
પેરિસ ઓલિમ્પિક 2024 બાદ વિનેશ ફોગાટને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવાની અરજી ફગાવી દીધી હતી. ત્યારે હવે વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.
વિનેશ ફોગાટે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે ઈમોશનલ જોવા મળી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આ તસ્વીરના કેપ્શનમાં વિનેશે કંઈ લખ્યું નથી. પરંતુ ઘણા ફેન્સ વિનેશને પ્રોત્સાહિત કરવા માટે કોમેન્ટ કરી છે. ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ કોમેન્ટમાં લખ્યું, "તમે પ્રેરણાદાયક છો, તમે ભારતનું રત્ન છો.'' મનિકાની સાથે અન્ય લોકોએ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને વિનેશ ફોગાટ તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે વિનેશને ન્યાય અપાવવા માટે દરેક પ્રકારની કાનૂની દલીલો કરી અને તર્ક રજૂ કર્યા હતા. આ મામલે 9 ઑગસ્ટે આશરે 3 કલાક સુધી સુનાવણી પણ થઈ હતી. એનાબેલે બેનેટે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.
આ ચાર દલીલો વિનેશે સુનાવણી દરમિયાન કરી હતી
વિનેશે દલીલ કરી હતી કે તેણીએ કોઈ છેતરપિંડી કરી નથી.
તેનું વજન શરીરની કુદરતી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને કારણે હતું.
વિનેશે દલીલ કરી હતી કે પોતાના શરીરની કાળજી લેવી એ એથ્લીટનો મૂળભૂત અધિકાર છે.
વિનેશ વતી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સ્પર્ધાના પહેલા દિવસે તેના શરીરનું વજન નિર્ધારિત મર્યાદા કરતા ઓછું હતું. માત્ર રિકવરીથી વજન વધ્યું છે અને છેતરપિંડીનો કેસ નથી. તેમના શરીરને સ્વસ્થ રહેવા માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડવા એ તેમનો મૂળભૂત અધિકાર છે.
શું છે સીએએસ?
વર્ષ 1896માં પહલી વખત ઓલિમ્પિક્સનું આયોજન ગ્રીસમાં કરવામાં આવ્યું હતું. પરંતુ આ પછી કેટલાક વિવાદો ઉભા થવા લાગ્યા. કેટલાક ખેલાડીઓએ નિયમોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ બધા વિવાદોને ધ્યાનમાં રાખીને તેમને ઉકેલવા માટે વર્ષ 1984માં 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ'ની રચના કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્યાલય સ્વિત્ઝર્લેન્ડમાં સ્થિત છે. આ એક સ્વતંત્ર સંસ્થા છે, જે રમતગમતને લગતા વિવાદોનું નિરાકરણ લાવે છે.