ્પ પર નિશાનો સાધ્યો અને તેમના બિગ બ્યૂટીફુલ બિલની આકરી ટીકા કરી. આ સિવાય એ પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, ટ્રમ્પ મારા વિના ચૂંટણી જીતી જ ન શકત.
મસ્કે દાવો કર્યો કે, 'જો હું ન હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જાત. ડેમોક્રેટ્સ હાઉસ પર કબ્જો કરી લેતા અને સિનેટમાં રિપબ્લિકન ફક્ત 51-49થી જીતતા. ' મસ્કની ટ્રમ્પ માટેની આ સૌથી તીખી ટિપ્પણી માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પની જૂની પોસ્ટને લઈને પણ કટાક્ષ કર્યો. તેમણે 2013માં ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટને રિપોસ્ટ કરતા લખ્યું, 'એકદમ બરાબર કહ્યું.' આ પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું હતું કે, 'મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, રિપબ્લિકન દેવાની મર્યાદા વધારી રહ્યા છે, હું ખુદ રિપબ્લિકન છું અને મને શરમ આવી રહી છે.'
મસ્ક પર ટ્રમ્પના પ્રહાર
આ દરમિયાન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, 'મને મસ્કથી નિરાશા છે. ઈલોન મસ્ક હવે વ્હાઇટ હાઉસમાં ન હોવાના કારણે પરેશાન છે અને કદાચ તેમને ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું છે.' ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'ઈલોન અને મારી વચ્ચે સારો સંબંધ હતો, પરંતુ હવે ખબર નથી, હું ચોંકી ગયો છું.'
જોકે, મસ્કે ટ્રમ્પની આ વાતનો ઈનકાર કર્યો કે, તેમણે બિલને પહેલાં જ જોયું હતું. મસ્કે કહ્યું કે, મેં આ બિલ ક્યારેય નથી જોયું અને રાતોરાત આટલી ઝડપથી પાસ કરી દેવામાં આવ્યું કે, કોંગ્રેસના મોટાભાગના સભ્યો તેને વાંચી પણ નથી શક્યા.
ટ્રમ્પે કહ્યું કે, 'બિગ, બ્યૂટીફૂલ બિલ' તેમના ઘરેલું એજન્ડાનો મુખ્ય ભાગ છે, જેમાં ટેક્સમાં કાપ અને ખર્ચમાં કમીનું વચન આપવામાં આવ્યું છે. પરંતુ, તેની અસર એ પણ થશે કે, આવનારા દસ વર્ષોમાં નુકસાન 2.4 ટ્રિલિયન ડૉલર સુધી વધી જશે અને આશરે 1.9 કરોડ લોકો સ્વાસ્થ્ય વીમાથી વંચિત થઈ જશે. આ આંકડો અમેરિકન કોંગ્રેસની બજેટ સમિતિએ જાહેર કર્યો છે, જે એવા બિલનું સત્તાવાર રીતે વિશ્લેષણ કરે છે.