
દિવ્યાંગજનો અને માનવસેવા માટે ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા, શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કુલના સહયોગથી, ગુજરાતના દિવ્યાંગો માટે 11 મે, રવિવારના રોજ સુરતમાં નિ:શુલ્ક "નારાયણ લિમ્બ અને કેલિપર્સ ફિટમેન્ટ કેમ્પ"નું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ મહારાજા અગ્રસેન ભવન, સિટી લાઈટ, ખાતે સવારે 8:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન અગાઉથી પસંદ કરાયેલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ અને કેલિપર્સ આપવામાં આવશે અને તે સંપુર્ણપણે નિઃશુલ્ક રહેશે.
જર્મન ટેક્નોલોજીથી બન્યા છે લિમ્બ
નારાયણ સેવા સંસ્થાના સુરત શાખા પ્રભારી અને કેમ્પ સંયોજક અચલસિંહ ભાટીએ કહ્યું કે, ‘સંસ્થાએ છેલ્લા 40 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને તેમના પોતાના શહેર કે નજીકના સ્થળે સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નો કર્યા છે. આ જ કેમ્પ હેઠળ નારાયણ સેવા સંસ્થાએ 23 ફેબ્રુઆરીએ સુરતમાં નિઃશુલ્ક લિમ્બ મેજરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 500થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 379 દર્દીઓ એવા હતા જેમણે રોડ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટનામાં હાથ કે પગ ગુમાવ્યા હતા. આ દર્દીઓને પસંદ કરીને સંસ્થાએ નારાયણ લિમ્બ માટે કાસ્ટિંગ અને માપ લીધા હતા.આ 379 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલા નારાયણ લિમ્બ ફિટ કરીને, તેમને નવી જિંદગી આપવામાં આવશે.’
40 સભ્યોની ટીમ સેવા આપશે
આગામી 11 મેના રોજ સુરતના મહારાજા અગ્રસેન ભવન ખાતે યોજાનાર નારાયણ લિમ્બ ફિટમેન્ટ કેમ્પના પ્રચારાર્થે આજે કેમ્પના આયોજકો તથા ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન હરીશભાઈ પટેલ, શાખા પ્રભારી અચલસિંહ ભાટી અને ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ દ્વારા કેમ્પનું ઓફિશિયલ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.ચેરમેન હરીશભાઈ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેમ્પમાં આવતા તમામ દિવ્યાંગો માટે સંસ્થા તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. લિમ્બ ફિટમેન્ટ બાદ તેમને ચાલવાની અને નવી રીતે જીવન જીવવાની તાલીમ પણ આપવામાં આવશે. આ માટે સંસ્થાની 40 સભ્યોની વિશિષ્ટ ટીમ તત્પર રહેશે. કેમ્પમાં સુરતના 100થી વધુ સામાજિક કાર્યકરો અને પ્રખ્યાત નાગરિકો પણ હાજરી આપશે. સંસ્થાએ જનતાને અનુરોધ કર્યો છે કે, જે કોઈ વ્યક્તિ દિવ્યાંગોને મદદ કરવાની ઈચ્છા ધરાવતા હોય તે આ સેવા યજ્ઞમાં જોડાઈને સહયોગી બની શકે છે. પટેલે જણાવ્યું કે, ‘અમે શિક્ષણ ક્ષેત્રે પણ સેવા આપી રહ્યા છીએ અને આ લિમ્બ કેમ્પ દ્વારા દિવ્યાંગોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયત્નો કરીશું. સંસ્થાના સહયોગથી ભવિષ્યમાં પણ આવા કેમ્પો સતત આયોજિત કરતા રહીશું."