
- એક જ દે ચિનગારી
- 'બાળકોને બધું જ આપજો, પણ તમારા વિચારો તેના પર ન લાદશો'
દેવ મંદિરની જેમ ઘર પણ એક દેવાલય છે, શિવાલય છે. શિવાલયમાં શિવ પણ પૂજ્ય પિતા અને માતા પાર્વતી પણ વંદનીય. ગણપતિદેવ પણ પૂજ્ય અને રિધ્ધિ-સિધ્ધિ તેમજ લાભ, શુભ, અને નંદી પણ વંદનીય.
ઘરનું સંચાલન પણ ધર્મ કાર્ય છે. પરિવાર એ પરમાત્માએ સોંપેલી જવાબદારી છે.
પિતા તરીકે, આપના શબ્દોમાં પપ્પા તરીકે તમારું સ્થાન મોભાનું, કબૂલ, પણ એ મોભો 'શાસક' કે સરમુખત્યાર તરીકે સુરક્ષિત ન રહે, તે જોવાનું. ધર્મગુરુની અદાથી સંતાનો માટે ઉપદેશકની ભૂમિકા ભજવો એ પણ આવકાર્ય નથી. આમ કરવાથી તમે પ્રીતિપાત્ર ન બની શકો. ઘરના વડીલ તરીકે તમારી સાથે રહેનાર સહુ કોઈનું માન-સમ્નાન-આદર અને ગૌરવ સચવાય એ જોવાની પણ તમારી જવાબદારી છે. બાળ ઘડતરના સુંવાળા બહાના હેઠળ માતા-પિતા બાળકના દોષદ્રષ્ટા બની તેના દોષો કે દુર્ગુણોનું બુલેટિન વારંવાર તેની સામે પ્રસારિત કરતા રહે એ સામાજિક અપરાધ છે. એટલાથી સંતુષ્ટ નહીં થનાર માતા-પિતા સલાહનો ઈસ્કોતરો ખોલીને બેસી જતાં હોય છે. 'આમ કર' અને 'આમ ના કર' આ બન્ને શબ્દો સાંભળવાનું બાળકો અને યુવાનો બન્નેને નાપસંદ છે. નોર્મન લેવિસી સ્મિથે ''મારા પિતાની સલાહ''માં દ્રષ્ટાંત સુપેરે રજૂ કર્યાં છે.
નોર્મન લેવિસ સ્મિથ લખે છે, ''ત્યારે પોતે નાનો હતો સમય ખૂબ ઝડપથી પસાર થઈ ગયો. મેં મારા પુત્ર એરિકને શિશુમાંથી બાળક અને બાળકમાંથી કિશોર બનતો જોયો છે. મને લાગે છે કે તેનું વય પરિવર્તન મારી અવસ્થાના વય પરિવર્તન કરતાં તીવ્ર ગતિએ થયું છે. હું તેને ઘણી જ વાતો કહેવા બેચેન છું, જે એના પોતાના અસ્તિત્વ સંગ્રામમાં મદદરૂપ થઈ શકે તેમ છે, જે તેને એક સારો માણસ બનાવશે. એટલામાં એનો આઠ વર્ષનો પુત્ર એરિક એને કહે છે. ડેડી આપણે થોડીક વાતો કરી શકીએ?''
એક ક્ષણ માટે નોર્મનને લાગે છે કે પુત્ર એરિકને મારી સલાહની જરૂર છે. પરંતુ નોર્મનને પોતાના પિતાએ કહેલો છેલ્લો પાઠ બરાબર યાદ છે. એટલે એ વિચારે છે: મારા પુત્રને હું કાંઈક કહીશ તેના કરતાં હું શું કરું છું અને શું કરી શકું એ દ્વારા સારો બોધ મળી શકશે.
સંસ્મરણો આગળ વગોળતાં નોર્મન સ્મિથ નોંધે છે ત્યારે મારી ઉમ્મર ત્રેવીસની હતી. કોલેજકાળથી જ હું બચત કરતો હતો. મેં પ્રવાસના આયોજક તરીકે કામ સ્વીકાર્યું ત્યારે મારા પિતાએ જાતે લખેલો એક કાગળ મારા હાથમાં મૂકતાં કહ્યું : ''નોર્મન આ કાગળમાં મેં કેટલીક વાતો લખી છે હું ઈચ્છું કે તું એ વાતો યાદ રાખજે.''
નોર્મનની પિતાજીની યાદ રાખવા જેવી '૨૯ વાતો' પૈકી કેટલીક વ્યાવહારિક હતી જેમ કે, 'પ્રવાસ દરમ્યાન પ્રત્યેક દેશના અમેરિકન એલચી ખાતા સાથે સંપર્કમાં રહેજે. તારા ખિસ્સામાં પરચૂરણ રાખજે. રાત્રે પૈસા ઓશિકા નીચે મૂકજે.' પરંતુ આગળ કેટલીક સૂચનાઓ હતી જે મારા વ્યક્તિગત સ્વાતંત્ર્યને કુંઠિત કરતી હતી. જેમકે 'અજાણી છોકરીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ન બાંધીશ. એને કારણે પસ્તાવાનો વારો આવશે. અજાણ્યા પહાડ પર ન ચઢીશ. તને ઠોકર વાગે ત્યારે વાતવાતમાં ચિડાઈ ન જતો - વગેરે.'
''મોટો થતાં મેં પિતાજીની સલાહ માનવાનું બંધ કરી દીધું. એમની સલાહની વિરુદ્ધ પણ મેં કામ કરવાનું શરૂ કરી દીધું. લગભગ પચ્ચીસમે વર્ષ મેં પિતાજીની છત્રછાયા ગુમાવી દીધી.''
વર્ષો પછી મારે ઘેર એરકનો જન્મ થયો, ત્યારે મારી સમક્ષ પ્રશ્ન એ હતો કે મારે પિતાજીની સલાહ મુજબનો માર્ગ અપનાવવો કે એરિકને પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા આપવી.
દરેક મા-બાપને બાળક સાથે કેમ વર્તવું તેની ગંભીર જરૂર છે. સલાહ એવી આપવામાં આવી છે કે બાળકોને બધું જ આપો, ન આપો તમારા વિચારો. એ વિશે એક ચિંતકે સરસ વાત કરી છે કે મને યોગ્ય રીતે કોઈ ઓળખી શક્યું હોય તો તે છે મારો દરજી, કારણ કે એણે દરેક સિલાઈના પ્રસંગે મારું નવેસરથી માપ લીધું છે.
સંતાનનો ઉછેર એટલે તેની ચેતનાના માલિક નહીં પણ માળી બનવાની જવાબદારી. એના વ્યક્તિત્વ વિકાસમાં હાનિકારક બને તેવો અભિગમ ક્યારેય ન દાખવવો. બાળકની પાંખ કાપીને તમે ઉડવાની કળા તેને નહીં શીખવી શકો. નોર્મન સ્મિથે પિતાજીના જીવન વ્યવહારમાંથી જે કાંઈ ગ્રહણ કરી તે સાત બાબતો આ હતી.
૧. માણસનું કર્તવ્ય છે કે પોતાના આશ્રિતોની સાર સંભાળ રાખે.
૨. ગપ્પાં ન મારો, બહાના ન કાઢશો, જૂઠ્ઠું ન બોલશો.
૩. જેને મદદની જરૂર હોય તેના મદદગાર બનો.
૪. જો તમે સાચા હો તો હાર ન સ્વીકારશો.
૫. જરૂર પડે મદદ માગનાર મિત્ર તરફથી મોં ફેરવી ન લેશો.
૬. હંમેશાં ફરિયાદી રહેવાનું પસંદ ન કરશો.
૭. બાળકો સાથે વિવાદ નહીં પણ સંવાદનો સંબંધ રાખજો.
માત્ર 'તાપ' દેખાડનાર 'બાપ' જિંદગીમાં નિષ્ફળ નીવડયા છે. માત્ર મીઠાશ દેખાડનાર મા-બાપ પણ સંતાનોને પસંદ નથી. પોતાની સાથે વાત્સલ્યપૂર્ણ અને સ્વાભાવિક સંબંધ માતા પિતા દાખવે એ જરૂરી છે.
- શશિન્