
ન્યુરાલિંકની નવી બ્રેઈન ચીપ માટે હવે હ્યુમન ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇલોન મસ્કની કંપનીને આ મંજૂરી આપવામાં આવી છે. આ ચીપ દ્વારા ન્યુરાલિંક બોલવામાં તકલીફ ધરાવતા અથવા બીમારીના કારણે બોલી ન શકતા લોકોને ફરીથી બોલવાની શક્તિ આપી શકે છે.
ન્યુરાલિંકની નવી સિદ્ધિ
થોડા અઠવાડિયા પહેલાં જ ન્યુરાલિંકે એક મોટી સફળતા મેળવી હતી. કંપનીએ પોતાની "Blindsight" ચીપ એક વ્યક્તિમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી, જેના કારણે તે વ્યક્તિ ફરીથી દૃષ્ટિ મેળવી શક્યો. હવે નવી બ્રેઈન ચીપની હ્યુમન ટ્રાયલ જલ્દી શરૂ કરવામાં આવશે.
હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી
સોશિયલ મીડિયા પર ન્યુરાલિંકે જાહેરાત કરી કે તેમને FDA દ્વારા હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી મળી છે. બોલવામાં તકલીફ ધરાવતા લોકો પર આ ચીપની અસરનું નિરીક્ષણ કરવા માટે પરીક્ષણ કરવામાં આવશે. આ ચીપ જીવન બચાવનારી ટેકનોલોજી ગણવામાં આવી રહી છે, કારણ કે જે સારવાર અથવા ઓપરેશનથી શક્ય ન હોય, તે હવે આ ચીપ દ્વારા શક્ય બનશે.
કેવી વ્યક્તિઓ પર કરવામાં આવશે ટેસ્ટ?
આ ચીપ એમિઓટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ (ALS), સ્ટ્રોક, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, સેરેબ્રલ પલ્સી, મલ્ટીપલ સ્કલેરોસિસ અને અન્ય ન્યુરોલોજિકલ વિકાર ધરાવતા લોકો માટે ઉપયોગી સાબિત થશે. આ તમામ બીમારીઓમાં મગજ તો કાર્યરત રહે છે, પણ બોલવાની અથવા હલનચલન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આથી મગજથી અવયવ સુધી ચોક્કસ સંકેતો નથી પહોંચતા.