ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. એવામાં સાયબર ક્રાઈમને લગતી ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાયબર ક્રાઈમ હેઠળ ગુનેગારો વિવિધ ગુનાઈત પ્રવૃત્તિઓ જેવી કે ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ દ્વારા સામાન્ય નાગરિકોના લાખો રૂપિયા ખંખેરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધને દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપી વીડિયો કોલ કરીને મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. તેમની પાસેથી 16 લાખથી વધુ રૂપિયાની ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ભાવનગરના ઈન્ટરનેશનલ બાસ્કેટ બોલ પ્લેયર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

