છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાતની વાતો પોકળ સાબિત થતી હોય તેવી ઘટના સામે આવી છે. નસવાડી તાલુકાના ખેંદા ગામમાં વિકાસની ખોટી હકીકત ફરી એકવાર સામે આવી છે. ગામના કાચા રસ્તાઓની ખરાબ હાલતને કારણે એક સગર્ભા મહિલાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ રસ્તો એટલો ખરાબ હતો કે જીપ ચઢી ન શકી.
આખરે સગર્ભાને ઝોળીમાં ઉંચકીને લઈ જવી પડી અને ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને લઈ જવામાં આવી હતી. આ ગામના કાચા રસ્તાઓ પર અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે, છતાં પંચાયત અને આર એન્ડ બી વિભાગ રસ્તાની કામગીરી કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગ્રામજનોમાં રોષ ફેલાયો છે, અને તેઓ આદિવાસી વિસ્તારના આ મૂળભૂત પ્રશ્નના ઉકેલ માટે તંત્ર પાસે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.