
ચેરીયાના જંગલોનો વિસ્તાર ઘટી રહ્યો હોવાથી રાષ્ટ્રીય માન્યતા ધરાવતા કચ્છના ખારાઈ ઊંટોની સંખ્યા ઘટી રહી છે. આ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ 9 જુલાઈના ફરીથી સુનાવણી કરશે.
કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ એમ બે પ્રકારના ઊંટ જોવા મળે છે. જેમાં કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા મળી છે. કચ્છ જીલ્લામાં જોવા મળતા ખારાઈ ઊંટ રણમાં નહિ પરંતુ દરિયાના પાણીમાં તરવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. કચ્છના ભચાઉ અને વોંધ વિસ્તારમાં ચેરીયાનું નિકંદન થઈ રહ્યું છે. ચેરીયાના જંગલોનો વિસ્તાર ઘટવાના કારણે ખારાઈ ઉંટની સંખ્યા પણ ઘટી રહી છે.
આ મામલે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠને NGT સમક્ષ ફરિયાદ કરી હતી. ચેરીયાના જંગલનો વિસ્તાર 2018માં 4,084 હેકટરમાંથી ઘટીને 2023માં 1,312 હેકટર રહ્યો છે, જ્યારે નમક ઉત્પાદન વિસ્તાર 2018માં 13,681 હેકટર વધીને 2023માં 17,918 હેકટર થયો છે. 2018ની સંયુક્ત તપાસ રિપોર્ટ અનુસાર 750 એકર જમીનમાં ચેરીયાનો વિનાશ નોંધાયો હતો. ગેરકાયદેસર કુદરતી પાણીનું વહેણ પાળા બાંધીને રોકવા અંગે અને ચેરીયાના નિકંદન મામલે NGT દ્વારા નમકના કારખાના પર રોક લગાવવા આદેશ કર્યો હતો, તેમ છતાં આદેશનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે મીઠાની લીઝ રદ કરવા અને ચેરીયા પુનઃ સ્થાપન માટે સંયુક્ત મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવે તેવી માંગ ટ્રીબ્યુનલ સમક્ષ કરાઇ છે.
આ મામલે NGT 9 જુલાઈના રોજ કરશે સુનાવણી
ચેરીયાના જંગલોના નિકંદન મામલે NGT 9 જુલાઈના રોજ ત્રીજી સુનાવણી કરશે. ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક ચેરિયાના ઝાડ છે. નમકના કારખાનાના કારણે ચેરિયાના જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, જેના કારણે ખારાઈ ઊંટની સંખ્યા ઘટી રહી છે.