વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સંસદ દ્વારા પસાર કરાયેલા વકફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ, 2025ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે. તેમજ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ના કાયદા માટે પણ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. બંને કાયદાને પગલે ગુજરાત સહિત દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે એવામાં અમદાવાદમાંથી પણ આ કાયદાને અનુલક્ષીને નાગરિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિરોધ પ્રદર્શન પહેલાં જ પોલીસે લગભગ 10 લોકોની કરી અટકાયત
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા વક્ફ બિલ અને યુસીસી કાયદાનો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. જો કે, જાહેર રસ્તા પર વિરોધ કરવા આવેલા લોકોની પોલીસે અટકાયત કરી છે. શુક્રવારની નમાજ પછી બપોરે 2 વાગ્યે વક્ફ બિલ અને યુસીસી કાયદા સામે વિરોધ પ્રદર્શન થવાનું હતું, પરંતુ તે પહેલાં જ પોલીસે લગભગ 10 લોકોની અટકાયત કરી હતી. પોલીસે વિરોધ પ્રદર્શનની પરવાનગી આપી ન હતી, જેના કારણે પોલીસે વિરોધ શરૂ થાય તે પહેલાં જ લગભગ 10 લોકોની અટકાયત કરી હતી.