
મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડવા લાગ્યો છે. વૈશ્વિક મોરચે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્વ અને રશીયા-યુક્રેન બાદ ઘરઆંગણે ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી સર્જાતા રોકાણકારોના વિશ્વાસ પર અસર જોવા મળી છે. આ વોલેટીલિટીના કારણે મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં પણ નવો રોકાણકાર વર્ગ સાવચેત બનતા રોકાણકારોની સંખ્યા મર્યાદિત બનવા લાગી છે.
તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતા નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે. એપ્રિલ 2025માં મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) માં નવા રોકાણકારોમાં ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા 22 મહિનામાં સૌથી ઓછો છે.
છેલ્લા 12 મહિનામાં રોકાણકારોની સંખ્યામાં દર મહિને સરેરાશ 9,60,000નો વધારો નોંધાયો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) મુજબ આ યુનિક રોકાણકારોની કુલ સંખ્યા ગણતરીમાં લેવાઈ છે. એપ્રિલ 2025ના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ 5.46 કરોડ યુનિક રોકાણકારોની સંખ્યા ધરાવે છે.
આ સાથે ડિમેટ એકાઉન્ટોની સંખ્યામાં પણ ઉમેરો એપ્રિલમાં 23 મહિનાની નીચી સપાટીએ માત્ર 20 લાખ જેટલો થયો છે. નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્ત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ હોવાનું ઉદ્યોગ અગ્રણીનું માનવું છે.
એપ્રિલ મહિનામાં માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં 171 કરોડ રૂપિયા એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ 350 કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકમાં 25 લોન્ચ અને દર મહિને સરેરાશ 6000 કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) થકી રોકાણ પ્રવાહ એપ્રિલમાં 26,632 કરોડ રુપયાની નવી ટોચે નોંધાયો હતો.