
મંગળવારે, સેન્સેક્સ ૧,૧૦૦ પોઈન્ટથી વધુ વધીને ૮૩,૦૦૦ પોઈન્ટને પાર કરી ગયો હતો, પરંતુ ઇરાન ઇઝરાયલ યુધ્ધ વિરામ ભંગના સમાચારો પાછળથી બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સે વધારો ગુમાવ્યો અને સેન્સેક્સ માત્ર ૧૫૮ પોઈન્ટના વધારા સાથે બંધ થયો. છેલ્લે બંને બેન્ચમાર્ક સૂચકાંકો નજીવો વધારા સાથે બંધ થયા.
ટ્રમ્પની જાહેરાત બાદ તેજી
મંગળવારે (24 જૂન) ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયા, જ્યારે ઈરાન-ઈઝરાયલે કરારનું ઉલ્લંઘન કર્યું હોવાના અહેવાલો મળ્યા, જેના થોડા કલાકો પછી જ. દિવસના વેપાર દરમિયાન, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ 1.25% વધ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રાતે એક મોટી જાહેરાત કરતાં શરૂઆત તેજી સાથે થઇ હતી. તેમણે કહ્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે હવે 'સંપૂર્ણ અને કાયમી' યુદ્ધવિરામ છે. જોકે, આ જાહેરાતના થોડા કલાકોમાં જ, ઈઝરાયલ અને ઈરાનમાં હુમલાના અહેવાલો આવ્યા, જેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.
૩૦ શેરોવાળો બીએસઈ સેન્સેક્સ આજે ૬૦૦ પોઈન્ટના ઊંચા ગેપમાં ૮૨,૫૩૪.૬૧ ના લેવલ પર ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન તેમાં ૧૧૦૦ પોઈન્ટનો વધારો થયો. અંતે, તે ૧૫૮.૩૨ પોઈન્ટ અથવા ૦.૧૯% વધીને ૮૨,૦૫૫.૧૧ પર બંધ થયો.એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ 25,179.90 પર મજબૂત શરૂઆત સાથે ખુલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,317.70 પોઈન્ટ પર ઉછળ્યો. અંતે, તે 72.45 પોઈન્ટ અથવા 0.29% ના વધારા સાથે 25,044.35 પર સ્થિર થયો.
ટોપ ગેનર્સ અને લૂઝર્સ
નિફ્ટી 50 ઇન્ડેક્સમાં અદાણી પોર્ટ્સ, જિયો ફાયનાન્સિયલ સર્વિસીઝ, શ્રી રામ ફાઇનાન્સ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અને ટાટા સ્ટીલના શેરો 2.89 ટકાના સુધારા સાથે ટોપ ગેનર્સમાં રહ્યા હતાં. બીજી તરફ, નિફ્ટી ૫૦ પેકમાં ઓએનજીસી, ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ કોર્પ, ટ્રેન્ટ અને HCL ટેક સૌથી વધુ લુઝર હતા, જેમાં ૨.૯૦ ટકા સુધીનો ઘટાડો થયો હતો.
સેક્ટરલ મોર્ચા પર શરૂઆતના કામકાજમાં નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ એક ટકાથી પણ વધારે સુધર્યો હતો. જો કે પાછળથી વેચવાલી હાવી થતાં તે લાલ નિશાન સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો. તે 1.39% વધ્યો. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ, મીડિયા અને આઇટી ઇન્ડેક્સ સિવાય, બધા ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા.
ઇરાન ઇઝરાયલની વચ્ચે સીઝ ફાયર
સોમવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે એક ચાંકાવનારી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હવે "સંપૂર્ણ અને કાયમી" યુદ્ધવિરામ છે. તેમણે તેને "૧૨ દિવસના યુદ્ધનો અંત" ગણાવ્યો અને કહ્યું કે અમેરિકાએ આ કરાર કર્યો છે. ટ્રમ્પના મતે, આ કરાર મંગળવાર રાત (અમેરિકન સમય) થી શરૂ થશે. અગાઉ, ઈરાને ૧૨ કલાક માટે યુદ્ધવિરામ રાખવો પડ્યો હતો.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો પણ વધારા સાથે બંધ થયા. મિડકેપ સૂચકાંક 0.56 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ સૂચકાંક 0.71 ટકાના વધારા સાથે બંધ થયા.
ક્યા શેરોમાં ઉથલપાથલ જોવા મળી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવમાં નરમાઇની વચ્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી. પરંતુ, અપસ્ટ્રીમ કંપનીઓના શેર પર દબાણ હતું. સસ્તા ક્રૂડ ઓઇલની સકારાત્મક અસર પેઇન્ટ અને એરલાઇન શેરો પર જોવા મળી. ઇન્ડિગો 3% ના વધારા સાથે બંધ થયો. ટેલિકોમ મંત્રીના નિવેદન પછી, વોડાફોન આઈડિયામાં 5% થી વધુનો વધારો જોવા મળ્યો.
આજે સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ સૌથી વધુ 9% અને HAL 3% ઘટીને બંધ થયા. ડીલ કન્વર્ઝન રેટ અપેક્ષા કરતા ધીમો હોવાને કારણે KPIT ટેક 6% ઘટીને બંધ થયા. SBI કાર્ડમાં 3% નો વધારો જોવા મળ્યો. મે મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ ખર્ચમાં બજાર હિસ્સો વધ્યો છે.
બોર્ડ દ્વારા રૂ. 250 કરોડના રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપ્યા બાદ એસ્ટેક લાઇફ 13%ના વધારા સાથે બંધ થયો. પશ્ચિમ બંગાળમાં ક્ષમતા વિસ્તરણની યોજના બાદ અંબુજા સિમેન્ટ્સ 4%ના વધારા સાથે બંધ થયો. જેએસપીએલ અને પેજ ઇન્ડસ્ટ્રીઝ 2% વધ્યા.
એશિયન બજારોમાં ઉછાળો
ઇઝરાયલ અને ઈરાનમાં યુદ્ધવિરામની જાહેરાત પછી, એશિયન શેરબજારોમાં 2.5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 2.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જ્યારે તાઇવાનમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 1 ટકાથી વધુ વધ્યો. હેંગ સેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સ લગભગ 0.7 ટકા વધ્યા. યુદ્ધવિરામના સમાચાર પહેલાં સોમવારે યુએસ શેરબજારો મજબૂત હતા. ડાઉ જોન્સ, નાસ્ડેક અને એસ એન્ડ પી 500 માં લગભગ 1 ટકાનો વધારો નોંધાયો.
ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇ
ઇરાન અને ઇઝરાયેલની વચ્ચે સીઝ ફાયરની વાત વચ્ચે ક્રુડ ઓઇલના ભાવમાં ઘટાડૌ થયૌ હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ભારત માટે રાહતદાયક રહેશે. ભારત તેની તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે આયાત પર ખૂબ નિર્ભર છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ ફુગાવાને વેગ આપી શકે છે અને રાજકોષીય ખાધમાં વધારો કરી શકે છે.
સોમવારે બજારની ચાલ કેવી રહી?
મધ્ય પૂર્વના દેશો વચ્ચે તનાવની સ્થિતિની વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઇઆઇની વેચવાલીના દબાણમાં બેન્ચ માર્ક નિફ્ટી અને સેન્સેક્સમાં સોમવારે 0.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, જૂન મહિનામાં ૫૦ શેરોના નિફ્ટી-૫૦ ઇન્ડેક્સમાં લગભગ ૧%નો વધારો થયો છે. સેન્ટ્રલ બેંક દ્વારા નીતિગત પગલાં હળવા કરવા અને મજબૂત સ્થાનિક વૃદ્ધિની સંભાવનાઓને કારણે તે સતત ચોથા મહિને પણ તેજીમાં રહી શકે છે.