
Huawei જે રીતે આગળ વધી રહ્યું છે, તે જોઈને NVIDIA ચિંતિત થઈ ગયું છે. NVIDIAના CEO જેનસેન હુઆંગ દ્વારા અમેરિકાની સરકારને ચેતવણી આપવામાં આવી છે. Huaweiએ હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એડવાન્સ ચીપ બનાવી છે. જો આ ચીપ AI મોડલ્સ માટે ઉપયોગી થઈ જાય, તો તે માર્કેટને કવર કરી લેશે. NVIDIAને આ હકીકતથી ડર લાગી રહ્યો છે, અને તેથી જ ફોરેન અફેર્સ કમિટિના એક સભ્ય સાથે પ્રાઈવેટ મીટિંગ કરીને તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.
NVIDIAની ચીપના એક્સપોર્ટ પર અમેરિકાએ મૂક્યો છે પ્રતિબંધ
અમેરિકાની સરકાર દ્વારા NVIDIAની ચીપના ચીનમાં એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વોર શરૂ કરવામાં આવ્યા બાદ અનેક ચીજો પર બેન લાગુ કરવામાં આવ્યો છે, જેમાં NVIDIAની H20 ચીપ પણ સામેલ છે. આ H20 ચીપ AI મોડલ્સ માટે અતિમહત્ત્વની છે. જોકે, અમેરિકા દ્વારા એના પર પ્રતિબંધ મૂકાતાં ચીન એનાથી વંચિત થઈ ગયું છે.
Huaweiની ચીપ માટે ગ્લોબલ ડિમાન્ડ વધી શકે
અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ Huaweiએ નવી ચીપ બનાવવાનું શરૂ કર્યું, જે હવે તૈયાર થઈ ગઈ છે. ચીન દ્વારા હવે DeepSeek-R1ને Huaweiની ચીપ પર ટ્રેન કરવામાં આવી રહ્યું છે. જો તે સફળ થાય, તો અન્ય ઓપન સોર્સ ચાઇનિઝ મોડલ્સ પણ Huaweiની ચીપનો વપરાશ કરશે, જેનાથી NVIDIAનું માર્કેટ ચીનમાં લગભગ નાબૂદ થઈ જશે. જો Huaweiની ચીપ ચીનમાં સફળ થશે, તો એની ગ્લોબલ માર્કેટમાં પણ માગ વધશે. NVIDIA કરતાં Huaweiની ચીપ વધુ સસ્તી છે, તેથી વિશ્વભરના માર્કેટમાં પણ તેનું પ્રભુત્વ થઈ શકે છે. એનાથી NVIDIAનો બિઝનેસ ઘટાડો થશે, જેની સીધી અસર અમેરિકાની અર્થવ્યવસ્થાના પર પડી શકે. NVIDIAએ આ વિષયને ખૂબ સંવેદનશીલ ગણાવ્યું છે.