
પહેલગામમાં આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને નષ્ટ કર્યા છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પાકિસ્તાનના નામથી GCAને ઇમેલ મળ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી મળતા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન)ને પાકિસ્તાનના નામથી ઇમેલ મળ્યો હતો જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખેલો મેઇલ GCA સ્ટેડિયમને મળ્યો હતો. મેઇલ કોણે મોકલ્યો તેને લઇને સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી હતી. આ ધમકી મળતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. તે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો, બોમ્બ સ્કવોર્ડ-ડોગ સ્કવોર્ડ સાથે સ્ટેડિયમમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
IPLમાં ગુજરાત ટાઇટન્સનું હોમગ્રાઉન્ડ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારે IPL 2025ની મેચ રમાઇ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમગ્રાઉન્ડ છે. હવે આ સ્ટેડિયમમાં 14 મેએ લખનૌ સુપરજાયન્ટ સામે ગુજરાત ટાઇટન્સની મેચ રમાશે જ્યારે 18 મેએ ચેન્નાઇ સુપરકિંગ્સ સામે અંતિમ મેચ રમાશે.