
તેલંગાણામાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એન. રામચંદ્ર રાવની નિમણૂક થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આજે સાંજ અથવા કાલે સવારે એટલે કે ૧ જુલાઈ સુધીમાં તેની જાહેરાત થઈ શકે છે. મળતી માહિતી મુજબ પ્રદેશ પ્રમુખ પદ માટે એકલા એન. રામચંદ્ર રાવે જ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે રવિવારે પ્રદેશ પ્રમુખની પસંદગી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આજે સોમવારે બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો સ્વીકારવામાં આવશે. ત્યાર પછી 4થી 5 વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો સમય નક્કી કરાયો છે. એ પછી બાકીના ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ તેલંગાણા બીજેપી અધ્યક્ષ માટે રામચંદ્ર રાવ એકલાએ જ ઉમેદવારીપત્ર ભર્યું છે. એટલે તેમના પ્રમુખ બનાવાનું નિશ્ચિત માનવામાં આવે છે.
RSSના જૂના કાર્યકર
RSSના જૂના કાર્યકર રામચંદ્ર રાવ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. વ્યવસાયે વકીલ એન. રામચંદ્ર રાવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી નેતા તરીકે કામ કરી ચૂક્યા છે. 1985 માં તેમની કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી અને 2014 માં તેઓ બાર કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય પણ બન્યા હતા. અવિભાજિત આંધ્રપ્રદેશમાં તેઓ રાજ્યના મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. તેમને સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે
રામચંદ્ર રાવના નામ પર સર્વસંમતિ બની હોય તેવો માહોલ
તેલંગાણામાં પ્રદેશ પ્રમુખ પદની રેસમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ઇ. રાજેન્દ્ર અને ડી. અરવિંદનું નામ પણ વિચારવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે રામચંદ્ર રાવના નામ પર સર્વસંમતિ બની રહી હોય તેવું લાગે છે. તેઓ જી. કિશન રેડ્ડીની જગ્યા લેશે. તેલંગાણાના પ્રદેશ પ્રમુખની ચૂંટણી સાથે ભાજપે તેના રાષ્ટ્રીય પ્રમુખ નક્કી કરવા તરફ એક વધુ પગલું ભર્યું છે.
જો યુપી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થાય તો ભાજપ રાષ્ટ્રીય નેતૃત્વમાં ફેરફાર કરશે. જેપી નડ્ડાનો કાર્યકાળ સતત લંબાઈ રહ્યો છે. ઓગષ્ટ પહેલા તે નક્કી કરી દેવામાં આવશે.જણાવી દઈએ કે, જી. કિશન રેડ્ડી હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે. આવી સ્થિતિમાં તેમને પ્રમુખ પદ પરથી હટાવવાનું નિશ્ચિત માનવામાં આવતું હતું અને તેમના સ્થાને શોધ કરવામાં આવી રહી હતી.
કોણ છે એન. રામચંદ્ર રાવ
66 વર્ષીય એન. રામચંદ્ર રાવ વ્યવસાયે વકીલ છે. તેઓ તેલંગાણા વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ રાજ્યમાં સભ્યપદ અભિયાનના પ્રભારી પણ હતા. રાવે અને તેઓ વૈચારિક રીતે પણ ખૂબ જ પરિપક્વ માનવામાં આવે છે. તેમનો પુત્ર અવનીશ પણ તેલંગાણા હાઇકોર્ટમાં વકીલ છે, જ્યારે પુત્રી અમુક્તા ઓસ્ટ્રેલિયામાં આઇટી ક્ષેત્રમાં કાર્યરત છે.